પર્યાવરણના વિનાશ માટે માનવજાત જવાબદાર

  • May 23, 2025 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પર્યાવરણ અને પ્રકૃતિનો વિનાશ થઈ રહ્યો છે અને હજુ જો તેને અટકાવવામાં નહી આવે તો ભવિષ્યમાં પરિણામો ગંભીર થશે તેમ જણાવીને સરકાર સમયસર જાગે તેવું સુચન થયું છે. 
પોરબંદરના એડવોકેટ અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરાએ જણાવ્યું છે કે, વિકાસની હરણફાળમાં અત્યાર સુધીની પેઢીઓ ફાવતી રીતે આગેકૂચ કરતી ગઈ છે, પણ પાછા વળવાનો રસ્તો ? આછો પાતળો સેતુ પણ સાવ તૂટી જાય તે પહેલા પર્યાવરણના બગડતા સંતુલનને જાળવી લેવું આપણી જવાબદારી છે,માનવસૃષ્ટિના વિકાસમાં મદદરૂપ થતી દરેક કુદરતી સંપત્તિને બચાવી લેવાનો ધ્યેય અને અત્યારથી પ્લાનિંગ હોવું જોઈશે. બધા કરે તો આપણે નહીં કરીએ તો ચાલશે અને આ કાઈ આપણી જવાબદારી થોડી છે ? તેવા વિચારોથી અત્યાર સુધી કુદરતી સંપતિનો નાશ થતો આવ્યો છે. 
નાનપણમાં વડિલોના મુખે એક બુધ્ધુરામ કઠિયારાની વાર્તા (બોધકથા) ઘણાએ સાંભળી હશે, એક વાર તે ઝાડની જે ડાળી પર બેઠો હતો તેજ ડાળી પર સતત પ્રહારો કરીને કાપતો હતો. નીચે ઊભેલા કોઈ માણસે તેને કહ્યું કે આ રીતે તો તું પડી જઈશ, તું જે ડાળી પર બેઠો છે તેને જ તું કાપી રહ્યો છે પણ., માને તો બુધ્ધુરામ શેનો ! ઉપરથી બેઠો બેઠો પેલા માણસને કહે, તું ખસી જા નહીં તો આ ડાળ તારા પર જ પડશે, તેણે તો કુહાડીના ઘા ઝીંક્યે જ રાખ્યા અને અંતે એ જ થયું જે પેલા માણસે કહ્યું હતુ, બુધ્ધુરામ ધફફ કરતો ઊંધા મોંઢે નીચે પછડાયો અને હાથપગ તુટયાં.
આપણે પણ તે બુધ્ધુરામની માફક કુદરતના અમુલ્ય પર્યાવરણ નામના વૃક્ષની જે ડાળીએ બેઠાં છીએ તેને જ સતત એક પછી એક ઘા ઝીંકીને ખોખલી બનાવી રહ્યાં છીએ. પહેલા નીચે ઊભેલા શુભચિંતકની જેમ પ્રકૃતિવિદો, પર્યાવરણવાદીઓ તથા જાણકારોની સતત ચેતવણીઓને ધ્યાન બહેરા બનીને હસી કે અવગણી રહ્યાં છીએ.પરિણામે આજે નહી તો કાલે આપણે પણ પડવાનું અને વિનાશ વહોરવાનું નિશ્ચિત છે.આપણા દેશમાં પર્યાવરણનું સંતુલન સતત ખરાબ થઈ  રહ્યું છે જે આપણે સારી રીતે જાણીએ છીએ અને જેની ટીક-ટીક પણ ક્યારની શરૂ થઈ ચુકી છે અને જો આજ સ્થિતિ રહી તો આવનાર થોડાં જ વર્ષોમાં સ્થિતિ વધુ ગંભીર બની જશે તે નિશ્ચિત છે.ગઈ સદીથી શરૂ થયેલી માનવ જીવનની વિકાસયાત્રાના પરિણામરૂપે આજે વિજ્ઞાન તથા ટેક્નોલોજીનો અદ્યતન વિકાસ થવા પામ્યો છે.ભૌતિકવાદ પુરજોશમાં ફૂલ્યો-ફાલ્યો છે અને ઝડપી ઔદ્યોગિકીકરણના પ્રતાપે આજનું માનવજીવન ખૂબ સરળ તથા સગવડદાયક બની ગયું છે. પણ આ વિકાસની હોડમાં અને દોડમાં આપણે મળીને હવા, પાણી તથા પર્યાવરણના સ્ત્રોતોને નુકસાન પહોંચાડયું છે, જે હવે ભરપાઈ કરી શકાય તેમ નથી. આપણા સ્વાર્થ અને સગવડ માટે આપણે કુદરત પર કાળો કેર વરસાવવામાં કંઈ બાકી રાખ્યું નથી તે વિકાસની કિંમત ભોગવવાની કુદરતના ફાળે આવી છે.
