રાજકોટ સિવિલમાં ખાનગી એબ્લ્યુન્સના ચાલકો બાખડ્યા, દર્દીના ભાડા બાબતે મારામારી કરી

  • October 24, 2026 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સના બે ડ્રાઇવરો વચ્ચે દર્દીને પોતાની એમ્બ્યુલન્સમાં લઈ જવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી. જે અંગે બંને દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


શહેરના કોઠારીયા રોડ પર રણુજા મંદિરની સામે વંશરાજનગર શેરી નંબર ત્રણમાં રહેતા દડુભાઇ રવજીભાઈ ચૌહાણ (ઉ.વ.50) દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જોગાભાઈ મિયાત્રા અને રંગા ઉર્ફે વિપુલના નામ આપ્યા છે. પ્રૌઢે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઇકો ગાડી એમ્બ્યુલન્સ તરીકે ભાડે ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેઓ પોતાની ગાડી લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ભાડા માટે ગયા હતા તેઓ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ બહાર ઇકો પાર્ક કરી ઇમર્જન્સી તરફ બપોરના સાડા ચારેક વાગ્યે ઊભા હતા. ત્યારે એક વ્યક્તિ સરકારી એમ્બ્યુલન્સ પાસે આવી ડ્રાઇવર સાથે વાતચીત કરતો હતો જેથી સરકારી એમ્બ્યુલન્સના ડ્રાઇવરએ કહ્યું હતું કે, ભાડેથી જતી નથી તેમ જણાવતા ફરિયાદીએ આ વ્યક્તિ સાથે વાતચીત કરી પૂછ્યું હતું કે, તમારે શું કામ છે? ત્યારે તેણે કહ્યું હતું કે અમારે ડિલેવરીનો કેસ છે અને અમરેલી જવાનું છે તેમ કહેતા ફરિયાદીએ રૂપિયા 2000 ભાડુ કહેતા તેણે હા પાડી હતી. બાદમાં ફરિયાદી બહાર પાર્ક કરેલી એમ્બ્યુલન્સ લઈ ઇમર્જન્સીના ગેટ પાસે આવતા દર્દી ગાડીમાં બેસવા જતા હતા ત્યારે બીજા એમ્બ્યુલન્સવાળા જોગાભાઈ મિયાત્રા તથા રંગાભાઇ ઉર્ફે વિપુલ તેમની પાસે આવી કહેવા લાગ્યા હતા કે, શું કામ ભાડા બગાડે છે આ વ્યક્તિ સાથે અમે 2500 માં ભાડું નક્કી કર્યું છે તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં ફરિયાદીને સામાન્ય ઇજા પહોંચી હતી તેમજ જોગાભાઈએ ફરિયાદીની ગાડીના કાચ ઉપર મુકો મારી કાચ તોડી નાખ્યો હતો અને કહ્યું હતું કે, હવે પછી તું અમને મળીશ તો જાનથી મારી નાખવો છે. જેથી આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


સામાપક્ષે યોગેશભાઈ ધીરુભાઈ મિયાત્રા (રહે બેડીપરા આશ્રમજીવી સોસાયટી ચુનારાવાડ ચોક) દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે દડુભાઈનુ નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સની ભાડા માટે આવ્યા હતા અને એક વ્યક્તિએ ડિલેવરી માટેનો કેસ હોય અમરેલી જવાનું કહેતા રૂપિયા 2000 ભાડું નક્કી કર્યું હતું. ત્યારબાદ તેઓ ઇકો ગાડી લઈને ઇમર્જન્સી ગેટ પાસે પહોંચતા આરોપી આ દર્દીને પોતાની એમ્બ્યુલન્સમાં બેસાડતો હોય જેથી તેને કહ્યું હતું કે, અમે ભાડું નક્કી કર્યું છે અને તમે શું કામ મારું ભાડું કરવા જાવ છો આમ કહેતા આરોપીએ કહ્યું હતું કે હું રૂપિયા 1800 માં જાવ છું તમારે શું જોવાનું તેમ કહી ઉશ્કેરાય ફરિયાદીને નાક પર મુકો મારી દીધો હતો. દરમિયાન ફરિયાદીનો ડ્રાઇવર વિપુલ આવી જતા તેમણે છુટા પાડ્યા હતા. બાદમાં આરોપીએ કહ્યું હતું કે, તમે અમને ભાડું કરવા દેતા નથી અને અમારા ભાડામાં જો દખલગીરી કરશો તો તમને જાનથી મારી નાખવા પડશે તેવી ધમકી આપી હતી. જે અંગે વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application