દિલ્હી કેપિટલ્સ અને વિરોધી ટીમ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એન્ગીડી અકસ્માતનો શિકાર બન્યા હતા. ઈજા એટલી ગંભીર હતી કે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા અનિવાર્ય હતા. દિલ્હીના વ્યસ્ત ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાય નહીં તે માટે દિલ્હી પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
શું હોય છે ગ્રીન કોરિડોર?
ગ્રીન કોરિડોર એ ટ્રાફિક મેનેજમેન્ટની એક વિશેષ પદ્ધતિ છે. જેમાં રસ્તા પરના તમામ સિગ્નલને મેન્યુઅલી ઓપરેટ કરીને એમ્બ્યુલન્સ કે મેડિકલ ઈમરજન્સી વાહન માટે રસ્તો સંપૂર્ણપણે ખાલી કરવામાં આવે છે. આનાથી જે અંતર કાપવામાં કલાકો લાગે છે, તે માત્ર ગણતરીની મિનિટોમાં પૂરું કરી શકાય છે. સામાન્ય રીતે આ વ્યવસ્થા અંગદાન (Organ Donation) કે આવી ગંભીર મેડિકલ ઈમરજન્સી વખતે કરવામાં આવે છે.
પોલીસની ત્વરિત કાર્યવાહી
દિલ્હી ટ્રાફિક પોલીસે સ્ટેડિયમથી લઈને રાજેન્દ્ર નગર સ્થિત BLK-Max સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સુધીનો રૂટ સેકન્ડોમાં ક્લિયર કરી દીધો હતો. લુંગી એન્ગીડીને લઈ જતી એમ્બ્યુલન્સ કોઈપણ અડચણ વગર અત્યંત ઝડપે હોસ્પિટલ પહોંચી હતી. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ગીડીની તપાસ કરવામાં આવી રહી છે અને હાલમાં તેઓ નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ છે.
દિલ્હી કેપિટલ્સ માટે ચિંતાનો વિષય
આઈપીએલની આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે ઈજાઓ મોટી સમસ્યા બની રહી છે. એન્ગીડી ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર છે અને જો તેની ઈજા ગંભીર જણાશે, તો તે બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. ટીમ મેનેજમેન્ટ અને ચાહકો અત્યારે તેના ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે.