પાકિસ્તાનની સાન ઠેકાણે આવી: કાશ્મીર માટે યુધ્ધ પરવડે તેમ નથી
કાશ્મીરના નામે સતત ભારત સાથે બાખડી રહેલા પાકિસ્તાનની સાન હવે ઠેકાણે આવી છે અને હવે આ મામલો યુધ્ધ નહીં પરંતુ વાતચીતથી ઉકેલવાની તૈયારી દર્શાવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન યુસૂફરઝા ગિલાનીએ સ્વીકાયુ છે કે કાશ્મીર મુદ્દાનો માત્ર વાતચીતથી જ નિવેડો લાવવો જોઇએ કારણ કે ૨૧મી સદીમાં પાકિસ્તાનને યુદ્ધ પરવડે તેમ નથી.
કાશ્મીર એકતા દિવસ પર વડાપ્રધાન સચિવાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેણે કહ્યું કે અમે વાતચીત, ચોક્કસ નીતિ અને રાષ્ટ્ર્રીય સહમતિથી મુદ્દાઓને ઉકેલવા માંગીએ છીએ.
યુસૂફરઝા ગિલાનીએ રવિવારે સ્પષ્ટ્ર કહ્યું કે કાશ્મીર માટે હવે વધુ યુદ્ધ નહીં લડી શકાય. તેણે કહ્યું કે કાશ્મીર માટે પહેલા પણ ચાર વાર યુદ્ધ થઇ ચુકયું છે પરંતુ તેનાથી કશું નથી મળ્યું. ૨૧મી સદીમાં અમે યુદ્ધ સહન નહીં કરી શકીએ. કાશ્મીરનો મુદ્દો વાતચીતથી જ ઉકેલી શકાય તેમ છે.
ગિલાનીએ કહ્યું કે વિદેશનીતિમાં કાશ્મીર હજુપણ મહત્વપૂર્ણ મુદ્દો છે. પાકિસ્તાનની વિદેશનીતિ હવે કોઇ એક વ્યકિત નક્કી નહીં કરી શકે. સમગ્ર સંસદ વિદેશનીતિ નક્કી કરશે.
ગિલાનીએ કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરના લોકોને નૈતિક અને રાજકીય સમર્થન યથાવત રાખશે. દરેક રાજકીય દળો સહિત સમગ્ર પાકિસ્તાન કાશ્મીરના મુદ્દે એક છે