રાજકોટ શહેરમાં ટ્રાફિક અને સ્પીડના કારણે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. આવી જ એક ચોંકાવનારી ઘટના રાજકોટના પોશ ગણાતા રૈયારોડ પર આવેલા બાપા સીતારામ ચોક નજીકથી સામે આવી છે. અહીં એક ફોરવ્હીલર કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતાં કાર સીધી જ રોડ કિનારે આવેલા એક બેંકના એટીએમ પાસે ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો
મળતી વિગતો અનુસાર, રૈયારોડ પરથી પસાર થઈ રહેલી એક કાર ચાલકે અચાનક કોઈ કારણોસર વાહન પરનો અંકુશ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવ્યા બાદ કાર રોડની સાઈડમાં ધસી ગઈ હતી અને ત્યાં પાર્ક કરેલા એક ટુ-વ્હીલર વાહનને અડફેટે લીધું હતું. કારે ટુ-વ્હીલરને એટલી ખરાબ રીતે કચડ્યું હતું કે બાઇકનો કુરચો બોલી ગયો હતો. બાઇકને કચડ્યા બાદ પણ કાર ઊભી રહી ન હતી અને સીધી જ બાજુમાં આવેલા એટીએમમાં ઘૂસવાની અણી પર આવી ગઈ હતી.
સદનસીબે મોટી જાનહાનિ ટળી
આ અકસ્માતને પગલે આજુબાજુના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જોકે, આ સમગ્ર ઘટનામાં સૌથી રાહતના સમાચાર એ રહ્યા કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત સમયે ટુ-વ્હીલરને કારે કચડ્યું, તેના પર પણ તે સમયે કોઈ સવાર ન હોવાથી કોઈને ગંભીર ઈજાઓ પહોંચી નથી.