તિરૂપતી સોસાયટીમાં રહસ્યમય હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો
જામનગરના તિરૂપતી પાર્ક સોસાયટી વિસ્તારમાં રાત્રીના એક રૂમમાંથી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી તપાસ દરમ્યાન ગળાફાંસાના કારણે મૃત્યુ થયાનું તારણ લગાવીને મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો, જેના રીપોર્ટ બાદ વધુ વિગત સ્પષ્ટ થશે.
મળતી વિગત મુજબ જામનગરના તિરૂપતી સોસાયટી શેરી નં. ૩/એ, પ્લોટ નં. ૧૧૦/૭ ખાતે રહેતા સેજલબેન મહાદેવભાઇ ભરવાડ (ઉ.વ.૨૮) નામની યુવતિએ ગઇકાલે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ગળાફાંસાના કારણે મૃત્યુ નિપજયુ હોવાનું બહાર આવ્યુ હતું.
આ અંગે તિરૂપતી સોસાયટીમાં રહેતા શૈલેષ જયસુખભાઇ બોડા દ્વારા બેડી મરીન પોલીસમાં જાણ કરવામાં આવી હતી, રાત્રીના બનાવની જાણ થતા પોલીસ ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી, શંકાસ્પદ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે, બીજી બાજુ મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો, પીએમ રીપોર્ટ આવ્યા બાદ કારણ સ્પષ્ટ થશે.