કહેવત છે જર, જમીન અને જોરૂ કજિયાના છોરું રાજુલામાં પરણિત સ્ત્રી સાથેના પ્રેમ સબંધમાં યુવાનની પરિણીતાના પતિએ ગળુ દબાવી હત્યા નિપજાવી લાશને બ્લેન્કેટમાં બાંધીને ગામથી દૂર વોંકળામાં નાખી દીધી હતી. પોલીસે મૃતકની કોલ ડીટેઇલના આધારે હત્યાના બનાવનો 24 દિવસે ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગળુ દબાવી હત્યા કરી
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજુલામાં રહેતા અને ક્રિષ્ના હોટેલ ચલાવતા સુરેશભાઈ કરશનભાઇ સભાડીયા (ઉ.વ.42)ના ગત તા.10ના મિત્ર સાથે ચા-પાણી પીધા બાદ ગુમ થઇ જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ સુરેશભાઈનો કોઈ પત્તો ન લાગતા અમદાવાદ રહેતા તેમના ભાઈ લાલજીભાઈએ રાજુલા પોલીસમાં પોતાના ભાઈ ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવતા રાજુલા પોલીસે ફોન લોકેશન અને કોલ ડીટેઇલ્સના આધારે તપાસ હાથ ધરતા કોલ ડિટેઈલ્સમાં મુળ ખડાધાર અને હાલ રાજુલામાં રહેતા રાજદીપ મજબુતસીંહ રાઠોડના નંબર અને લોકેશન સ્ટ્રેસ થતા પોલીસે તેને શકમંદ તરીકે પોલીસ મથકે બોલાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ હાથ ધરતા રાજદીપ રાઠોડ ભાંગી પડ્યો હતો અને તેને જ સુરેશભાઈની ગળુ દબાવી હત્યા કરી લાશને બ્લેન્કેટમાં બાંધી બાઇકમાં લઈ જઈ પીપળવા નજીક પાણીના વોકળા ફેંકી દીધી હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપીને સાથે રાખી સ્થળ પર પહોંચી તપાસ કરતા વોંકળામાં બ્લેન્કેટમાં બાંધેલો સુરેશભાઈનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. 25 દિવસથી મૃતદેહ પાણીમાં પડ્યો હોવાથી હાડ પિંજર થઇ ગયું હતું. માત્ર શર્ટના આધારે પરિવારે લાશની ઓળખ કરી બતાવતા પોલીસે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી મૃતકના ભાઈ લાલજીભાઈ સભાડીયાની ફરિયાદના આધારે રાજદીપ રાઠોડ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરી હતી.
બ્લેન્કેટમાં હાથ પગ બાંધી લાશને વીંટી
પોલીસની વિશેષ તપાસમાં મૃતક સુરેશભાઈ ત્રણભાઈમાં બીજા નંબરે હતા અને અપરણિત હતા, રાજુલા ખાતે એકલા રહી ક્રિષ્ના હોટેલ ભાડે ચલાવતા હતા. મૃતકને રાજદીપ રાઠોડની પત્ની સાથે સબંધ હોય અને બંને ફોન પર વાતચીત કરતા હતા તેની જાણ રાજદીપને થતા રાજદીપ સુરેશભાઈના ઘરે ગયો હતો અને ત્યાં બંને વચ્ચે બોલાચાલી થતા રાજદીપે ગળું દબાવી હત્યાને અંજામ આપ્યો હતો. બાદમાં બ્લેન્કેટમાં હાથ પગ બાંધી લાશને વીંટી પોતાની બાઇકમાં પીપળવા પાસે વોંકળામાં નાખી દીધી હતી. પોલીસે ગુમ થયેલા વ્યક્તિની હત્યા થયાનો 25 દિવસે ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.