રાજ્યમાં વાહનચાલકો માટે ગુજરાતી ભાષા ફરજિયાત કરો: ગુજરાત સારથી સંઘે સરકાર સમક્ષ કરી રજૂઆત

  • August 24, 2026 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં જાહેર પરિવહનના વાહનો ચલાવતા ડ્રાઈવરો માટે ગુજરાતી ભાષાનું ઓછામાં ઓછું કાર્યકારી જ્ઞાન હોવું ફરજિયાત કરવામાં આવે તેવી પ્રબળ માંગ ગુજરાત સારથી સંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ એક જાહેરનામું બહાર પાડીને મોટર કેબના ડ્રાઈવર તેમજ પરમિટ ધારકો માટે મરાઠી ભાષાનું વ્યવહારુ જ્ઞાન હોવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જેથી ગુજરાતમાં પણ સ્થાનિક ભાષાના હિત અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આવી જોગવાઈ લાગુ કરવા રજૂઆત કરાઈ છે.


ગુજરાત સારથી સંઘના જણાવ્યા અનુસાર, ગુજરાતી એ રાજ્યની સત્તાવાર ભાષા છે અને ઓટો-રિક્ષા, ટેક્સી તેમજ અન્ય પરમિટવાળા વાહનોના ડ્રાઈવરો દૈનિક ધોરણે મુસાફરો સાથે સીધા સંપર્કમાં આવે છે. આથી, જાહેર સલામતી અને મુસાફરોની સુગમતા માટે ડ્રાઈવરને ગુજરાતી ભાષાનું કાર્યકારી જ્ઞાન હોવું અત્યંત આવશ્યક છે. જો ડ્રાઈવર સ્થાનિક ભાષાથી પરિચિત હશે તો મુસાફરે જણાવેલું સરનામું કે ગંતવ્ય સ્થાન સમજવામાં સરળતા રહેશે, ભાડાંની આપ-લે સગવડભરી બનશે અને ખાસ કરીને મહિલાઓ, બાળકો તથા સિનિયર સિટિઝન્સ સાથે યોગ્ય સંવાદ સાધી શકાશે. આ ઉપરાંત, અકસ્માત કે કોઈ કટોકટીની પરિસ્થિતિમાં પણ ભાષાનું જ્ઞાન ખૂબ ઉપયોગી નીવડશે.


સંઘે સરકાર સમક્ષ માંગ કરી છે કે નવા પરમિટવાળા વાહનો ચલાવવાની પરવાનગી આપતી વખતે તેમજ જૂની પરમિટના રિન્યુઅલ સમયે ડ્રાઈવર પાસે ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોવાની શરત ઉમેરવામાં આવે. જોકે, હાલમાં સેવા આપતા વાહનચાલકો પર તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે તેમને ભાષા શીખવા માટે ચોક્કસ સમયગાળો (ગ્રેસ પીરિયડ) આપવાની ભલામણ કરાઈ છે. આ માટે સરકારે સરળ પરીક્ષા અને પ્રમાણપત્રની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. જે ડ્રાઈવરો નિયમનું પાલન ન કરે તેમને પ્રથમ નોટિસ આપીને એક મહિનાનો સમય આપવો અને ત્યારબાદ જ કાયદેસરનાં પગલાં ભરવાની રજૂઆત કરાઈ છે.

આ પરીક્ષા કે ચકાસણીની પદ્ધતિ અત્યંત સરળ અને વ્યવહારુ રાખવાની માંગ કરવામાં આવી છે, જેથી ડ્રાઈવર માત્ર સામાન્ય વાતચીત કરી શકે અને રસ્તાઓ કે સલામતીના સૂચનો સમજી શકે તેટલું જ્ઞાન પૂરતું ગણાશે. બહારના રાજ્યોમાંથી આવતા ડ્રાઈવરો માટે પણ આ નિયમ સમાન રીતે લાગુ કરવાની માંગ છે, જેથી કોઈ ભેદભાવ ન થાય. સંઘે સ્પષ્ટ કર્યું છે કે આ રજૂઆત કોઈ ચોક્કસ સમુદાય કે પ્રદેશની વિરુદ્ધ નથી, પરંતુ માત્ર ગુજરાતી ભાષાનું સંરક્ષણ અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે છે. રાજ્ય સરકારે મહારાષ્ટ્રના નિર્ણયનો અભ્યાસ કરીને ગુજરાતમાં પણ આ અંગે જરૂરી કાયદાકીય સુધારા કરવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application