જામનગર વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને તેના પાડોશમાં રહેતો યુવક લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઈ ગયો હતો, અને અલગ અલગ શહેરોમાં ફેરવીને તેણીની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો, આ અંગેનો કેસ ચાલી જતાં અદાલતે આરોપીને દસ વર્ષની સજાના હુકમ કર્યો છે.
જામનગરમાં રહેતી ઉ.વ. ૧૭ વર્ષની સગીરાને પુનીતનગર વિસ્તારમાં રહેતા આરોપી ભૂરાસ્વામી ઉર્ફે વિજય ધનશેખર નાયર ( ઉ.વ. ૧૯) અવાર નવાર લગ્ન કરવાની લાલચ આપતો હતો. દરમિયાન તા.૧૮/૮/૨૦૧૮ના સગીરા કામ ઉપર થી ઘરે આવતી હતી, ત્યારે તેના ઘર નજીકના વિસ્તારમાં આરોપી પોતાના મિત્ર સાથે ઉભો હતો, અને અને સગીરાને પોતાની સાથે ઇકો ગાડીમાં બેસાડીને ધરાર લઈ ગયો હતો.
જેને જામનગરથી રાજકોટ ત્યાંથી અમદાવાદ ત્યાંથી સુરત અને પરત અમદાવાદ લાવ્યો હતો. જ્યાં તેઓ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. અને આરોપીએ સગીરા સાથે એક થી વધુ વખત શરીર સંબંધ બાંધ્યો હતો. આ બનાવ અંગે સગીરાના પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આ અંગેનો કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ વી.પી અગ્રવાલ સમક્ષ ચાલી જતાં સરકાર તરફે ૧૪ જેટલા સાહેદો અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કરતા તેમજ તમામ દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી ભુરા સ્વામી ઉર્ફે વિજય ઘનશેખર નાયરને તકસીરવાન ઠેરવી દસ વર્ષની જેલ સજા તથા દંડ તથા ભોગ બનનારને બે લાખનું સરકાર તરફથી વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.