ભાટિયા નજીક ટ્રકની અડફેટે યુવાનનું કરુણ મૃત્યુઃ ટ્રકની ઠોકરે બાઈક ચાલક ખંભાળિયાના વૃધ્ધનું અપમૃત્યુ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં અકસ્માતના બે બનાવ બન્યા હતા, જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે, ભાટિયા નજીક એક ટ્રકની અડફેટે યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે ટ્રકની ઠોકરે ખંભાળિયાના બાઈકચાલક વૃધ્ધનું મૃત્યુ હતું, આ બંને બનાવ અંગે પોલીસમાં જાણ કરાતાં તેમણે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા જયકુમાર કરસનભાઈ રાવલીયા નામના 30 વર્ષના યુવાન ભાટિયા બાયપાસના ઓવરબ્રિજ નજીક દ્વારકા બાજુના છેડેથી ચાલીને જઈ રહ્યા હતા, તે દરમિયાન રાત્રિના આશરે 9:30 વાગ્યાના સમય પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 25 યુ. 8132 નંબરના એક ટ્રકના ચાલકે તેમને પાછળથી ઠોકર મારતા ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક જયકુમાર રાવલિયાના મામા સામતભાઈ મારખીભાઈ ચાવડાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પીએસઆઈ કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી હતી.
જ્યારે ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે રહેતા ધીરજલાલ જમનાદાસ મેસવાણીયા નામના 65 વર્ષના વૃદ્ધ ગુરુવારે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ નજીકથી જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પુરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી. 8308 નંબરના એક ટ્રકના ચાલકે તેમને અડફેટે લેતા તેમનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગ અંગે મૃતકના પુત્ર યોગેશકુમાર ધીરજલાલ મેસવાણીયા (રહે. હાલ જામજોધપુર)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રક ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.