ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટના આકસ્મિક મોતના પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા વિસ્તૃત તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. સરકારી વકીલે અદાલત સમક્ષ સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજમાં રાજકુમાર જાટ પોતે પોતાના કપડાં ઉતારતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. આ તમામ સીસીટીવી ફૂટેજને ટેકનિકલ ચકાસણી માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે મોકલવામાં આવ્યા હતા, જેના રિપોર્ટમાં આ વીડિયો સાથે કોઈ પણ પ્રકારના ચેડાં કે એડિટિંગ ન થયું હોવાનું સ્પષ્ટ થયું છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે રાજકોટ-અમદાવાદ હાઈવે પર ઘટના પહેલાં યુવકની નગ્ન અવસ્થામાં અવરજવર અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા પોલીસને આદેશ આપ્યો હતો.
સરકારી પક્ષે વધુમાં રજૂઆત કરી હતી કે, મૃતક પોતાના મોબાઈલ ફોનમાં મિત્રો સાથે વિડીયો કોલ દરમિયાન આવી જ પરિસ્થિતિમાં વાતો કરતો જોવા મળ્યો હતો. તેના વર્તન અને બોલવાની શૈલી પરથી તે ગાંજા જેવા માદક પદાર્થનું સેવન કરતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. આ બાબતે તબીબી અભિપ્રાય મેળવવા માટે તેનો વીડિયો મનોચિકિત્સકને દર્શાવવામાં આવ્યો હતો. મનોચિકિત્સકના આકલન મુજબ મૃતક યુવક વ્યસની હોવાની સાથે માનસિક બીમારીથી પીડાતો હોવાની શક્યતા છે, અને તે ઘટના સમયે શારીરિક રીતે ચાલતો હોવા છતાં સંપૂર્ણપણે માનસિક રીતે સભાન અવસ્થામાં નહોતો.
તપાસ અધિકારીઓના રિપોર્ટ અનુસાર, અકસ્માત સર્જાયો તે પહેલાં યુવક પોતાના ઘરેથી નશાની શોધમાં નીકળ્યો હતો અને તેણે માર્ગમાં આવેલા એક આશ્રમમાં જઈને ગાંજાની માગણી પણ કરી હતી. યુવકના એક જ રાતમાં આશરે ૫૨ કિલોમીટર જેટલું અંતર ચાલીને કાપવાના પ્રશ્ન અંગે નિષ્ણાતોનું કહેવું છે કે, સામાન્ય સ્વસ્થ વ્યક્તિ પ્રતિ કલાકે ૪ કિલોમીટરની ઝડપે ચાલી શકે છે. પોલીસે કુલ ૨૧ સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા છે, જેમાં તે ૧૧ કલાક અને ૩૯ મિનિટના સમયગાળા દરમિયાન ૫૧ કિલોમીટર એકલો જ ચાલતો દેખાઈ રહ્યો છે. શરૂઆતની સ્થાનિક પોલીસ તપાસમાં આ તમામ સીસીટીવી રેકોર્ડિંગ ઉપલબ્ધ નહોતા, પરંતુ નવી તપાસમાં તે રોડની વચ્ચે ચાલીને જતો દેખાયો છે.
બીજી તરફ, અરજદાર પક્ષ દ્વારા આ તપાસ રિપોર્ટ સામે કેટલાક ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અરજદારે દલીલ કરી હતી કે, મૃતકના કપડાં ક્યાં ગયા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. ઉપરાંત, તેને કોઈ વ્યક્તિએ ગાડીમાં બોલાવ્યો હતો કે નહીં તેમજ યુવક પોતાનો ફોન ઘરે ભૂલી ગયો હતો તો પછી તે કોની પાસે નશાકારક પદાર્થ મગાવતો હતો તેની યોગ્ય તપાસ કરવામાં આવી નથી. હાઈકોર્ટે પોલીસના આ તપાસ રિપોર્ટનો લેખિત જવાબ આપવા માટે અરજદાર પક્ષને સમય આપ્યો છે, અને આ સમગ્ર મામલે આગામી વધુ સુનાવણી ૨૪ સપ્ટેમ્બરે મુકરર કરી છે.
ઘટના અંગે વાત કરીએ તો, મૂળ રાજસ્થાનના અને છેલ્લા ૩૦ વર્ષથી ગોંડલના ત્રણ ખૂણિયા વિસ્તારમાં 'શ્રીજી પાંઉભાજી' નામની દુકાન ચલાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો ૨૪ વર્ષીય પુત્ર રાજકુમાર જાટ, જે UPSC પરીક્ષાની તૈયારી કરતો હતો, તે ગત ૩ માર્ચ, ૨૦૨૫ના રોજ ઘરેથી અચાનક ગુમ થયો હતો. પરિવારે બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ પોસ્ટરો લગાવીને તેમજ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને રાજકોટ ગ્રામ્ય પોલીસને ગુમ થયાની અરજી આપી હતી. ત્યારબાદ ૪ માર્ચે મોડી રાત્રે ૩ વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ વિસ્તારમાં રસ્તા અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું, જેની ઓળખ પરિવારે ૯ માર્ચે કરી હતી અને પીએમ વિધિ બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: રિલાયન્સ દ્વારા સેતાલુસ ગામે આધુનિક ગૌશાળા બનશે: ભૂમિપૂજન કરાયું
August 25, 2026 07:00 PMજામનગર: જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
August 25, 2026 06:41 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