પ્રકૃતિના પાંચ મુખ્ય તત્ત્વો તથા પ્રત્યેક સજીવ- નિર્જીવ તત્વો આપણને કંઈને કંઈ આપે છે.ઝાડ પર થતાં રેશમી કીડા જેવા નાના જીવથી માંડી રેતીના કણ કણનો પણ આપણે વેપલો માંડી દીધો છે. આપણે સમુદ્રને ચીર્યો, નદીઓને નાથી, ધરતીના પેટાળને પણ ખોતરી ખોતરીને અંદરથી ખોખલું કરી મૂક્યું છે. બાકી રહી ગયું હતું તો આપણે ઈશ્વરની રચના કરેલા જંગલો અને વૃક્ષોનો નાશ કર્યો, પશુ-પંખીઓને માર્યા, બંધનમાં નાખ્યા અને તેમનું રક્ષણ કરવાના બદલે ભક્ષણ કર્યું. શું કુદરત અને તેના તત્ત્વો એકલી માનવજાત માટે જ છે ? કુદરત અને કુદરતી તત્વો પર શું અન્ય જીવો નો કોઇ હક નથી ? આ સૃષ્ટિ પર વસતા તમામ જીવો કુદરતી તત્વોના એટલાં જ હકદાર છે જેટલા આપણે હકદાર છીએ. પૃથ્વી પર સૌથી છેલ્લે આવેલો મનુષ્ય કે જે અન્ય જીવો કરતાં સૌથી વધુ બુદ્ધિશાળી હતો, પોતાની બુદ્ધિ અને સમજદારીથી કુદરતી તત્વોનો લાભ લેવાના બદલે પોતે તેનો માલિક બની બેઠો અને પોતાના માલિકી પણાથી જીવસૃષ્ટી, પશુ-પક્ષીઓ અને પ્રાણીઓનું અસ્તિત્વ ખરાબ કરવા લાગ્યો, વન્યજીવોના અસ્તિત્વ પર સવાલનું નિશાન એકમાત્ર આપણા માલિકી પણાએ લગાવી દીધું છે. જેના થકી આપણી હયાતી છે તેજ કુદરતની અને તેની પ્રકૃતિની આપણે અવગણના કરી રહ્યા છીએ, જે પ્રકૃતિના ફાયદા રૂપે આપણને કાચી સામગ્રીનો ભંડાર મળેલો છે. 
અજ્ઞાનતા કે અતિજ્ઞાનના પ્રતાપે આપણે બેદરકારીપુર્વક કુદરતના સ્ત્રોતોનો દુરુપયોગ કરતા આવ્યા છીએ અને હજુ પણ એ જ ગતિએ આગળ વધી રહ્યાં છીએ, કુદરતી તત્વોના દુરુપયોગની ભૂલો આપણને જ હવે નડી રહી છે અને આવતા દિવસોમાં તે ભૂલો વિકરાળ સ્વરૂપ ધારણ કરશે જો અત્યારથી આપણે આપણી જવાબદારી સમજશું નહી. આજે આપણને જળ, જમીન અને વાયુ પ્રદુષણરૂપે આપણને પીડી રહ્યાં છે, અને આ સાથે કુદરત પણ પોતાના પ્રભાવનો આપણને અહેસાસ કરાવી રહી છે. પ્રકૃતિ એટલે કુદરતનો સ્વભાવ, પોતાના સ્વાભાવિક ક્રમને ખોરવી નાખતાં અને અમૂલ્ય તત્ત્વોને હાનિ પહોંચાડતા મનુષ્યો પર આજે કુદરત વારંવાર રૂઠી રહી છે અને તેના પરિણામ સ્વરૂપે આપણને જુદી જુદી રીતે પરચો પણ આપી રહી છે. 
આપણે સારી રીતે જાણીએ છીએ કે, કુદરત જો તેનો મિજાજ ગુમાવે તો કેવાં પરિણામો આવે છે.આખા ને આખા ગામોને ગળી જતી સુનામીઓ, શહેરોને કે માનવવસ્તીને વેરાન બનાવી મુકે તેવાં ભયંકર વાવાઝોડા, આખેઆખા શહેર કે દેશને દિવસો સુધી દાટી દે તેટલી બરફ વર્ષા, ગાત્રો ગાળી નાંખે તેટલી ઠંડી, હાડકાં પીગળાવી દે તેવી ભયંકર ગરમી, વિનાશક પુર એમ અનેક વખત કુદરત વિફરી અને આપણને ધણધણીને કહ્યું પણ છે કે હે માનવ હવે બસ કર !!  તું ગમે તેટલાં ખેલ ખેલી લે પણ મારી તાકાત સામે તું વામણો છે અને વામણો જ રહીશ.
