ખેડૂતોની રકમ ચૂકવ્યા વિના પેઢીના સંચાલક પિતા-પુત્ર સહિત ત્રણ વેપારી પેઢીને તાળા મારીને રફુચકકર : જણશો લઇને રૂપીયા ચુકવ્યા નહીં
જામજોધપુર માર્કેટિંગ યાર્ડની એક વેપારી પેઢીએ સતાપર ગામના પાંચ ખેડૂતોની રૂપિયા ૩૨ લાખની જણસ મેળવી લીધા પછી તેની રકમ નહીં ચૂકવી વેપારી પિત- પુત્ર, અને ભાઈ કે જેઓ પોતાના ધંધાના સ્થળ અને મકાનને તાળા મારીને ભાગી છૂટ્યા છે, જેથી ત્રણેય સામે ખેડૂતો દ્વારા છેતરપિંડી અંગેની જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જે આરોપીઓ હાથમાં આવ્યા બાદ આ પેઢી દ્વારા કુલ કેટલુ ફુલેકુ ફેરવવામાં આવ્યુ તેનો આંકડો સ્પષ્ટ થશે.
જામજોધપુરના માર્કેટિંગ યાર્ડમાં આવેલી વિઠલાણી બ્રધર્સ નામની વર્ષો જૂની પેઢી, તથા તેની સાથે સંયુક્તમાં આવેલી અલગ અલગ બે પેઢી કે જેઓના સંચાલક રમેશભાઈ મથુરાદાસ વિઠલાણી, અને ગોપાલભાઈ મથુરાદાસ વીઠલાણી નામના બે ભાઈઓ તેમજ રમેશભાઈના પુત્ર કિસન રમેશભાઈ વિઠલાણી કે જેઓએ જામજોધપુર તાલુકાના સતાપર ગામના કેટલાક ખેડૂતોની જણસની રકમ ચૂકવ્યા વિના પેઢીને તાળા મારીને ભાગી છુટયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ઉપરાંત તેઓનો મકાન પણ બંધ અવસ્થામાં છે, અને સમગ્ર પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જેથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.
જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહીને ખેતી કામ કરતા દિનેશભાઈ સુરાભાઈ પરમાર અઢી દાયકાથી ઉપરોક્ત બંધુઓની પેઢી સાથે પોતાની અલગ અલગ જણસની વેચાણ કરી વ્યવહાર ચલાવે છે, જે ભરોસાને લઈને આ વખતે પણ દિનેશભાઈ પરમાર દ્વારા પોતાની અંદાજે ૫,૧૬.૭૫૦ની કિંમતનો મગફળીનો જથ્થો વેચાણ માટે વેપારીને આપ્યો હતો, જેની બાકી રોકાતી રકમ આપવા માટે અવાર નવાર જુદા જુદા બહાના આપતા હતા. આખરે પેઢીના સંચાલકો લાપતા બની ગયા હોવાથી આખરે થતા પર ગામના ખેડૂત દિનેશભાઈ પરમાર દ્વારા ત્રણેય આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત તેઓની સાથે જસાપર ગામના પણ અન્ય ચાર ખેડૂતો કે જે ઓએ પણ વધુ ૨૭ લાખ રૂપિયા ની અલગ અલગ જણસ તેમાં મગફળી કપાસ જીરું વગેરેનો સમાવેશ થાય છે. જે તમામ વસ્તુઓ મેળવી લીધા પછી પેઢીના સંચાલકોએ થોડા સમયમાં પૈસા આવી જશે તેમ કહયે રાખ્યું હતું, અને પોતાની પેઢીને તાળા મારીને આખરે તેઓ ભાગી છુટ્યા હતા. જેથી સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકમાંમાં લઈ જવાયો છે, અને દિનેશભાઈ પરમાર ની ફરિયાદના આધારે જામજોધપુર પોલીસે જુદી જુદી કલમમાં હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને તપાસનો ધમધમાટ શ કર્યો છે.
હાલ તમામ આરોપીઓના મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઈ ગયા છે, જ્યારે ધરના પણ સભ્યો પોતાના મકાન પર તાળા મારીને લાપત્તા થયા હોવાથી મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ ના આધારે તમામના લોકેશન મેળવવામાં આવી રહ્યા છે .આ પ્રકરણની તપાસ જામજોધપુરના પી.એસ.આઇ એચ.બી. વડાવીયા ચલાવી રહ્યા છે.
જામજોધપુર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના અન્ય કોઈ ખેડૂતો આ પેઢી સાથે સંકળાયેલા હોય અને તેઓ ના પણ પૈસા ફસાયા હોય તો તાત્કાલિક અસરથી જામ જોધપુર પોલીસ મથકનો સંપર્ક સાધવા પોલીસ દ્વારા કરાયો છે.