અમદાવાદના માંડલમાં રેતી ભરતી વખતે ભેખડ ધસી પડતા બે યુવાનોના કરૂણ મોત

  • May 15, 2026 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેર-રખિયાણા ગામની સીમમાં રેતી ભરવા ગયેલા બે યુવાનો પર અચાનક ભેખડ ધસી પડતા બંનેના ઘટનાસ્થળે જ ગૂંગળામણ અને ઈજાઓને કારણે મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને મૃતક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


મળતી માહિતી મુજબ, શેર-રખિયાણા ગામના અલ્પેશભાઈ ઠાકોર અને સાહિલભાઈ ઠાકોર નામના બે યુવાનો પોતાનું ટ્રેક્ટર લઈને ગામની સીમમાં આવેલા વોંકળામાં રેતી ભરવા ગયા હતા. તેઓ વોંકળાના ઊંડાણવાળા ભાગમાં રેતી ભરી રહ્યા હતા, ત્યારે ઉપરની તરફથી રેતી અને માટીની ભેખડ અચાનક ધરાશાયી થઈ હતી. આ ભેખડ એટલી મોટી હતી કે બંને યુવાનોને બચવાની તક સુદ્ધાં મળી નહોતી અને તેઓ ટનબંધ માટી નીચે દટાઈ ગયા હતા.


ઘટનાની જાણ થતાં જ આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેસીબી અને સ્થાનિકોની મદદથી ભારે જહેમત બાદ માટી નીચે દટાયેલા બંને યુવાનોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા માંડલ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે.


આ કરુણ અકસ્માત બાદ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરમગામ અને માંડલ પંથકમાં વર્ષોથી ગેરકાયદેસર રેતી ચોરીનું દૂષણ ફુલેફાલ્યું છે. નદીઓ અને વોંકળાઓમાં આડેધડ અને અતિશય ઊંડાણ સુધી ખોદકામ કરવામાં આવતું હોવાથી આવી ભેખડો ધસી પડવાનું જોખમ અનેકગણું વધી ગયું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, રાત-દિવસ બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરો અને ગેરકાયદે ખનન અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં ખાણ-ખનીજ વિભાગ કે પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application