હાલારના ૫.૧૭ લાખ ગ્રાહકને ૪૪૦ વોટનો ઝટકો, બીલમાં રૂ.૫.૩૯ કરોડ વધારાનો ‘ચાંદલો’
મોંઘવારીમાં કારમો ડામ: વીજકંપની દ્વારા ફયુલ ચાર્જમાં ૧૫ પૈસાનો વધારો અને નવો ૩.૯૯ ટકા વેરીએબલ ચાર્જ ઝીંકી ગ્રાહકો સાથે રીતસર ઉઘાડી લૂંટ
બંને જિલ્લાના રહેણાંક અને કોર્મશીયીલ વીજગ્રાહકો પર બોજો વધશે: ખેતીવાડી વીજજોડાણને મુકિત: શા માટે નવો ચાર્જ અને વધારો? વીજકંપનીના અધિકારીઓ પણ અજાણ
હાલારના વીજગ્રાહકોને કારમી મોંઘવારીમાં વીજકંપનીએ વીજબીલમાં વધારાનો કારમો ડામ આપ્યો છે. કારણ કે, વીજકંપની દ્વારા ફયુલ ચાર્જમાં ૧૫ પૈસાનો વધારો અને નવો ૩.૯૯ ટકા વેરીએબલ ચાર્જ ઝીંકતા ગ્રાહકો સાથે રીતસર ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આટલું જ નહીં ફયુલ ચાર્જમાં વધારા અને નવા વેરીએબલ ચાર્જથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૫.૧૭ લાખ ગ્રાહકોના વીજબીલમાં રૂ.૫.૩૯ કરોડનો વધારો થયો છે. બંને જિલ્લાના રહેણાંક અને કોર્મશીયલ વીજગ્રાહકો પર બોજો વધતા બજેટ ખોરવાશે. ખેતીવાડી વીજજોડાણને નવા ચાર્જ અને વધારામાંથી મુકિત આપવામાં આવી છે. નવાઇની વાત તો એ છે કે, વીજબીલમાં શા માટે નવો ચાર્જ અને વધારો કરવામાં આવ્યો તેના કારણોથી ખુદ વીજકંપનીના અધિકારીઓ પણ અજાણ હોય આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે.
વર્તમાન સમયમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ખાસ કરીને જીવનજરૂરી ચીજવસ્તુના ભાવ કૂદકે અને ભૂસકે વધતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ કપરી સ્થિતિમાં જનતાને વીજબીલમાં વધારાનો સણસણતો અને અસહ્ય ડામ આપવામાં આવ્યો છે. કારણ કે, સરકારી વીજકંપનીઓએ મઘ્યમવર્ગીય પરિવારો, વેપારીઓ અને ઉધોગકારો પર વીજબીલમાં નવો ૩.૯૯ ટકા વેરીએબલ સરચાર્જ ઝીંકયો છે. આટલું જ નહીં ફયુલ ચાર્જ કે જે પહેલા રૂ.૨.૩૦ હતો તે વધારીને રૂ.૨.૪૫ કર્યો છે એટલે કે આ ચાર્જમાં પણ ૧૫ પૈસાનો વધારો કર્યો છે. આથી વીજળીનો વપરાશ પણ મોંધો થયો છે. એક બાજુ રાજયમાં વીજ સંકટ ઘેરૂ બની રહ્યું હોવાની ચર્ચા જોરશોરથી થઇ રહી છે. બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં સમારકામના બહાને અઘોષિત વીજકાપ વચ્ચે ખેતીવાડી ક્ષેત્રને બાદ કરતા તમામ વીજગ્રાહકો પર નવા ચાર્જ અને વધારોનો અસહ્ય બોજ ઝીંકવામાં આવ્યો છે.
પીજીવીસીએલના અધિકારીઓના જણાવ્યાનુસાર વીજગ્રાહકો પર નવો ૩.૯૯ ટકા ફયુઅલ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ ચાર્જ ગુજરાત વીજ નિયમત પંચના હુકમ અનુસાર સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવ્યો છે. તદઉપરાંત ફયુલ ચાર્જ કે જે પહેલા રૂ.૨.૩૦ હતો તેમાં ૧૫ પૈસાનો વધારો કરી રૂ.૨.૪૫ કરવામાં આવ્યો છે. પરંતુ નવાઇની વાત તો એ છે કે, સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવેલો નવો ચાર્જ અને વધારાની અસર ગ્રાહકોના બીલમાં ૧ જુલાઇથી એટલે કે પાછલી અસરથી લાગુ કરવામાં આવી છે. આથી જુલાઇ અને ઓગષ્ટ મહીનાની તફાવતની રકમ પણ ચાલુ મહીનાના બીલમાં એકસાથે ઉમેરવામાં આવતા ગ્રાહકોના વીજબીલમાં ઘરખમ વધારો થતાં બમણા જેવા બીલ આવતા વીજગ્રાહકોમાં ભારે દેકારો બોલી ગયો છે. નવા વેરીએબલ ચાર્જ અને ફયુલ ચાર્જમાંથી ખેતીવાડી વીજજોડાણોને મુકિત આપવામાં આવી છે. ત્યારે જામનગર સર્કલ કે જેમાં જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લાનો સમાવેશ થાય છે તે બંને જિલ્લાના ખેતીવાડી વીજજોડાણ સિવાયના ૫.૧૭ લાખ વીજગ્રાહકોના જુલાઇ થી સપ્ટેમ્બર સુધીમાં વીજબીલમાં રૂ.૫.૧૭ કરોડનો વધારો નોંધાયો છે. આમ દીવાળી ટાંકણે વીજબીલમાં અસહ્ય ડામરૂપી વધારાથી લોકોમાં કાગારોળની સાથે ભારે આક્રોશની લાગણી ફેલાઇ છે.
