અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે ગત બાવીસમી ઓક્ટોબરે એક્સપ્રેસ હાઇવે પરથી રૂ. ૨૫.૭૧ કરોડનાહેરોઇન અને એમડી ડ્રગ્સ સાથે દિલ્હીના ત્રણ મુખ્ય સપ્લાયરોને ઝડપી પાડ્યા હતા. આ સપ્લાયરોએ દેશભરમાં હેરોઇન અને ડ્રગ્સનું નેટવર્ક ફેલાવીને મોટા પ્રમાણમાં સપ્લાય કર્યું હોવાની માહિતી સામે આવી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અનેક રાજ્યોની પોલીસ તેમજ વિવિધ સેન્ટ્રલ એજન્સીઓ સઘન તપાસ અર્થે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે દોડી આવી છે.
વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા હાલ આ કુખ્યાત સપ્લાયરોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝડપાયેલા આરોપીઓમાં તિફલે નૌખેઝ નામના સપ્લાયરનો ઇતિહાસ ગુનાખોરીથી ભરેલો છે, જે અગાઉ દિલ્હીમાં અલગ-અલગ સમય દરમિયાન આશરે રૂ. ૨,૦૦૦ કરોડના હેરોઇન કૌભાંડના કેસમાં પણ પકડાઈ ચૂક્યો છે. અગાઉ તેની સાથે એક અફઘાનિસ્તાની સપ્લાયર પણ ઝડપાયો હતો. હાલ પોલીસ તેના તમામ આંતરરાષ્ટ્રીય કનેક્શનની કડીઓ મેળવી રહી છે અને ગુજરાતમાં રહેલા તેના સ્થાનિક સંપર્કોની પણ ઊંડાણપૂર્વક તપાસ કરીને સંકળાયેલા અન્ય શખ્સોને ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વડોદરા તરફથી એક કારમાં ડ્રગ્સ અને હેરોઇન છુપાવીને અમદાવાદ પહોંચાડવામાં આવી રહ્યું હતું. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને કફીલ અહેમદ, તિફલે નૌખેઝ અને મોહંમદ ઇમરાન ઉર્ફે રાજાને રંગેહાથ ઝડપી લીધા હતા. આ ડ્રગ્સ પેડલરોએ કારની સીટ નીચે તેમજ અંદર બનાવેલા ખાસ ગુપ્ત ખાનાઓમાં ચોકલેટ તથા એનર્જી ડ્રિંક્સના પેકેટની આડમાં ડ્રગ્સ અને હેરોઇન છુપાવીને લાવતા હતા. પોલીસે આ તમામ શંકાસ્પદ જથ્થો અને વાહન જપ્ત કરી લીધું હતું.
પૂછપરછમાં એવા પણ ચોંકાવનારા ખુલાસા થયા છે કે આ આરોપીઓ અફઘાનિસ્તાનના કુખ્યાત આંતરરાષ્ટ્રીય હેરોઇન માફિયા રહેમત ગુલ સાથે સીધી રીતે સંકળાયેલા છે અને તેના ઇશારે જ અફઘાનિસ્તાનથી હેરોઇન મંગાવતા હતા. દેશભરમાં ફેલાયેલા આ હેરોઇન રેકેટની વિગતો સામે આવતા જ ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈબી), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી), એટીએસ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે અને સતત પૂછપરછ કરી રહી છે.
તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓએ અગાઉ પણ અનેક વખત ગુજરાતમાં ડ્રગ્સ અને હેરોઇનની ડિલિવરી પહોંચાડી હતી. પોલીસની નજરથી બચવા માટે તેઓ અગાઉ મહિલાઓ, યુવતીઓ અને પરિવારોને ડિલિવરી માટે કુરિયર તરીકે ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી વિગતો પણ મળી છે. આ સિવાય હેરોઇનની ગેરકાયદે કમાણીના નાણાં અફઘાનિસ્તાન સુધી કેવી રીતે પહોંચાડવામાં આવતા હતા અને આ સમગ્ર સિન્ડિકેટ માટે ફાઇનાન્સિંગ કોણ કરતું હતું, તે દિશામાં પણ સઘન તપાસ ચાલી રહી છે.
આ આંતરરાજ્ય સિન્ડિકેટના તાર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. પંજાબ બોર્ડર પરથી ડ્રોન મારફતે મોટા પ્રમાણમાં ડ્રગ્સ સરહદ પારથી આવતું હોવાથી, સરહદી વિસ્તારોમાં ડ્રગ્સ રિસીવ કરનાર સ્થાનિક શખ્સોની પણ ઓળખ મેળવવામાં આવી રહી છે. આ સમગ્ર ઓપરેશનની ઝીણવટભરી તપાસ કરીને આ ગુનાહિત સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા માટે ગાંધીનગર અને દિલ્હીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ શહેરના ખાસ કરીને જુહાપુરા, ફતેવાડી, સિંધુભવન રોડ, સરખેજ, મણિનગર, રામોલ અને નિકોલ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રગ્સના આ મોટા વેપાર અંગે પોલીસ સઘન તપાસ ચલાવી રહી છે. પોલીસના આ આક્રમક અને મોટા ઓપરેશનના પગલે અમદાવાદના અનેક નાના-મોટા ડ્રગ પેડલરો અને બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને તેઓ ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.
રાજકોટના અસલમની શોધખોળ અને સાત સ્થળે સર્ચ શરૂ
ડ્રગ્સનો આ જથ્થો રાજકોટના અસલમ નામના ડ્રગ સપ્લાયર અને પેડલરે મંગાવ્યો હોવાની વિગતો સામે આવી છે. જેને પગલે સ્થાનિક પોલીસના સંકલનથી અસલમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, દિલ્હીથી હેરોઇન અને ગાંજો લઈને આવેલા સપ્લાયરોએ સાત સ્થળે ડિલિવરી કરવાની હોવાની વિગતો સામે આવતાં આ સાત સ્થળે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસને મળેલી ડાયરીમાં અનેક સપ્લાયરો અને પેડલરોની વિગતો હોવાથી તેની પણ તપાસ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ સિવિલમાં ખાનગી એબ્લ્યુન્સના ચાલકો બાખડ્યા, દર્દીના ભાડા બાબતે મારામારી કરી
October 24, 2026 03:33 PMરાજકોટમાં 5 દિવસમાં 200 સ્થળે 1.52 કરોડની વીજચોરી ઝડપાઈ, પીજીવીસીએલની 114 ટીમો ત્રાટકી હતી
October 24, 2026 03:25 PMભરબપોરે તાલાલાની ધરતી ધણધણી ઉઠી, માત્ર 12 મિનિટમાં ભૂકંપના ત્રણ આંચકા; લોકો ઘરની બહાર દોડી આવ્યા
October 24, 2026 03:07 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
