રશિયાના ગેસ કેમિકલ પ્લાન્ટમાં ભયાનક આગ: 6 ચીની નાગરિકો સહિત 7 લોકોના મોત, 9 ગુમ

  • August 26, 2026 08:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયાના દુરસ્થ પૂર્વ વિસ્તારમાં આવેલા અમૂર ગેસ કેમિકલ કોમ્પ્લેક્સમાં એક અત્યંત દર્દનાક અને ભયાનક અકસ્માત સર્જાયો છે. પ્લાન્ટમાં મંગળવારે અચાનક લાગેલી વિકરાળ આગમાં 6 ચીની નાગરિકો સહિત કુલ 7 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 9 લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. આ દુર્ઘટનામાં 152 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 36 ગંભીર રીતે ઘવાયેલા લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


પ્લાન્ટ સત્તાવાળા દ્વારા બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર આપેલા સત્તાવાર નિવેદન અનુસાર, મંગળવારે લાગેલી આ આગ પર ભારે મહેનત બાદ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. રશિયાની ઈન્વેસ્ટિગેટિવ કમિટીએ આ સમગ્ર દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટનાને ઔદ્યોગિક સુરક્ષા (ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી) ના નિયમોના ગંભીર ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહી છે. તપાસ સમિતિ હાલ પ્લાન્ટમાં આગ લાગવાના સાચા કારણો શોધવાના પ્રયાસો કરી રહી છે.


ઉલ્લેખનીય છે કે, રશિયા પોતાના મોટા ઔદ્યોગિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નિર્માણ કાર્યો માટે મોટા પાયે વિદેશી કામદારોની મદદ લે છે. આ અમૂર ગેસ કેમિકલ પ્લાન્ટના બાંધકામ અને સંચાલનમાં પણ મોટી સંખ્યામાં વિદેશી કર્મચારીઓ કાર્યરત હતા, જેમાં ચીનના નાગરિકોની સંખ્યા વધુ હતી. આગ લાગ્યા બાદ પ્લાન્ટ પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને વિદેશી કામદારો સહિત અનેક લોકો તેની લપેટમાં આવી ગયા હતા.


​​​​​​​રશિયા માટે આ અમૂર ગેસ કેમિકલ કોમ્પ્લેક્સ વ્યૂહાત્મક અને આર્થિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્લાન્ટ પોલિઇથિલિન અને પોલિપ્રોપિલિનનું ઉત્પાદન કરતી વિશ્વની સૌથી મોટી પ્રોસેસિંગ સુવિધાઓમાંથી એક છે. આ પ્લાન્ટમાંથી દર વર્ષે અંદાજે 23 લાખ મેટ્રિક ટન પોલિઇથિલિન અને 4 લાખ ટન પોલિપ્રોપિલિનનું ઉત્પાદન થાય છે. આ વિશાળ પ્રોજેક્ટ રશિયાના દુરસ્થ પૂર્વ અમૂર વિસ્તારમાં રશિયન કંપની 'સિબુર' અને ચીની કંપની 'સિનોપેક' ના સંયુક્ત સહયોગથી વિકસાવવામાં આવી રહ્યો છે. રશિયન તપાસ સમિતિની વિગતવાર રજૂઆત બાદ જ આ દુર્ઘટના પાછળના સાચા કારણો સ્પષ્ટ થઈ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application