પત્ની-પુત્રીની હત્યા કરી લાશ ઘરમાં દાટ્યા બાદ યુવકે છ મહિના પછી હોસ્પિટલના ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા કરી, ગુજરાતની ચોંકાવનારી ઘટના

  • May 04, 2026 06:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેહસાણા જિલ્લાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામે એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. હીરાના કારખાનામાં કામ કરતા ગિરીશ બાબુભાઇ પરમાર નામના યુવકે ગતરોજ 3 મે, 2026ની રાત્રે વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. શરૂઆતમાં આ ઘટના સામાન્ય આત્મહત્યા જણાતી હતી, પરંતુ ગિરીશના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટે સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે.


સુસાઈડ નોટમાં હચમચાવી દેતો ખુલાસો

ગિરીશ પરમારે મૃત્યુ પહેલા લખેલી સુસાઈડ નોટમાં કબૂલાત કરી હતી કે તેણે છ મહિના અગાઉ જ પોતાની પત્ની પ્રિયંકા અને માસૂમ દીકરી પરીની હત્યા કરી દીધી હતી. આટલું જ નહીં, તેણે હત્યા બાદ પુરાવા મટાડવા માટે બંનેના મૃતદેહોને શાહપુર વડ સ્થિત પોતાના ઘરની પાસેના એક મકાનના છેલ્લા રૂમમાં જમીનમાં દાટી દીધા હતા. આ ઘટસ્ફોટ થતાં જ વડનગર પોલીસનો કાફલો મજૂરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સતત બે કલાકના ખોદકામ બાદ, પોલીસે પત્ની અને પુત્રીના કપડામાં વીંટેલા કંકાલ જમીનમાંથી બહાર કાઢ્યા હતા.


ષડયંત્ર અને પોલીસ તપાસ

તપાસમાં સામે આવ્યું છે કે ગિરીશે હત્યા બાદ તે જગ્યાએ પ્લાસ્ટર કરી દીધું હતું જેથી કોઈને શંકા ન જાય. પત્ની-પુત્રી ગુમ હોવાની અફવા ફેલાવી તે પોતાની બહેનના ઘરે રહેવા જતો રહ્યો હતો. મૃતક પ્રિયંકાના પિતા રાજુભાઇના જણાવ્યા અનુસાર, પ્રિયંકા અને ગિરીશ ચાર વર્ષ પહેલા પ્રેમલગ્ન કરીને ભાગી ગયા હતા. સપ્ટેમ્બર 2025થી પ્રિયંકાનો સંપર્ક તૂટી ગયો હતો અને ગિરીશ પરિવારને સતત ખોટા જવાબો આપી ગોળગોળ ફેરવી રહ્યો હતો.


પોલીસના ડરથી આત્મહત્યા

જ્યારે પ્રિયંકાના દાદાએ 15 દિવસ પહેલા વડનગર પોલીસમાં ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી, ત્યારે પોલીસે ગિરીશને પૂછપરછ માટે બોલાવ્યો હતો. પોલીસ પકડાઈ જશે તેવા ડરથી ગિરીશે હોસ્પિટલના બિલ્ડિંગ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી એક છરો પણ કબજે કર્યો છે. હોસ્પિટલ જેવા જાહેર સ્થળે બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. વડનગર પોલીસે હાલમાં આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application