ગુજરાત હાઇકોર્ટમાં ૧૯૦ આસામીઓ અરજી કર્યા બાદ હાઇકોર્ટની સુચના મુજબ જામનગરના બચુનગરના ૧૯૦ જેટલા રહેવાસીઓએ આ તમામ મકાનો રેગ્યુલરાઇઝડ કરવા કોર્પોરેશનમાં અરજી કરી હતી, જે અરજી નામંજુર કરવામાં આવી છે, લોકોને પુરાવા આપવા મુદત આપવામાં આવી હતી, પરંતુ મોટાભાગના આસામીઓ પોતે માલીક છે તેવા પુરાવા આપવામાં નિષ્ફળ જતાં હવે બાંધકામ તોડી પાડવાનો માર્ગ મોકળો થયો છે અને આગામી દિવસોમાં ગમે ત્યારે કોર્પોરેશનનું આ તમામ ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળશે.
બીજી તરફ રંગમતી નદીના પટ્ટમાં અને આજુબાજુના કાંઠાળ વિસ્તારમાં ગઇકાલે ૯૪ ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા બાદ આગામી દિવસોમાં ૨૦૦થી વધુ બાંધકામો લગભગ ૫ થી ૬ દિવસમાં જ તોડી પાડવામાં આવશે તેમ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ જણાવ્યું હતું.
બચુનગરના રહેવાસીઓને એપ્રિલ મહીનામાં તેમના ગેરકાયદેસર બાંધકામો અંગે વિગતો આપવા જણાવ્યું હતું, ત્યારબાદ કેટલાક લોકો એટલે કે ૧૯૦ જેટલી અરજી હાઇકોર્ટમાં થઇ હતી, હાઇકોર્ટે કોર્પોરેશનને સુચના આપી હતી, લગભગ ૯૬ જેટલા લોકોએ કોર્ટમાં પોતાના બાંધકામોને રેગ્યુલર કરવા જણાવ્યું હતું અને કોર્પોરેશને કોર્ટને આ અંગે નિર્દેશ પણ આપ્યો હતો. આખરે તા.૧૫, ૧૬ અને ૧૯ના રોજ ટાઉનહોલ ખાતે ડેે.કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા અને અન્ય અધિકારીઓએ આ લોકોને સાંભળ્યા હતાં, ત્યારબાદ તા.૨૧ના રોજ તમામ આસામીઓને લેખિતમાં રજૂઆત કરવા ટાઉનહોલમાં કાઉન્ટર રાખ્યું હતું અને તંત્રએ બાંધકામો રેગ્યુલર કરવાની તમામ અરજીઓ રિજેકટ કરી હતી.
જામનગર શહેરમાં બચુનગર સહિતના અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો દુર કરવા પણ કવાયત હાથ ધરવામાં આવી છે, ગાંધીનગરથી સ્વામીનારાયણનગર સુધી ૧૨ મીટર રસ્તો બનાવવા માટે કેટલાક મકાનોનો અમુક ભાગ કપાતમાં આવતો હોય આ તમામને માર્કિંગ કરવાની કામગીરી પણ શરૂ થઇ ગઇ છે, આગામી દિવસોમાં આ મકાનના ભાગ તોડી પાડીને રસ્તો પહોળો કરી દેવામાં આવશે.
મ્યુ.કમિશ્નરના જણાવ્યા મુજબ ગઇકાલે મેગા ઓપરેશન શરૂ થઇ ચૂકયું છે, આગામી ૫ થી ૭ દિવસમાં ઓપરેશનના બીજા ભાગમાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે, રંગમતી નદીને જે રીતે રાજાશાહી વખતમાં લોકોએ જોઇ હતી તે રીતે બનાવવા માટે નદીને ઉંડી અને પહોળી કરવાની કામગીરી પણ ચાલી રહી છે અને આ કામગીરીથી કેટલાક લોકોના ઘરમાં ચોમાસા દરમ્યાન પાણી ઘુસી જાય છે તેમાં રાહત થશે. લગભગ ૩૦ થી ૩૫ કરોડનું દર વર્ષે નુકશાન થાય છે અને કેટલાક લોકોની ઘરવખરી પણ નાશ પામે છે ત્યારે કોઇની પણ શેહ-શરમ રાખ્યા વિના જે રીતે મ્યુ.કમિશ્નર અને એસપીએ આ મેગા પાડતોડ ઓપરેશન પાર પાડયું તે જોતાં આગામી દિવસોમાં રંગમતી નદી વિસ્તાર અને બચુનગર વિસ્તારમાં પણ આ પ્રકારનું મોટુ ઓપરેશન પાર પાડવામાં આવશે. આ અંગે ડીએમસી ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની, સોલીડ વેસ્ટના મુકેશ વરણવા સહિતના અધિકારીઓ આગામી પાડતોડ અંગે માસ્ટર પ્લાન બનાવી રહ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.