છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ સહન કરી રહેલા ગુજરાતના નાગરિકો માટે કુદરત હવે પોતાનો મિજાજ બદલવા જઈ રહી છે. સૂર્યદેવના પ્રકોપ વચ્ચે આકાશમાં વાદળો ઘેરાવવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે રાજ્યના લોકોને ગરમીથી મોટી રાહત આપતી ન્યૂઝ જાહેર કરી છે, પરંતુ આ રાહત પોતાની સાથે પવન અને વીજળીના કડાકા પણ લાવવાની છે.
ગુજરાતમાં ઉનાળાના આકરા દિવસો વચ્ચે હવામાન વિભાગે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. આગામી ૩૦ મે થી ૨ જૂન દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વાવાઝોડા જેવા તેજ પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ (માવઠું) થવાની પ્રબળ સંભાવના છે. આ ફેરફારથી તાપમાનનો પારો ગગડશે અને લોકોને ગરમીથી છુટકારો મળશે, પરંતુ તેજ પવનના કારણે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી બનશે.
તારીખ વાઇઝ વરસાદનો રોડમેપ: ક્યારે અને ક્યાં પડશે વરસાદ?
૧. ૩૦ મે (શનિવાર): શરૂઆત ઉત્તર ગુજરાત અને કચ્છથી
મે મહિનાના અંતિમ દિવસોમાં ચોમાસા જેવો માહોલ સર્જાશે. ૩૦ મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને પાટણ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
૨. ૩૧ મે (રવિવાર): વરસાદનો વ્યાપ વધશે
મહિનાના છેલ્લા દિવસે વરસાદ વધુ વિસ્તારોને આવરી લેશે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં તેજ પવન સાથે માવઠું થવાની શક્યતા છે, જેનાથી રવિવારની સાંજ ખુશનુમા બની શકે છે.
૧ જૂન: ૧૨ જિલ્લાઓ માટે ‘સુપર એલર્ટ’
નવા મહિનાની શરૂઆતમાં જ કુદરત તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. ૧ જૂનના રોજ ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કુલ ૧૨ જિલ્લાઓમાં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિની વાવાઝોડું ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આશંકા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી અને ભાવનગર.
૨ જૂન: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માહોલ
આગામી ૨ જૂનના રોજ પણ વરસાદી માહોલ યથાવત રહેશે. અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે, જે સામાન્ય જનજીવનને થોડું પ્રભાવિત કરી શકે છે.
બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું છે કે 27 અને 28 મે દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન યથાવત રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને ભારે બફારો અનુભવાઈ શકે છે. આમ, રાજ્યમાં આગામી થોડા દિવસો સુધી ગરમી અને માવઠા વચ્ચે બદલાતું હવામાન જોવા મળશે.
ખેડૂતો અને સામાન્ય જનતા માટે જરૂરી સૂચના
હવામાન વિભાગે અગાઉથી જ લોકોને ચેતવ્યા છે કે જ્યારે વીજળીના કડાકા થતા હોય કે તેજ પવન ફૂંકાતો હોય ત્યારે ઝાડ કે કાચા મકાનો નીચે ઊભા રહેવું નહીં. વળી, માર્કેટ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોને પોતાનો પાક ખુલ્લામાં ન રાખવા અને પ્લાસ્ટિકથી ઢાંકીને સુરક્ષિત કરવા વિનંતી કરવામાં આવી છે.