પંજાબ કિંગ્સનો દિલધડક વિજય: 265 રનનો ટાર્ગેટ ચેઝ કરીને રચ્યો વર્લ્ડ રેકોર્ડ; દિલ્હીને ઘરઆંગણે હારનો સ્વાદ ચખાડ્યો

  • April 25, 2026 10:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈપીએલ ૨૦૨૬ની ૩૫મી મેચમાં બેટિંગના એવી આતશબાજી જોવા મળી કે સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકો દંગ રહી ગયા હતા. પંજાબ કિંગ્સે દિલ્હી દ્વારા આપવામાં આવેલા ૨૬૫ રનના વિશાળ લક્ષ્યાંકને માત્ર ૧૮.૫ ઓવરમાં જ ૪ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પંજાબે ૭ બોલ બાકી રહેતા ૬ વિકેટે આ ઐતિહાસિક જીત મેળવી હતી. નોંધનીય છે કે આ અગાઉ ૨૬૨ રન ચેઝ કરવાનો રેકોર્ડ પણ પંજાબના નામે જ હતો, જે તેમણે હવે તોડી નાખ્યો છે.


કેએલ રાહુલનું વિસ્ફોટક શતક
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે ૨૦ ઓવરમાં ૨ વિકેટે ૨૬૪ રન ખડક્યા હતા. દિલ્હીના બેટ્સમેનોએ પંજાબના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. કેએલ રાહુલે માત્ર ૬૭ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૯ છગ્ગાની મદદથી અણનમ ૧૫૨ રનની તોફાની ઇનિંગ રમી હતી. નીતીશ રાણાએ ૪૪ બોલમાં ૯૧ રન બનાવી રાહુલને મજબૂત સાથ આપ્યો હતો. આ બંને વચ્ચે બીજી વિકેટ માટે ૨૨૦ રનની ઐતિહાસિક ભાગીદારી નોંધાઈ હતી, જેના કારણે લાગતું હતું કે દિલ્હી આ મેચ આસાનીથી જીતી જશે.


પાવરપ્લેમાં જ મચાવી તબાહી

૨૬૫ રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત કોઈ વાવાઝોડાથી ઓછી નહોતી. પંજાબે પાવરપ્લેની ૬ ઓવરમાં જ ૧૧૬ રન બનાવીને દિલ્હીના બોલરોને દબાણમાં લાવી દીધા હતા. પ્રભસિમરન સિંહે માત્ર ૨૬ બોલમાં ૭૬ રન (૯ ચોગ્ગા, ૫ છગ્ગા) તેમજ પ્રિયાંશ આર્યાએ ૧૭ બોલમાં ૪૩ રન (૫ છગ્ગા) કર્યા હતા. પ્રથમ વિકેટ માટે બંને વચ્ચે માત્ર ૪૪ બોલમાં ૧૨૬ રનની ભાગીદારી થઈ હતી.


કેપ્ટન શ્રેયસ અય્યરની મેચ વિનિંગ ઇનિંગ
ઓપનર્સ આઉટ થયા બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે જવાબદારી સંભાળી હતી. અય્યરે ૩૬ બોલમાં અણનમ ૭૧ રન ફટકારીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. તેની ઇનિંગમાં ૭ વિરાટ છગ્ગાનો સમાવેશ થાય છે. અંતમાં નેહલ વઢેરા (૨૫ રન) અને શશાંક સિંઘ (૧૯ રન) એ મેચ ફિનિશ કરી હતી.


​​​​​​​પોઈન્ટ ટેબલમાં પંજાબનો દબદબો

આ વિજય સાથે પંજાબ કિંગ્સ આ સીઝનમાં હજુ પણ અજેય છે. પંજાબે રમેલી ૭ મેચોમાંથી ૬ માં જીત મેળવી છે અને ૧ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ૧૩ પોઈન્ટ સાથે પંજાબ હાલમાં ટેબલ ટોપર છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ માટે આ ૭ મેચમાં ચોથી હાર છે, જેના કારણે તેમના પ્લેઓફના સમીકરણો મુશ્કેલ બન્યા છે. પંજાબ કિંગ્સની આ જીતે સાબિત કરી દીધું છે કે આધુનિક ટી૨૦ ક્રિકેટમાં કોઈ પણ ટાર્ગેટ અશક્ય નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application