ત્રણ મહિના સુધી ચાલે તેટલો અનાજનો જથ્થો રાખવા તાલુકાઓના મામલતદારોને સૂચના

  • May 15, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ : આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને સરકારી ગોડાઉનોમાં અનાજના જથ્થાનો ત્રણ મહિનાનો સ્ટોક રાખવા રાજકોટ તાલુકાઓના તમામ મામલતદારોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તેમજ અતિવૃષ્ટિ કે કુદરતી આપત્તિમાં પણ નાગરિકોને પૂરતું અનાજ મળી રહે તેવી વ્યવસ્થા કરવા આગોતરું આયોજન કરવા તૈયારીઓ કરવા કહેવામાં આવ્યું છે.રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'પ્રી-મોન્સૂન પ્રિપેર્ડનેસ' અંગેના આદેશો જારી કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની સૂચના મુજબ પુરવઠા અધિકારી અજય ઝાંપડા દ્વારા તમામ મામલતદારોને સૂચના આપી કહેવાયું છે કે, વાવાઝોડું, અતિવૃષ્ટિ કે ભારે પૂર જેવી કુદરતી આપત્તિના સમયે પણ નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અવિરત મળતો રહે તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે. ઉપરાંત નીચાણવાળા અને સંપર્ક વિહોણા બની શકે તેવા સંભવિત વિસ્તારોની વાજબી ભાવની દુકાનો પર ચોમાસા પહેલા જ અનાજનો પૂરતો જથ્થો પહોંચાડી દેવા તથા દરેક તાલુકાના ગોડાઉનમાં ઓછામાં ઓછા ત્રણ માસની જરૂરિયાત મુજબનો અનાજનો જથ્થો જળવાઈ રહે તેવું આયોજન કરવા જણાવાયું છે. જો ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થાય, તો અસરગ્રસ્ત ગામો સુધી ડમ્પર અથવા હાઈ-ચેસીસ વાહનો દ્વારા પુરવઠો પહોંચાડવા માટે ડ્રાઈવરો અને વાહનોની યાદી તૈયાર રાખવા મામલતદારોને સૂચના અપાઈ છે. આપત્તિ સમયે અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવા તેમજ જિલ્લા અને તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સતત સંકલનમાં રહેવા જણાવાયું છે. તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો અનામત જથ્થો રાખવા અને ગેસ એજન્સીઓને ગેસ સિલિન્ડરનો બાકી રહેલ બેકલોગ શૂન્ય કરી સમયસર વિતરણ કરવા આદેશ અપાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application