શહેરની ભાગોળે ગોંડલ રોડ કોઠારીયા સોલવન્ટ પાસે શિવ હોટેલ પાછળના દોલતપરા શેરી નં.1માં માતાજીના માંડવામાં ૭ નર બકરાંની બલી ચડાવવામાં આવી હતી અને વધુ 11ની બલિ ચડે તે પહેલાં પોલીસ પહોંચી હતી.પોલીસે આ પ્રવુત્તિ અટકાવવાનો પ્રયાસ કરતા આ શખસોએ પોલીસ પર પથ્થરમારો કરતાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે ટોળાંને વિખેરવા હવામાં ફાયરિંગ કર્યું હતું. પથ્થરમારામાં પોલીસની પીસીઆર વાનના કાચ ફોડી નાંખ્યા હતાં.
આજીડેમ પોલીસ મથકમાં બે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા
ટોળાએ કરેલા હુમલામાં પીએસઆઇ, એએસઆઇ,અને હોમગાર્ડ સહિત ચારને ઇજા પહોંચી હતી. આ અંગે આજીડેમ પોલીસ મથકમાં બે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે.જેમાં પ્રથમ વિજ્ઞાન જાથા દ્વારા પશુ બલી આપવા અંગે પાંચ શખસો સામે ગુનો નોંધવામાં આવ્યાો છે.જયારે આજીડેમ પોલીસ મથકના એએસઆઇ દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદના આધારે દેવિપુજક સમાજના આગેવાન સહિત ૧૪ શખસો અને ૧૫૦ થી ૨૦૦ ના ટોળા વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે આગેવાન સહિત ૧૪ શખસોને ઝડપી લીધા છે.જયારે અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
સ્થળ પર મોટા છરા પણ હતા
ગોંડલ રોડ પર દોલતપરા શેરી નં.1માં રવિવારે રાત્રે દેવીપૂજક સમાજ દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ માંડવામાં બકરાંની બલી ચડાવવામાં આવી રહ્યાની માહિતી મળતાં રાત્રીના વિજ્ઞાનજાથાની ટીમના કાર્યકર ભાનુબેન મનસુખભાઇ ગોહિલ (ઉ.વ.55) તપાસ કરવા ગયા હતા અને તે સ્થળ પર પહોંચ્યા તો બકરાંની બલી ચડાવવામાં આવી હોય તેવું જોવા મળ્યું હતું. હજુ પણ સોમવારે સવારે વધુ બકરાંની બલી ચડશે. તેવું પણ ધ્યાને આવતાં સોમવારે સવારે વિજ્ઞાન જાથાની ટીમ સ્થળ પર પહોંચી હતી. સ્થળ પર મટનના અને લોહીના તપેલા ભર્યા હતા. સ્થળ પર મોટા છરા પણ હતા.
સાત બકરાની બલી ચડાવી
આ બાબતે ભૂવા હકુ મેઘજી વાળાની પૂછપરછ કરતાં તેણે બલિની વાત કબૂલી હતી. આ ઉપરાંત અન્ય ચાર આરોપી મુળજી વીરજી સાડમિયા, રોહિત ભરત સોવેસિયા, પ્રતાપ કનુ સોલંકી અને અરવિંદ મુકેશ સોલંકીએ બલિ ચડાવી હતી. આ મામલે ભાનુબેને આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને સાત બકરાની બલી ચડાવવાના મામલે ભૂવા હકુ વાળા સહિત પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ટોળાંએ પોલીસ સાથે માથાકૂટ શરૂ કરી હતી
સમગ્ર ઘટનાને પગલે સોમવારે સવારે આજી ડેમ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને બલી ચડાવનારને પકડવાની કવાયત કરી રહી હતી ત્યારે 100થી 150 લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ટોળાંએ પોલીસ સાથે માથાકૂટ શરૂ કરી હતી. મામલો તંગ બનતા આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ અશોકસિંહ જાડેજા સહિતનો કાફલો પહોંચ્યો હતો. ટોળાંએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો અને પોલીસવાનના કાચ ફોડી નાખ્યા હતા. રિક્ષામાં તોડફોડ કરી હતી. બેફામ બનેલું ટોળું હાઇવે પર ધસી જવા આગળ વધ્યું હતું. ટોળાંને અટકાવવા પોલીસે તમામ પ્રયાસ કર્યા હતા, પરંતુ ટોળું કાબૂમાં આવતું નહોતું. અંતે પીઆઇ એ.બી.જાડેજાએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી હવામાં એક રાઉન્ડ ફાયર કર્યું હતું. જેથી ટોળાંમાં નાસભાગ મચી ગઇ હતી.
