તું મરી કેમ નથી જતી? તેમ સાસુએ કહેતા બ્યુટી પાર્લર સંચાલિકાએ ફિનાઇલ પી લીધું

  • August 24, 2026 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલમાં ભાઇ- ભાભી સાથે રહેતી પરિણીતા સાસરીયાના ઘરે જતા સાસુએ કહ્યું હતું કે, તું મરી કેમ નથી જતી? તે બાબતે લાગી આવતા બ્યુટી પાર્લર સંચાલિકાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પતિ- સાસુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.


શહેરના પીરવાડી પાસે રીંગરોડ બાયપાસ નજીક રામ પાર્ક શેરી નંબર 4 માં રહેતા બ્યુટી પાર્લર સંચાલિકા શીતલબેન (ઉ.વ.36) નામના પરિણીતાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ખોખડદડ નદીના પુલ પાસે શિવધારા સોસાયટી શેરી નંબર- ૧ માં રહેતા પતિ વિશાલ અમરશીભાઈ પરમાર અને સાસુ લાભુબેનના નામ આપ્યા છે.


પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ તે અહીં ભાઈ ભાભી સાથે રહે છે. આશરે 18 વર્ષ પૂર્વે તેણે વિશાલ પરમાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નજીવન થકી સંતાનમાં બે પુત્ર જેમાં ઝેનીથ(ઉ.વ. 17) અને વંશ (ઉ.વ.11) છે હાલ પરિણીતા બ્યુટી પાર્લર ચલાવે છે.


પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્ન બાદ 13 વર્ષ સુધી સંયુક્ત પરિવારમાં રહેતા હતા. દરમિયાન પરિણીતા કારખાનામાં કામ કરતી હતી અને પગાર સાસુ લાભુબેનને આપતા હતા. પરિણીતા કામે જતા તેમના સાસુ જમવા પણ આપતા ન હતા. બાદમાં પતિ-પત્ની અલગ રણુજા મંદિર પાસે એક વર્ષથી ભાડે રહેતા હતા બાદમાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ત્રણેક વર્ષ સુધી કારખાનામાં રહ્યા હતા. છેલ્લા દોઢેક વર્ષથી ગોકુલધામ ગીતાંજલિ સોસાયટી શેરી નંબર-૧ માં કારખાનાના સેઠના મકાનમાં રહેતા હતા.


પરિણીતા એ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, સાસુને લગ્ન બાદથી તકલીફ હતી પરંતુ ગત દિવાળી સમયે તા. 20-10-2025 થી પતિ વિશાલ નાની નાની બાબતોમાં ઝઘડા કરવા લાગ્યો હતો. જમવાનું બનાવે તો તે જમતો નહીં ઘર ખર્ચના પૈસા પણ આપતો ન હતો. પરિણીતા કાંઈ કહે તો તેને માર મારવા લાગતો હતો. સાસુ લાભુબેન અવારનવાર તેણી ક્યાં જાય છે કેટલું કમાય છે તે અંગે પતિને પૂછતા હતા અને ખોટી ચઢામણી કરતા હતા જેના લીધે પતિ નાની બાબતોમાં ઝઘડો કરી ગાળો આપી દારૂ પી મારકૂટ કરતો હતો.


ગઈ તા. 17-5- 2026 ના પરિણીતા ગોકુલધામ ગીતાંજલિ સોસાયટીમાં ઘરે હતી ત્યારે પતિ વિશાલ દારૂ પી ઘરે આવ્યો હતો અને મારવાની કોશિશ કરતા તે બચવા જતા પતિને ધક્કો માર્યો હતો જેથી પતિએ કહ્યું હતું કે, હવે તને મારી જ નાખીશ તેમ કહી ધમકી આપી જતો રહ્યો હતો. ત્યારબાદ તે ઘરે પરત ફર્યો ન હતો. પરિણીતાને ઘરનું બ્યુટી પાર્લર કરવા માટે લોનની જરૂર હોય પરંતુ અગાઉ એકટિવાની લોન લીધી હોય તેમાં નંબર પતિ નો હોવાથી ઓટીપીની જરૂરિયાત પડતા તે ગઈ તા. 20-8 -2026 ના સાસુ લાભુબેનના શિવધારા સોસાયટી સ્થિત ઘરે જતા તેઓ ગાળો બોલવા લાગ્યા હતા અને કહેતા હતા કે, તું મરી કેમ નથી જતી? તેમ કહ્યું હતું. જેથી પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઇલ પી લીધું હતું બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ તેણે આ અંગે પતિ-સાસુ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application