દ્વારકાના ઐતિહાસિક ગોપી તળાવના વિકાસની રાહ ક્યારે પૂરી થશે?
જર્જરિત ઘાટો અને પાણીના લીકેજની સમસ્યા યથાવત: પ્રવાસન સુવિધાઓ વધારવા યાત્રાળુઓની માંગ
યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના દર્શનાર્થે આવે છે. દ્વારકા દર્શન સર્કિટ અંતર્ગત નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, બેટ દ્વારકા અને રુકમિણી મંદિર સહિતનાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે ગોપી તળાવનું વિશેષ ધાર્મિક અને પૌરાણિક મહત્ત્વ છે. તેમ છતાં, લાંબા સમયથી પૂરતી મરામત અને વિકાસકાર્યોના અભાવે આ ઐતિહાસિક સ્થળની સ્થિતિ સુધારવાની જરૂરિયાત ઊભી થઈ છે.
દ્વારકા તાલુકાના શામળાસર ગામ નજીક આવેલું ગોપી તળાવ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓને કારણે વિશેષ આસ્થા ધરાવે છે. લોકમાન્યતા મુજબ, ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલી ગોપીઓ આ સ્થળે સમાઈ ગઈ હતી. આવા ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળે પ્રવાસન વિકાસની અનેક સંભાવનાઓ હોવા છતાં, તળાવના કેટલાક ઘાટ જર્જરિત બન્યા હોવાની અને પાણીના લીકેજને કારણે તળાવનું પાણી વહી જતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
સ્થાનિક લોકો તેમજ અહીં દર્શનાર્થે આવતા ભાવિકોમાં આ સ્થિતિને લઈને નારાજગી જોવા મળી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ, આઝાદી કાળ દરમિયાન મરામત કરવામાં આવ્યા બાદ તળાવ ખાતે સમયાંતરે જરૂરી સમારકામ અને આધુનિક સુવિધાઓના વિકાસ પર પૂરતું ધ્યાન અપાયું નથી. પરિણામે, દરરોજ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોવા છતાં સ્થળ પર પ્રવાસનલક્ષી સુવિધાઓમાં વધારો કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.
એક તરફ યાત્રાધામ દ્વારકાના સર્વાંગી વિકાસ અને પ્રવાસનને વેગ આપવા માટે છેલ્લા એક દાયકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ પૌરાણિક વારસો ધરાવતા ગોપી તળાવના જર્જરિત ઘાટો અને પાણીના લીકેજ જેવી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની માગ ઊઠી છે. તળાવની યોગ્ય મરામત, લીકેજનું નિવારણ, ઘાટોનું નવીનીકરણ અને પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવે તો આ સ્થળની સુંદરતા અને ધાર્મિક મહત્ત્વમાં વધારો થઈ શકે તેમ છે.
ગોપી તળાવનો સુઆયોજિત વિકાસ થાય તો યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ મળવાની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ શકે છે. પ્રવાસન આધારિત વ્યવસાયોને પ્રોત્સાહન મળવાથી સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળી શકે છે.
હાલમાં તળાવની સફાઈ માટે સ્થાનિક સરપંચ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવતા પ્રયાસો પ્રશંસનીય છે. જોકે, માત્ર સફાઈ પૂરતી ન રહેતાં તળાવના સંરક્ષણ, ઘાટોની મરામત અને કાયમી વિકાસ માટે સંબંધિત તંત્ર દ્વારા આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે. દ્વારકા દર્શન સર્કિટના મહત્ત્વપૂર્ણ તીર્થસ્થળ તરીકે ઓળખાતા ગોપી તળાવના વિકાસ માટે હવે તંત્ર ક્યારે નક્કર પગલાં ભરે છે, તેના પર સ્થાનિકો અને યાત્રાળુઓની નજર મંડાયેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ ડિવિઝનમાં ડબલિંગ કામગીરીના કારણે 4 નવેમ્બર સુધી રેલ વ્યવહાર પ્રભાવિત રહેશે
October 24, 2026 01:51 PMસુરત નવી સિવિલ હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓમાં અફરાતફરી મચી, ફાયરની 9 ગાડી દોડી
October 24, 2026 01:40 PMમોરબીના સિરામિક ઉદ્યોગની માઠીઃ પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂ.7300નો વધારો
October 24, 2026 01:23 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
