યાર્ડની જે.કે.ટ્રેડિંગ પેઢીએ રૂ.૧૭.૧૯ કરોડનું ફુલેકુ ફેરવ્યું

  • May 07, 2025 02:46 PM 

રાજકોટ માકેટીંગ યાર્ડમાં બીપીનભાઇ ઢોલરિયા અને નિતેશભાઈ ઢોલરીયાની માલીકીની જે.કે. ટ્રેડિંગ પેઢી કાચી પડી છે. જેમાં યાર્ડના 145 દલાલોના 17.19 કરોડની વધુ રૂપિયા ફસાતા ભારે દેકારો બોલી ગયો છે. જયારે અન્ય બે પેઢીઓ દ્વારા નાણાં આપી દેવાની ખાતરી આપી દેવામાં આવી હોવાનું સાામે આવ્યું છે. આ અંગે રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશને પોલીસ કમિશનરને આવેદન આપી આ કૌભાંડી વેપારી સામે તાકીદે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. ઢોલરીયા બંધુ ન પકડાય તો અચોકકસ મુદત સુધી યાર્ડ બંધનું એલાન પણ કમિશન એજન્ટ દ્વારા આપવામાં આવ્યું છે.

જે.કે. ટ્રેડિંગ સહીત કુલ ત્રણ પેઢીઓ કાચી પડવાના મામલે યાર્ડમાં છેલ્લા એકાદ સપ્તાહથી ગણગણાટ અને બેઠકોનો ધમધમાટ ચાલતો હતો. પરંતુ દલાલ મિત્રોના કરોડો રૂપિયા સલવાયા છે. જેનો કોઇ નિવેડો ન આવતા આજથી કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા અચોકકસ મુદત માટે રાજકોટ માકેટીંગ યાર્ડમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. ખરીદ-વેચાણની હરરાજી અટકાવી દેવામાં આવી છે. કાચી પડેલી ત્રણ પૈકી જે કે ટ્રેડિંગનાં માલિકો ભુગર્ભમાં ઉતરી ગયા છે.

આ અંગે આજરોજ રાજકોટ માર્કેટીંગ યાર્ડનાં કમિશન એજન્ટ એસોસિએશનનાં હોદેદારો પોલીસ કમિશ્નર કચેરીએ રજુઆત કરવા માટે આવી પહોંચ્યા હતાં. તેમણે પોલીસ કમિશ્નરને મળી લેખિત અને મૌખિક રજુઆત કરતા જણાવ્યું હતું કે, તમામ દલાલો જાહેર હરરાજીમાં માલનું વેચાણ કરે છે અમે ત્યારબાદ ખરીદનાર ચેકથી પેમેન્ટ કરે છે. આ નિયમથી જે.કે. ટ્રેડિંગ કંપનીનાં માલિકો બિપીનભાઈ ઢોલરીયા અને નિતેશભાઈ ઢોલરીયા દ્વારા જાહેર હરરાજીમાં માલની ખરીદી કરી અને પેમેન્ટ માટે ચેક આપેલ હતા. જે ચેકની રકમ રૂ. 17,19,50,059 (સતર કરોડ ઓગણીશ લાખ પચાસ હજાર ઓગણસાઇઠ) ની ઠગાઈ આચરી લીધાનું જણાઈ આવ્યું છે. હાલ પેઢીના બંને માલિકો ફરાર થઇ ગયેલા છે તેમજ બંનેનાં મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ છે.

વેપારીઓ રજુઆતમાં વધુમાં જણાવ્યુ હતું કે તેમને શંકા છે કે, બંને વેપારીઓ વિદેશ ભાગી જશે. જેથી વેપારીઓએ બંને શખસોનાં પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ, બેંક ખાતા તાતકાલિક બ્લોક કરી દેવા તેમજ બંનેને ઝડપી લેવા રજુઆત કરી હતી.


બે પેઢીઓએ પૈસા આપવાની તૈયારી દર્શાવી

યાર્ડમાં કુલ ત્રણ પેઢીઓ કાચી પડતા ભારે દેકારો બોલી ગયો છે. જે પૈકી બે પેઢીઓએ પૈસા આપી દેવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે. જે કે ટ્રેડિંગ ઉપરાંત અમન ફૂડ્સ અને દીપક એન્ડ સન્સ એમ કુલ ત્રણ પેઢીઓ કાચી પડી હતી. જે બાદ આજે માર્કેટીંગ યાર્ડ ખાતે એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં વેપારીઓ અને દલાલો હાજર રહ્યા હતા. જે બેઠકમાં અમન ફૂડ્સ અને દીપક એન્ડ સન્સનાં માલિકો પણ હાજર રહ્યા હોય અને તેમણે આવતીકાલ સુધીમાં પેમેન્ટ આપી દેવાની તૈયારી દર્શાવી હતી. જે બાદ જે કે ટ્રેડિંગ વિરુદ્ધ પોલીસમાં રજુઆત કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application