જામનગરના દરેડ જીઆઈડીસી એસો.ની ચૂંટણીમાં હિતકારી પેનલનો વિજય

  • October 13, 2025 11:11 AM 


જામનગરના વિશ્વવિખ્યાત બ્રાસ ઉદ્યોગમા દરેડ જી.આઈ.ડીસી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ૨૧ કારોબારી બેઠકો માટે ગઈકાલે, ૧૨મી ઓક્ટોબર, રવિવારના રોજ યોજાયેલી ચૂંટણીમાં ઉદ્યોગ જગતમાં એક મોટો અને નિર્ણાયક સત્તાપલટો થયો છે. ઔદ્યોગિક હિતકારી પેનલ (ત્રિશૂળ) દ્વારા તમામ ૨૧ બેઠકો પર જંગી મતે ઝળહળતો વિજય મેળવવામાં આવ્યો છે, જેના કારણે સાત વર્ષથી શાસનમાં રહેલી પૂર્વ પ્રમુખ દિનેશભાઇ ડાંગરીયા નેતૃત્વ હેઠળની પ્રગતિશીલ પેનલ (સૂર્ય) ની કારમી હાર થઈ છે, અને ઉદ્યોગકારોએ ગઈકાલે જાણે ’સૂર્ય’નો અસ્ત થતો જોયો હતો. 


દરેડ વિસ્તારમાં આવેલા એસોસિએશનના કુલ ૧૮૪૫ સભ્યોમાંથી ૧૬૪૯ સભ્યોએ ભારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું, જે રેકોર્ડબ્રેક ૮૯ ટકા ની આસપાસનો મતદાન આંક દર્શાવે છે. મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સવારે શરૂ થઈ, બપોર સુધીમાં ૭૦ ટકા સુધી પહોંચી હતી, અને સાંજે ૫ વાગ્યા સુધી અવિરત રહી હતી, જેમાં ઉદ્યોગિક હિતકારી પેનલ તરફ વધુ મતદાન થયું હોવાના સંકેતો શરૂઆતથી જ મળી રહ્યા હતા. 


મતદાન બાદ સાંજે શરૂ થયેલી મત ગણતરીમાં ચૂંટણી તંત્ર દ્વારા ૧૬૪૯ મતદાનમાંથી ૩૬ મતો નાની-મોટી ખામીઓના કારણે રદ કરવામાં આવ્યા હતા, જેથી કુલ ૧૬૧૩ મતો વેલિડ ગણવામાં આવ્યા હતા. આ પરિણામોમાં ઉદ્યોગિક હિતકારી પેનલના ઉમેદવાર અતુલભાઈ ગંગદાસભાઈ પટેલે સૌથી વધુ ૯૧૦ મતો મેળવી વિજયનું સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે યુવા ઉમેદવાર વિષ્ણુભાઈ મહેશભાઈ પટેલે બીજા નંબરે ૮૯૮ મતો મેળવીને જીત હાંસલ કરી હતી. જીત બાદ ઉદ્યોગિક હિતકારી પેનલના તમામ વિજેતા ઉમેદવારોએ સર્વસંમતિથી યુવા અને શિક્ષિત નેતા વિષ્ણુ મહેશભાઈ પટેલને એસોસિએશનના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા છે.

​​​​​​​


ચૂંટણીના અંતે એક બેઠક પર ટાઇ પડવાનો રોમાંચક કિસ્સો બન્યો હતો, જેમાં પ્રગતિશીલ પેનલના રાજેશભાઈ ચાંગાણી અને ઉદ્યોગિક હિતકારી પેનલના રામજીભાઈ કણજારીયાને સમાન મતો મળ્યા હતા; જોકે, રાજેશભાઈ ચાંગાણીએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લઈને ખેલદિલી બતાવી ઉદ્યોગિક હિતકારી પેનલના ઉમેદવાર રામજીભાઈ કણજારીયાને સમર્થન આપીને તેમને વિજયી બનાવ્યા હતા, જેથી તમામ ૨૧ બેઠકો પર એક જ પેનલનો કબજો થયો હતો. વિગતવાર આંકડાઓ દર્શાવે છે કે, કુલ ૧૬૧૩ વેલિડ મતોમાંથી ૧૩૬૯ મતો પેનલ ટુ પેનલ (સીધા એક જ પેનલને) પડ્યા હતા, જ્યારે ૨૮૦ મતદારોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું નોંધાયું હતું, જે દર્શાવે છે કે ઉદ્યોગકારોએ વ્યક્તિગત યોગ્યતાને પણ મહત્વ આપ્યું હતું.


આ શાનદાર વિજય બાદ દરેડ ઉદ્યોગમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ છવાયો છે, અને ઉદ્યોગકારો નવા પ્રમુખ વિષ્ણુ પટેલના નેતૃત્વમાં ઇ.ટી.પી. પ્લાન્ટ, આરોગ્ય કેન્દ્ર અને પારદર્શક વહીવટ જેવા મુદ્દાઓ પર ઝડપી કામગીરી શરૂ થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. આ ભવ્ય વિજય ઉદ્યોગકારોના મજબૂત સંગઠન અને પરિવર્તનની ઈચ્છાશક્તિનું પ્રતીક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application