અત્રે નોંધનીય છે કેે, ચાલુ વર્ષે એપ્રીલ અને જૂન મહીનામાં કોઇ જ વેરીએબલ ચાર્જ હતો નહીં, જે સીધો ૩.૯૯ ટકા ઝીંકી વીજકંપની દ્વારા રીતસર ઉઘાડી લૂંટ ચલાવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ફયુઅલ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ ચાર્જ(એફપીપીએસ)ના કારણે ખાસ કરીને મઘ્યમવર્ગના ઘર, દુકાનો અને ઓફીસોના વીજબીલમાં યુનીટ દીઠ સરેરાશ ૩૦ થી ૪૫ પૈસાનો તો નાના કારખાના,ફેકટરી અને લઘુઉધોગમાં દર મહીને હજારો રૂપિયાનો બોજો વધશે. અત્રે નોંધનીય છે કે, વીજકંપની દ્વારા વીજગ્રાહકોના બીલમાં ફયુલચાર્જમાં વધારો નવો વેરીએબલ ચાર્જ શા કારણોસર ઝીંકવામાં આવ્યો છે તેની ખુદ પીજીવીસીએલના અધિકારીઓને ખબર નથી, વીજ નિયમન પંચ અનુસાર વધારો કરવામાં આવ્યો છે તેમ જણાવાતા અનેક સવાલ અને શંકાઓ ઉઠી છે.
જો કે, અતરંગ સૂત્રોના જણાવ્યાનુસાર કોલસા, ગેસ અને અન્ય રાજયોમાંથી ખરીદી કરવામાં આવતી વીજળીના ભાવમાં થતાં ફેરફારના બહાના હેઠળ આ વધારો ઝીંકવામાં આવ્યો છે. પરંતુ ખાનગી કંપનીઓ પાસેથી શા માટે મોંઘી કીંમતે વીજળી ખરીદવામાં આવી રહી છે તે ગણીત આજની તારીખે પણ આમ જનતાને સમજાતું નથી. આટલું જ નહીં જો તમામ પ્રકારના ભાવ વધારાનો બોજો ગ્રાહકો પર નાખવો હોય તો સરકારી વીજકંપનીઓ અને થર્મલ પાવર સ્ટેશનો વીજળી ઉત્પાદન માટે કરવામાં આવતી ઇંધણની ખરીદી તથા કેટલું પાવરનું ઉત્પાદન થયું, કેટલા યુનીટનું વિતરણ કરાયું તેની પારદર્શક વિગતો કેમ જાહેર કરતી નથી અને આ અંગે વીજકંપનીઓ તથા થર્મલ પાવર સ્ટેશનના ઉચ્ચ્ અધીકારીઓ આ અંગે શા માટે ભેદી અને શંકાસ્પદ ચૂપકીદી સેવી રહ્યા છે તે સળગતો સવાલ પણ વીજગ્રાહકોમાં જોરશોરથી ઉઠયો છે.
ગ્રાહકોના વીજબીલમાં આટલો ભાવવધારો થશે :
વીજવપરાશ અંદાજીત વધારો(રૂપિયામાં)
૧૦૦ યુનીટ ૩૦ થી ૪૫
૩૦૦ યુનીટ ૯૦ થી ૧૩૫
૫૦૦ યુનીટ ૧૫૦ થી ૨૨૫
૧૦૦૦ યુનીટ ૩૦૦ થી ૪૫૦
૧૦૦૦૦ યુનીટ ૩૦૦૦ થી ૪૫૦૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર-દ્વારકા જિલ્લાના ૧૨૦ વનરક્ષક અને વનપાલ હડતાળમાં જોડાયા
October 31, 2026 02:31 PMજામનગરમાં ગીતામંદીર નજીક દીવાલ ધરાશાહી, ત્રણ મજૂર દટાયા, એકનું મોત
October 31, 2026 02:24 PMવાર્ષિક કોન્ફરન્સ માટે વનતારાએ વૈશ્ર્વિક વન્યજીવ સમુદાયને જામનગરમાં કર્યો એકત્ર
October 31, 2026 02:18 PMહાલારના ૫.૧૭ લાખ ગ્રાહકને ૪૪૦ વોટનો ઝટકો, બીલમાં રૂ.૫.૩૯ કરોડ વધારાનો ‘ચાંદલો’
October 31, 2026 02:15 PMજામનગર: આવેદન આપવા નીકળેલા કોંગી અગ્રણીની કાલાવડથી અટકાયત
October 31, 2026 01:37 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
