PM મોદીની અપીલની જાદુઈ અસર: વિદેશ પ્રવાસો રદ કરી ભારતીયો 'દેશભક્તિ' સાથે ફરવા નીકળ્યા, સ્થાનિક પર્યટન સ્થળો 'હાઉસફુલ'

  • May 15, 2026 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વિદેશી હૂંડિયામણ બચાવવા અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે ભારતીયોને વિદેશ પ્રવાસ ટાળી દેશના સ્થળોને પ્રાધાન્ય આપવાની જે અપીલ કરી હતી, તેની વ્યાપક અસર જમીની સ્તરે જોવા મળી રહી છે. વેકેશનની સીઝનમાં દર વર્ષે વિદેશ તરફ દોટ મૂકતા ભારતીયોએ આ વર્ષે પોતાના પ્લાન બદલ્યા છે. પરિણામે, ભારતના તમામ મુખ્ય હિલ સ્ટેશનો અને ધાર્મિક સ્થળો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે, જે પર્યટન ઉદ્યોગ માટે અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ સીઝન સાબિત થઈ રહી છે.


આંતરરાષ્ટ્રીય બુકિંગમાં ઘટાડો, ડોમેસ્ટિકમાં ઉછાળો

ગુજરાતની અગ્રણી ટ્રાવેલ એજન્સીઓના જણાવ્યા અનુસાર, પીએમ મોદીના નિવેદન બાદ ઇન્ટરનેશનલ ટ્રિપ્સ માટેની ઇન્ક્વાયરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે પ્રવાસીઓ દુબઈ, થાઈલેન્ડ કે વિયેતનામ જવા માટે પેકેજ ફાઈનલ કરી રહ્યા હતા, તેઓ હવે અચાનક અટકી ગયા છે. સુરતના ટ્રાવેલ એજન્ટ કુલદીપ સોનીના મતે, ઘણા ગ્રાહકો હવે ઇન્ટરનેશનલ ટ્રિપ્સ કેન્સલ કરાવીને એ જ બજેટમાં ભારતના લક્ઝરી ડેસ્ટિનેશન પર જવા ઈચ્છી રહ્યા છે. ખાડી યુદ્ધની પરિસ્થિતિ અને પીએમની અપીલ—આ બંને પરિબળોએ લોકોને સ્વદેશી પર્યટન તરફ વાળ્યા છે.


હિલ સ્ટેશનો અને ધાર્મિક સ્થળોએ જબરો ધસારો

હાલમાં આસામ, શિલીગુડી, શિમલા, કુલુ-મનાલી, કાશ્મીર, પંચગીની અને કેરળના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો જબરો ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધાર્મિક પર્યટનની વાત કરીએ તો, અમદાવાદથી અયોધ્યા અને વારાણસી માટેની સીધી ફ્લાઈટ્સને કારણે આ સ્થળો ફેવરિટ બન્યા છે. ગુજરાતમાં પણ દ્વારકા, સોમનાથ, ગીર, દીવ-દમણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ડિમાન્ડમાં 30 થી 50 ટકાનો વધારો થવાની શક્યતા છે. પ્રવાસીઓ હવે માની રહ્યા છે કે ભારતમાં પણ વિશ્વકક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ છે.


અર્થતંત્ર અને રોજગારને મળશે મોટો વેગ

ભારતીયો દર વર્ષે કરોડો રૂપિયા વિદેશી પ્રવાસ પાછળ ખર્ચે છે, જે નાણું હવે દેશમાં જ રહેશે. વડાપ્રધાનના 'વેડ ઈન ઈન્ડિયા' અને દેશાટન પર ભાર મૂકવાના આહવાનથી ભારતીય હોટલ ઉદ્યોગ અને સ્થાનિક રોજગારને મોટો ફાયદો થશે. ટ્રાવેલ એજન્ટોના મતે, આ વર્ષે વેકેશન અને આગામી દિવાળી વેકેશનમાં ભારતીય પ્રવાસન ક્ષેત્ર તમામ જૂના રેકોર્ડ તોડશે. પ્રવાસીઓ હવે માત્ર મોજમજા માટે જ નહીં, પણ રાષ્ટ્રના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને પોતાના વેકેશન પ્લાન કરી રહ્યા છે, જે દેશની ઇકોનોમી મજબૂત કરવા તરફનું એક હકારાત્મક પગલું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application