જામનગરમાં વીજભાર કરતાં વધારાના વીજ વપરાશ સામે કાર્યવાહી: ૧,૨૧,૮૯૬ ગ્રાહકોને સુમોટો નોટિસ

  • May 04, 2026 06:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વીજભાર કરતાં વધારાના વીજ વપરાશ સામે કાર્યવાહી: ૧,૨૧,૮૯૬ ગ્રાહકોને સુમોટો નોટિસ


​​​​​​​શહેરના વીજ ગ્રાહકો કે જેઓ ઓવરલોડ વીજ વપરાશ કરી રહ્યા છે, જે તમામ સામે જામનગરના વિજ તંત્રની કડક કાર્યવાહી


જામનગર શહેર વિસ્તારમાં વીજ વિતરણ કરતી પી.જી.વી.સી.એલ. કંપની ના સિટી-૧ અને સિટી-૨ વિભાગ દ્વારા એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ દરમિયાન વીજ ગ્રાહકોના કરારિત વીજભાર અને વાસ્તવિક વીજ વપરાશ અંગે વિશેષ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન કુલ ૧,૨૨,૮૦૬ વીજ ગ્રાહકોની તપાસ કરવામાં આવી હતી.


સર્વે દરમિયાન જાણવા મળ્યું કે સિટી-૧ વિભાગ હેઠળ ૫૬,૫૪૨ અને સિટી-૨ વિભાગ હેઠળ ૬૫,૩૫૪ સહિત કુલ ૧,૨૧,૮૯૬ ગ્રાહકો દ્વારા કરારિત મર્યાદા કરતાં વધુ વીજ વપરાશ કરવામાં આવી રહ્યો છે.


આ વધારાના વીજ વપરાશને ધ્યાનમાં રાખીને સંબંધિત ગ્રાહકોને વિભાગ દ્વારા સુમોટો નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસ મારફતે ગ્રાહકોને તેમના વર્તમાન વીજ વપરાશ મુજબ જરૂરી લોડ વધારો નોંધાવી, નિયમિત પ્રક્રિયા હેઠળ વીજભાર અપગ્રેડ કરવા સૂચના આપવામાં આવી છે.


ઉનાળાની આકરી ગરમીને કારણે ખાસ કરીને એર ક્ધડીશનર (એ.સી.) સહિતના ઊંચા વીજ વપરાશવાળા ઉપકરણોના ઉપયોગમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે વીજ નેટવર્ક પર સામાન્ય કરતાં વધુ લોડ આવે છે. આવા સંજોગોમાં જો ગ્રાહકો કરારિત વીજભાર કરતાં વધુ વપરાશ કરે તો સમગ્ર વીજ વિતરણ વ્યવસ્થા પર તેની પ્રતિકૂળ અસર પડી શકે છે, જેના કારણે વોલ્ટેજની સમસ્યા, ઓવરલોડિંગ તથા વીજ પુરવઠામાં વિક્ષેપ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.


તેથી વિજ કંપની દ્વારા ગ્રાહકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ પોતાના ઘર કે વ્યવસાયસ્થળે વપરાતા વીજ ઉપકરણોને ધ્યાનમાં રાખી યોગ્ય લોડ નોંધણી કરાવે અને જરૂરી હોય તો વીજભાર વધારાની માંગણી કરીને પોતાની સેવા નિયમિત કરાવે. આથી વીજ તંત્રને નેટવર્કમાં જરૂરી સુધારા-વધારા કરી શહેરને વધુ સુદૃઢ, સ્થિર અને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં સરળતા રહેશે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application