દેવભુમી દ્વારકા જીલ્લામાં એટીએસનું ગુપ્ત ઓપરેશન

  • May 17, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા અને ઓખામાંથી ૪ શકમંદોને પુછપરછ માટે ઉપાડી ગયા: ગામમાં ભારે ચર્ચા

દેવભુમી દ્વારકા જીલ્લામાં એટીએસની ટીમે એક ગુપ્ત કામગીરી હાથ ધરીને સલાયા તથા ઓખામાંથી ૩ થી ૪ શકમંદોને પુછપરછ માટે ઉપાડી ગઇ હોવાના અહેવાલ સામે આવ્યો છે, આ બાબતે બંને ગામમાં ચર્ચાઓએ જોર પકડયું છે, જો કે કયા કારણસર લઇ જવામાં આવ્યા... એ બાબતે કોઇ સત્તાવાર વિગતો સામે આવી નથી. 

રાજયની એટીએસની ટીમે ગઇકાલે એકાએક દ્વારકા જીલ્લાના સલાયામાં એન્ટ્રી મારી હતી અને બે થી ત્રણ શખ્સને અટકાયતમાં લીધા હોવાનું જાણવા મળ્યું છે, આ ઉપરાંત ઓખામાંથી પણ એક શકમંદને ઉપાડી લેવામાં આવ્યો છે, અત્યંત ગુપ્ત રાહે કાર્યવાહી કરવામાં આવી હતી અને ૩ થી ૪ શકમંદોને અજ્ઞાત સ્થળે લઇ જઇ પુછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે, જો કે સત્તાવર કોઇ વિગતો સામે આવી નથી.

સલાયા અને ઓખામાં એટીએસએ ગુપ્ત ઓપરેશન હાથ ધર્યાનું અને શખ્સોને ઉપાડી ગયાનું બહાર આવતા ચર્ચાએ જોર પકડયું છે, બીજી બાજુ ડ્રગ્સ પ્રકરણ કે અન્ય કોઇ કારણસર લઇ ગયાની પણ ચર્ચાઓ ચાલી રહી છે, સત્તાવાર વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી સ્થીતી વચ્ચે એટીએસ ત્રાટકતા અનેક તર્ક-વિતર્ક થઇ રહયા છે, અત્રે ઉલ્લેખનીય છે કે, દેવભુમી દ્વારકા જીલ્લાના સલાયા, નાવદ્રા અને અન્ય સ્થળેથી ભુતકાળમાં ડ્રગ્સનો જંગી જથ્થો તબકકાવાર ઝડપાયો હતો, આ ઉપરાંત દરીયાકાંઠેથી બિનવારસુ ચરસના પેકેટ પણ મળી આવ્યા હતા, આ અગાઉ પણ એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા ધામા નાખીને તપાસ કરવામાં આવી હતી.

આ ઉપરાંત અગાઉ ડ્રગ્સ સાથે પકડાયેલા શખ્સોની પુછપરછમાં ચોંકાવનારી વિગતો પણ સામી આવી હતી. સલાયા ભુતકાળમાં દાણચોરી માટે કુખ્યાત છે અને ગત વર્ષોમાં ડ્રગ્સની હેરાફેરી માટે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યુ હતું. આ બધાની વચ્ચે એટીએસએ ગઇકાલે એકાએક ગુપ્ત કામગીરી હાથ ધરતા ફરી એકવાર ચકચાર મચી જવા પામી છે.

અત્રે એ પણ નોંધનીય છે કે પોરબંદર, વેરાવળ અને કચ્છમાંથી છાસવારે ઝડપાતા ડ્રગ્સના કન્સાઇનમેન્ટના અમુક તાર સલાયા સુધી લંબાતા હોય જેથી ગત વર્ષોમાં એટીએસએ સલાયાના અમુક શખ્સોની પુછપરછ હાથ ધરી હતી અને ગઇકાલે ગુપ્ત રાહે કામગીરી કરીને ૩ થી ૪ શખ્સોને અટકમાં પુછપરછ માટે લીધા હોવાનું બહાર આવતા આ શકમંદોને કયા કારણસર લઇ જવામાં આવ્યા છે તે વિગતો જાણી શકાઇ નથી, સ્થાનીક પોલીસ પણ આ બાબતે અજાણ હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application