હાલારના ૨.૬૧ લાખ બેંક ખાતામાં રૂપિયા ૧૦૧ કરોડ બિનવારસુ..!

  • September 22, 2026 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારના ૨.૬૧ લાખ બેંક ખાતામાં રૂપિયા ૧૦૧ કરોડ બિનવારસુ..!

અહો આશ્ર્ચર્યમ: જામનગર જિલ્લામાં રૂ.૭૪.૨૩ કરોડ,દ્વારકા જિલ્લામાં રૂ.૨૭.૩૭ કરોડ અનકલેઇમ ડીપોઝીટ, બંને જિલ્લામાં ૧૯૪૦ બેંક ખાતામાં રૂ.૧૫ કરોડ સેટલ થયા

કેન્દ્વના નાણા મંત્રાલયની આપ કી પુંજી આપ કા અધિકાર ઝુંબેશના એક વર્ષ બાદ પણ જાહેર, ખાનગી અને સહકારી બેંકોમાં કરોડોની રકમ બિનવારસી 

હાલારના ૨.૬૧ લાખ બેંક ખાતામાં રૂ.૧૦૧ કરોડથી વધુ નાણાં બિનવારસુ નાણાં પડયા હોય આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. જામનગર જિલ્લામાં રૂ.૭૪.૨૩ કરોડ, દ્વારકા જિલ્લામાં રૂ.૨૭.૩૭ કરોડ અનકલેઇમ ડીપોઝીટ પડી છે. બંને જિલ્લામાં ૧૯૪૦ બેંક ખાતામાં રૂ.૧૫ કરોડ સેટલ થયા છે. કેન્દ્વના નાણા મંત્રાલયની આપ કી પુંજી આપ કા અધિકાર ઝુંબેશના એક વર્ષ બાદ પણ જાહેર, ખાનગી અને સહકારી બેંકોમાં કરોડોની રકમ બિનવારસી પડી હોય ઝુંબેશન કામગીરી અને સફળતા સામે ગંભીર પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. બંને જિલ્લામાં બેંક ખાતામાં કરોડોની રકમ બિનવારસુ પડી હોય બેંકોની ઘોર બેદરકારી છે કે ખાતાધારકોની ઉદાસીનતા તે સળગતા સવાલની સાથે ગંભીર તપાસનો વિષય બન્યો છે. 

સરકારી, ખાનગી અને સહકારી બેંકોના ખાતામાં બિનવારસુ પડેલા નાણાં ખાતાધારકો અને તેના વારસદારોને મળી રહે તે માટે કેન્દ્ગીય નાણાં મંત્રાલયે આપ કી પુંજી આપ કા અધિકાર ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશને એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. આમ છતાં રાજયની સરકારી, ખાનગી અને સહકારી બેંકોમાં અધધ..૭૮,૬૨,૬૧૭ ખાતામાં રૂ.૨૮૩૬.૮૧ કરોડની રકમ બિનવારસી પડી હોય ભારે આશ્ર્ચર્ય સર્જાયું છે. જેમાં જામનગર જિલ્લામાં ૧,૭૮,૧૨૯ બેંક ખાતામાં રૂ.૭૪.૨૩ કરોડ રકમ પડી હોવાનું નોંધાયું છે. જે પૈકી ૧૪૧૪ બેંક ખાતામાં રૂ.૧૨.૫૩ કરોડની રકમ સેટલ થઇ છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮૩,૧૪૭ બેંક ખાતામાં રૂ.૨૭.૩૭ કરોડની રકમ બિનવારસી પડી છે. જયારે ફકત ૫૨૬ બેંક ખાતામાં રૂ.૨.૫૪ કરોડની રકમ સેટલ થઇ છે. બેંક ખાતા અને રકમ સેટલ એટલે કે ખાતદારોનો પતો મળતા દાવા સેટલ કરી તેમાં પડેલી રકમ ચૂકવી હીસાબ પૂર્ણ કરવામાં આવ્યો છે. 

અત્રે નોંધનીય છે કે, ગુજરાત સ્ટેટ લેવલ બેંકર્સ કમીટીના જૂન-૨૦૨૬ના નવા એજન્ડામાં બિનદાવેદાર થાપણો માટે અલગ એજન્ડા રાખવામાં આવ્યો છે. આટલું જ નહીં રિઝર્વ બેંકે પણ અનકલેઇમ્ડ બેંક ખાતા સક્રીય કરવાની પ્રક્રીયાને ઝડપી કરવા સ્પષ્ટ સૂચના આપી છે. ચાલુ વર્ષે નાણાં મંત્રાલયના ફાયનાન્સ વિભાગે પણ તમામ બેંકોના ટોચ મેનેજમેન્ટ સાથે ડીઇએ ફંડના દાવાની સ્થિતિની સમીક્ષા કરીને જ‚રી નિર્દેશો પણ આપ્યા હતાં. આમ છતાં સેટલમેન્ટનું સ્તર ખૂબજ ઓછું રહ્યું છે. નવાઇની વાત તો એ છે કે, અનેક પ્રયાસો છતાં અનકલેઇમ્ડ બેંક ખાતા ઓછા સેટલ થવા પાછળ જૂની બંધ અથવા પુનર્ગઠીત સરકારી યોજનાના ખાતા, સરકારી વિભાગો અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે સંકલનનો અને સુચારૂ મોનીટરીંગ મીકેનીઝમનો ભારે અભાવ કારણભૂત હોવાનો ઉલ્લેખ એટલે બચાવ કરવામાં આવ્યો છે. પરંતુ બીજી બાજુ એક હકીકત એ પણ છે કે, બેંકોમાં અનકલેઇમ્ડ બેંક ખાતામાં પડેલા નાણાં મેળવવા એટલે કે સેટલ કરવામાં બેંક અધિકારીઓની મનસ્વી કામગીરી, લાંબી અને જટીલ પ્રક્રીયાના કારણે ખાતાધારકોને પગે પાણી ઉતરી રહ્યા છે. જેના કારણે કેન્દ્રીય નાણાં મંત્રાલયની આપ કી પુંજી આપ કા અધિકાર ઝુંબેશનો મહદઅંશે ફીયાસ્કો થયાની સ્થિતિ પ્રર્વતી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application