જામનગર​​​​​​​: સુપર માર્કેટના વેપારી સામે ૧.૩૩ કરોડની છેતરપીંડી કર્યાની ફરીયાદ

  • May 25, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​: સુપર માર્કેટના વેપારી સામે ૧.૩૩ કરોડની છેતરપીંડી કર્યાની ફરીયાદ

​​​​​​​પોલીસ સમક્ષ અરજી થયા બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું : ