BREAKING NEWS

જામનગર : જેલવાસ ભોગવી રહેલા ધ્રોલના યુવાનનું કેન્સરની બિમારી સબબ મૃત્યુ

  • January 19, 2026 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધ્રોલમાં રહેતા અને હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા કેદીને મોઢાનું કેન્સર થઈ જતાં તેને સારવાર માટે જેલમાંથી રજા અપાઇ હતી, અને પોતાને ઘેર લઈ જવાયા બાદ તેનું મૃત્યુ નીપજયું છે. શહેરના વલ્લભનગર વિસ્તારમાં એક સફાઇકર્મીએ આપઘાત કરી લીધો હતો ઉપરાંત લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા પરપ્રાંતિય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે, જ્યારે કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં રહેતા વૃઘ્ધે બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.


ધ્રોલમાં ચામુંડા પ્લોટ માં રહેતા મુન્નાભાઈ ભીખાભાઈ સોલંકી નામના ૪૦ વર્ષના દેવીપુજક શખ્સને હત્યા અંગેના એક કેસમાં જામનગરની જિલ્લા જેલમાં રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન તેને મોઢાનું કેન્સર થઈ જતાં તેની સારવાર ચાલી રહી હતી, અને કેન્સર અંતિમ સ્ટેજમાં હોવાથી તેને જેલમાંથી રજા આપીને ઘરે મોકલવામાં આવ્યો હતો.


 જે દરમિયાન તેના મોઢામાં કેન્સરની ગાંઠ ફૂટી જતાં ખોરાક લઈ શકે તેમ ન હોવાથી તેનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ નારણભાઈ ભીખાભાઈ સોલંકીએ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.ડી. ગોગરાએ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


મૂળ મધ્યપ્રદેશના બિહાર રાજ્યના વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા વિપુલસિંહ ઝાલાના મકાનમાં ભાડેથી રહેતા અલીહૈદર મોહમ્મદઆરીફ નામના ૧૯ વર્ષના પર પ્રાંતિય યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવાને પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દઇ પોતે ગેસના બાટલા ઉપર ચડી પંખાના હુકમા મફલર બાંધ્યો હતો, અને પંખામાં હુકમાં લટકી ગયો હતો.
જે બનાવ અંગે તેની સાથે જ રહેતા પરવેશ આલમ આફતાબે પોલીસને જાણ કરતાં પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી છે.


અન્ય બનાવ લાલપુર તાલુકાના મુળીલા ગામમાં બન્યો હતો. જ્યાં રહેતા મનજીભાઈ ગોવાભાઇ પરમાર નામના ૭૦ વર્ષના એક વૃઘ્ધે પોતાની વૃદ્ધાવસ્થાની અને શ્વાસ તેમજ એસીડીટીની બીમારીથી કંટાળી જઈ પંખાના હુકમા દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. 


આ બનાવ અંગે મૃતકના પુત્ર વિનોદભાઈ મનજીભાઈ પરમારે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન કે છૈયા બનાવના સ્થળે દોડી ગયા હતા.


આ ઉપરાંત જામનગરમાં શંકર ટેકરી વલ્લભનગર શેરી નંબર-૨માં રહેતા મોહનભાઈ ગોવિંદભાઈ રાઠોડ નામના ૫૫ વર્ષના સફાઈ કામદારે ગઈકાલે પોતાના ઘેર લોખંડના પાઇપમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.
​​​​​​​

આ બનાવ અંગે ગૌરીબેન મોહનભાઈ રાઠોડએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન ના એએસઆઇ ટી. કે. ચાવડા બનાવના સ્થળે દોડી ગયા હતા, વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application