દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. ગઈકાલે સોમવારે દિવસ દરમિયાન સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે સાંજે જુદા જુદા તાલુકાઓમાં ધીમીધારે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. જેમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં સાડા ત્રણ ઈંચ (૮૯ મી.મી.), દ્વારકા તાલુકામાં અઢી ઈંચ (૫૮ મી.મી.), ભાણવડ તાલુકામાં બે ઈંચ (૫૦ મી.મી.) અને ખંભાળિયામાં એક ઈંચ (૨૮ મી.મી.) વરસાદ ગઇકાલે બપોરે ૧૨ વાગ્યાથી આજે સવારે ૧૦ વાગ્યા સુધીનો નોંધાયો છે.
ખંભાળિયા તાલુકાના સલાયા પટ્ટીના ગામો બારા, પરોડીયા તેમજ સલાયામાં સોમવારે નોંધપાત્ર વરસાદ વરસી જતા માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતાં. ગઈકાલે જિલ્લામાં સાર્વત્રિક અને મોસમના પહેલા વરસાદથી નગરજનો ખુશખુશાલ થયા હતા અને અબાલ-વૃદ્ધ સૌ કોઈએ વરસાદમાં નાહવાની મોજ માણી હતી.
ખંભાળિયા સહિત જિલ્લામાં સાર્વત્રિક અને નોંધપાત્ર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી. જો કે ગત સાંજે જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર લાંબો સમય વીજ પુરવઠો ખોરવાઈ જતા નગરજનો હાલાકીમાં મુકાયા હતા. પ્રથમ વરસાદના પગલે વરસાદી જીવાતથી લોકો ત્રસ્ત બન્યા હતાં.
જિલ્લાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પૂર જેવા પાણી ચાલી નીકળ્યા હતાં. ખેતરો માટે કાચા સોના જેવા આ વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. આજે મંગળવારે પણ હળવા અમી છાંટણા સાથે વરસાદી માહોલ બરકરાર રહ્યો છે અને વધુ વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.