સૃષ્ટિના રચયિતા કુદલતે પ્રકૃતિના દરેક સ્ત્રોતને માનવકલ્યાણનું જ કામ સોંપેલું છે. કલ કલ વહેતા નદી-ઝરણાને ગામેગામ પહોંચી મનુષ્યની તરસ છુપાવી, જંગલો, વનો અને સમુદ્રએ પર્યાવરણને સંતુલિત રાખી ઋતુચક્રને નિયમિત બનાવ્યું. આ સાથે કુદરતે પશુ-પક્ષીઓ અને પ્રાણીઓ માટે જંગલો આશ્રયસ્થાન તરીકે આપ્યા પણ સૃષ્ટિ પર સૌથી છેલ્લે ક્રમે આવેલા માણસે જ્યારથી કુદરતને કબજે કરવાનો ખેલ શરૂ કર્યો છે તેણે ફક્ત તેના કુદરતી ઘટનાક્રમોને છીનવી લેવાનું જ કામ કર્યું છે, પરિણામે વિકાસ તો થાય છે પણ પ્રકૃતિનો નાશ થાય છે. જંગલોનો ઈચ્છા મુજબ સફાયો બોલાવી મનુષ્યોએ સિમેન્ટના જંગલો બનાવ્યાં કે જ્યા બધું છે પણ પ્રકૃતિ (કુદરત) નથી, નદીઓનાં મૂળ વહન માર્ગને બદલાવાની ધૃષ્ટતા પણ મનુષ્યો એજ કરી છે, આથી તેના પરિણામ સ્વરૂપે છાશવારે નદીઓ પણ રૌદ્રરૂપ ધારણ કરી તેનો વિરોધ નોંધાવતી રહે છે.
મનુષ્યોએ જંગલોમાં પ્રાણીઓ અને જીવસૃષ્ટિનું રહેઠાણ છીનવી ત્યા પોતાની ઈમારતો ખડકી દીધી અને પછી કોઈ પ્રાણી બીચારૂ ભૂલથી પણ ત્યા આવી જાય તો તેને મારી નાંખતા પણ અચકાતો નથી. હકીકતમા પ્રાણી મનુષ્યની વસ્તીમાં આવતો નથી પરંતુ મનુષ્ય તેની વસ્તી તરફ પોતાના રહેઠાણ બનાવી બેઠો છે, આમાં બિચારા પ્રાણીઓ જાય તો જાય ક્યાં ? એજ રીતે મનુષ્યએ ચોમેર મોટા મોટા ઔદ્યોગિક એકમો શરૂ કર્યો અને પછી તે એકમો માંથી નીકળતું ઝેરી પ્રવાહી નદી-નાળામાં ઠાલવી દિધું અને પછી પ્રદુષણ પ્રદુષણની બૂમો પાડવા લાગ્યો, તો આ પ્રદુષણ કોણ લાવ્યું અને કોણ લાવે છે? થોડાં સમય પહેલાં મુંબઈના દરિયાકાંઠે અસંખ્ય જળચર જીવો મૃત હાલતમાં ખડકલો થઈ પડ્યા હતા. 
આપણે આ બધા ચેડાં કુદરત સાથે કરી રહ્યા છીએ, ઉપરના ઉદાહરણ પ્રમાણે આપણે જ પર્યાવરણની સંતુલિત અવસ્થાનું બેલેન્સ ખોરવી  રહ્યા છીએ, જે વૃક્ષો અને તેની શાખાઓ આપણને ઓક્સિજન રૂપી ધબકાર આપી રહ્યા છે તેનું જ થડ આપણે કાપી રહ્યા છીએ. હાલ જેના ગંભીર પરિણામો આપણે રોગોના સ્વરૂપે ભોગવી રહ્યા છીએ અને જો આવું ને આવું જ ચાલતું રહેશે તો ભાવિ પેઢીઓને તેની ભયંકર અકલ્પનીય આડઅસરો ભોગવવાની આવશે. 