150 થી 200 માણસોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
બાદમાં આ અંગે આજીડેમ પોલીસ મથકના એએસઆઈ હેમદીપ વ્રજલાલ મારવણીયા દ્વારા દેવીપુજક સમાજના આગેવાન ભાવેશ અરજણભાઈ વિકાણી, રાકેશ પ્રેમજીભાઈ ચુડાસમા, કાળુ વાલજીભાઈ ગોરસવા, હાર્દિક હરિભાઈ સોલંકી, ગોવિંદ બટુકભાઈ સોલંકી, વીકી દામજીભાઈ સોલંકી, રોહિત પરસોત્તમભાઈ પરમાર, સંદીપ પરસોત્તમભાઈ પરમાર, હિતેશ મનજીભાઈ સોલંકી, સની મનજીભાઈ સોલંકી, દીપક રમેશભાઈ જસાણીયા, રાહુલ સામંતભાઈ ડાભી, પ્રવીણ રવજીભાઈ જાડેજા, પ્રકાશ રમેશભાઈ જેસાણીયા તથા 150 થી 200 માણસોના ટોળા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસને પણ આ ટોળાએ ઢીકાપાટુનો માર માર્યો હતો
એએસઆઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે ગોંડલ રોડ પર વેલનાથપરા શેરી નંબર-૧ શિવ હોટલ પાછળ દેવીપુજક સમાજના રાખાદાદાનો માંડવો હોય અને તેમાં પશુ બલી આપેલ હોવાથી અહીં પોલીસ સ્ટાફ બંદોબસ્ત માટે ગયો હતો. પીએસઆઇ આર.એમ.સાખરા તથા કોન્સ્ટેબલ ચંદ્રપાલસિંહ, હોમગાર્ડ રવિભાઈ ત્રિપાઠી હેડ કોન્સ્ટેબલ અક્ષયરાજસિંહ રાણા, તેજપાલસિંહ સરવૈયા, ગૌતમભાઈ રાઠોડ અને કોન્સ્ટેબલ રામજીભાઈ ટાઢાણી સહિતનો સ્ટાફ અહીં દેવીપુજક સમાજના માણસોને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો. દરમિયાન આ શખસોએ ગેરકાયદે મંડળી રચી 150 થી 200 જેટલા માણસોએ પોલીસ પાસે આવી કહેવા લાગ્યા હતા કે, અમારી જ્ઞાતિના રીત રિવાજ પ્રથા હોય તમે કેમ અમારા સમાજને હેરાન કરો છો? તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા છતાં પોલીસે તેમને સમજાવવાની કોશિશ કરતા આગેવાન ભાવેશભાઈએ ફરિયાદી એએસઆઇનો કાંઠલો પકડી લીધો હતો અને ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતા. ટોળાને વિખેરવાનો પ્રયાસ કરતા અન્ય પોલીસને પણ આ ટોળા ઢીકાપાટુનો માર માર્યો હતો.
પોલીસે પ્રથમ લાઠીચાર્જ કર્યો હતો
પીસીઆરવાનમાં પથ્થર મારી તેનો કાચ ફોડી નાખ્યો હતો. તુરંત પોલીસ સ્ટેશનને જાણ કરતા ડી સ્ટાફના એસઆઈ હારૂનભાઈ ચાનીયા, રવિભાઈ વાંક, કોન્સ્ટેબલ જગદીશભાઈ સહિતનાએ આવી ટોળાને વધારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ લોકોએ પથ્થર અને ધોકા વડે પોલીસ પાર્ટી પર હુમલો કરી દીધો હતો. જેથી પીઆઇ એ.બી. જાડેજા તથા અન્ય પોલીસ સ્ટાફ અહીં આવ્યો હતો વારંવારની સમજાવટ થતા ટોળું ના વિખેરાતા પોલીસે પ્રથમ લાઠીચાર્જ કર્યો હતો. બાદમાં પીઆઇ એ.બી. જાડેજા એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું.
ભાવેશ વિકાણી સહિત 14 શખ્સોને ઝડપી લીધા
દેવીપુજક સમાજના આગેવાન ભાવેશ વિકાણી તથા ટોળાએ કરેલા આ હુમલામાં ફરિયાદી હેમંતભાઈ મારવાણીયા તથા પીએસઆઇ આર. એમ. શાખરા, એ.એસ.આઇ હારૂનભાઇ ચાનીયા, હોમગાર્ડ રવિભાઈ ત્રિપાઠીને ઈજા પહોંચી હતી. જે અંગે પોલીસે આ શખસો સામે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા ઉપરાંત રાયોડ પોલીસ કાર્યવાહીમાં અડચણરૂપ બનવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગેવાન ભાવેશ વિકાણી સહિત 14 શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવિઝા કરતા વધુ સમય યુએસમાં રહેશો તો દેશનિકાલ થશે: અમેરિકન દૂતાવાસ
May 20, 2025 02:31 PMઅમેરિકામાં 'રિવેન્જ પોર્ન'અંગે ખાસ કાયદો બનાવાયો
May 20, 2025 02:30 PMઅમે પણ માણસ છીએ, ચુકાદો આપતી વખતે અમારાથી પણ ભૂલ થાય: સુપ્રીમ કોર્ટના જજ
May 20, 2025 02:28 PMસિવિલ જજ બનવા માટે વકીલ તરીકે ત્રણ વર્ષનો અભ્યાસ જરૂરી: સુપ્રીમ કોર્ટનો નિર્ણય
May 20, 2025 02:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech