પોરબંદરમાં ચોવીસ કલાકમાં ‘ઓન પેપર’ બે ઇંચ વરસાદ નોંધાયો

  • June 17, 2025 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર શહેર અને જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમા  ‘ઓન પેપર’ બે ઇંચ વરસાદ નોંધાયો છે તો બીજી બાજુ ફટાણા-સોઢાણા અડવાણા સહિતના ગામડાઓમાં વાવણીલાયક અનરાધાર વરસાદ ખાબકયો છે અને  રાણાવાવ અને કુતિયાણા પંથકમાં અડધોથી એક ઇંચ વરસાદ વરસ્યો છે.
અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે ત્યારે ગઇકાલથી આજે બપોર સુધીમાં જબરો મેઘાવી માહોલ જોવા મળ્યો હતો અને ૨૪ કલાકમાં પોરબંદર શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તેજ રીતે રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં પણ અડધોથી એક ઇંચ વરસાદ વરસ્યાના વાવડ મળ્યા છે.
પોરબંદરના બરડા પંથકના ગામડાઓ અડવાણા, સોઢાણા, ફટાણા, ખાંભોદર, મજીવાણા, શીશલી વગેરે વિસ્તારોમાં પણ અંદાજે બે ઇંચથી વધુ વરસાદ વરસ્યાનું ગ્રામજનોએ જણાવ્યુ હતુ જો કે ‘ઓન પેપર’ નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી પણ સ્થાનિકકક્ષાએથી તેમજ ખેડૂતો અને આગેવાનો પાસેથી પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે વાવણીને લાયક ખૂબજ સારો વરસાદ વરસ્યો છે.
પોરબંદરના રાણાવાવ, રાણાકંડોરણા, રાણાખીરસરા, રાણાવડવાળાથી માંડીને કુતિયાણા સુધીના વિસ્તારમાં પણ છૂટો છવાયો અડધોથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યુ છે. બરડા ડુંગર નજીકના બીલેશ્ર્વર, હનુમાનગઢ, મોડપરથી માંડીને તરસાઇ સુધીના પંથકમાં પણ નોંધપાત્ર વરસાદ વરસતા ખેડૂતોના હૈયે હરખ જોવા મળ્યો છે. પોરબંદરના બખરલા, કુણવદર,બગવદર, આદિત્યાણા સહિતના વિસ્તારોમાં પણ ગઇકાલથી આજ સુધીમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે જેથી ધરતીપુત્રોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે.  આમ, પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક એકથી બે ઇંચ જેટલો વરસાદ વરસી જતા ઉકળાટમાંથી લોકોને મુક્તિ મળી છે અને હજુ વધુ વરસાદની આગાહી છે તેથી મેઘરાજા મન મૂકીને વરસે તેવી પોરબંદર જિલ્લાના લોકો અપેક્ષા રાખી રહ્યા  છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News