સમગ્ર વિશ્વમાં પાંચમી જુને પર્યાવરણ દિવસ ઊજવાય છે. પણ દરેક દિવસની જેમ તે એક દિવસનો આપણે મહિમા ગાઈ ચર્ચાના કરી,પ્રદૂષણ વિશે સારા શબ્દોમા એક કાનથી સાંભળ્યુ અને બીજા કાનથી કાઢ્યુ એવું ભાષણ સાંભળી નાસ્તા પાણી કરી સૌ છૂટા પડી જતાં હોય છીએ, પણ હવે આ વાતને ગંભીરતાથી લેવી જરૂરી રહ્યું છે, હવે કુદરતને બચાવવી જ પડશે. વિકાસની હરણફાળમાં અત્યાર સુધીની પેઢીઓ તો ફાવતી રીતે આગેકૂચ કરતી ગઈ છે પણ પાછા વળવાનો રસ્તો, આછો પાતળો સેતુ પણ સાવ તૂટી જાય તે પહેલાં પર્યાવરણના બગડતા સંતુલનને જાળવી લેવું પડશે. માનવસૃષ્ટિના વિકાસમાં મદદ‚પ થતી દરેક કુદરતી સંપત્તિ -સ્ત્રોતોને બચાવી લેવાનું જ આપણું ધ્યેય અને પ્લાનિંગ હોવું જોઈશે. સદીઓથી, વર્ષોથી કુદરતે આપણને અઢળક આપ્યું છે આપણે તેના થકી જ તો આ સ્થિતિ સુધી પહોંચી શક્યા છીએ. હવે વધુ નગુણા કે નફફટ બનવાના બદલે ભલે કંઈ પાછુ ના વાળી શકીએ પણ જે બચ્યું છે તેને જાળવી લેવાનો આદર તો વ્યક્ત કરી જ શકીએ છીએ, બગડેલાને નવર્સિજત કરી શકીએ ! 
આપણી રાજ્ય સરકાર, સ્વૈચ્છીક પ્રકૃતિપ્રેમી મંડળો, પર્યાવરણવેત્તાઓ, વગેરે આ મુદ્દે ચિંતિત તથા કાર્યરત છે પણ હાલની સ્થિતિ જોતાં તેમના થકી થતાં પ્રયત્નો પરિણામલક્ષી નથી જણાતા, અને ફક્ત સંસ્થા (ઓર્ગેનાઈઝેશનો) જ શા માટે ? આપણી કંઈ જવાબદારી નહીં ? આ એક એવો મુદ્દો છે જે પ્રત્યેક ગામ- શહેર અને વ્યક્તિને લાગુ પડે છે. સૌના જીવન- અસ્તિત્વને અસરકર્તા બને છે તો ફાળો નોંધાવવાની જવાબદારી પણ સૌની સરખી જ છે. જો આવી જાગૃતિ આવે અને ફાળારૂપ કંઈ પ્રદાન કરવું હોય તો શું-શું કરી શકાય ?
વૃક્ષારોપણની ઝુંબેશ તો ઘણી થાય છે પરંતુ તે સુકાઈ જાય છે અથવા રખડતાં ઢોર ખાઈ જાય છે,  તેના બદલે આપણે ખુદ તેના સિંચન અને જતનની જવાબદારી હાથ ધરવી જોઈએ. આપણી સગવડ સાચવતી પ્લાસ્ટિકની બેગ અન્ય જીવો માટે મોતનું કારણ બની રહી છે નાની મોટી સગવડો માટે વપરાતું પ્લાસ્ટિક કે જેનો કદીયે નાશ થતો નથી અને તે પર્યાવરણ માટે પણ જોખમી છે. પ્લાસ્ટિકનું ઉત્પાદન બંધ કરવા કરતા તેનો વપરાશ ઓછો કરશું તો આપણને જ તેનો ફાયદો દેખાશે અને આમ જોઈએ તો પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવો તે પુણ્યનું પણ કામ છે. જંગલ અને ફૂલોથી લચી પડતી વનરાજી આપણને રોમાંચિત કરી મૂકે છે. તેમાં પંખીઓનો મધુર કલરવ આપણને આનંદ આપે છે. ક્યારેય કોઈને  સૂકા મેદાન જોઈને રોમાંચ જાગ્યો છે ભલા ? શું તેવા દૃશ્યો પર કોઈ સંવેદનશીલ કવિને કવિતા સ્ફૂરી હશે ભલા ? બલકે ખળખળ વહેતાં ઝરણાં, અડાબીડ ઊભેલાં જંગલો અને તેનું મનોહરગાન આપો આપ કવિતા રચી દે તેવું દૃશ્ય રચી દેતાં હોય છે. આવી આ બોલકી પ્રકૃતિના મીઠા સંકેતો- સંવાદો ઝીલવાના છે. આપણે પ્રકૃતિ પાસેથી છીનવેલું ઘણું ઘણું તેને પાછું વાળવાનું છે. આપણે તેના મિત્ર, રક્ષક અને સંવર્ધક બની ઋણ ઉતારવાનું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application