જામનગર તાલુકાના ચંગા ગામમાં ઇન્દીરા આવાસ પ્લોટ ખાતે રહેતા અને ઢોલ વગાડતા વિરમભાઈ ભોજાભાઇ નામના ૪૦ વર્ષના દલિત યુવાનને ઢીકાપાટુનો માર મારી તેમજ ફરીયાદી અને તેના ભાઇને ફોન પર હડધુત કરવા અંગે ચંગા ગામના પ્રવીણસિંહ ભીખુભા પિંગળ, ભરતસિંહ કેશુભા પિંગળ અને અજીતસિંહ મઘાજી પિંગળ સામે ફરિયાદ નોંધાવી છે.
પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયા અનુસાર ફરિયાદી પોતાના ગામમાં એક લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા હતા, જ્યાં મહેમાનો દ્વારા ઢોલી પર પૈસા ઉડાડવામાં આવ્યા હતા, જે પૈસા એકત્ર કરીને થેલીમાં રાખ્યા હતા. જેમાંથી છુટા કાઢવાના મામલે પ્રવિણસિંહ ભીખુભાએ થેલામાં હાથ નાખીને પૈસા લેવાની ના પાડતાં ઉશ્કેરાઈ જઇ ઢીકાપાટુનો માર મારી જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યા હતા.
દરમ્યાનમાં આરોપીએ ફરીયાદીના ભાઇ ભીખાભાઇને ફોન કરીને ફરી વખત જ્ઞાતી પ્રત્યે હડધુત કરી અપશબ્દો બોલ્યા હતા ત્યાર બાદ ભરતસિંહ અને અજીતસિંહ બંને જણા ફરીયાદીના ઘરે જઇ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને ફરીયાદીના ઘરના મહિલા સભ્યોને આ બનેલ બનાવ બાબતે ફરીયાદ ન કરવાનું કહીને તેમજ ફરીયાદ કરશો તો જોઇ લેશુ તેવી માર મારવાની ધમકી દીધી હતી. જે બનાવ બાબતે પંચ-બીમાં બીએનએસ તથા એટ્રોસીટી એકટ મુજબ ચંગા ગામના ઉપરોકત ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરી એસસી એસટી સેલના ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.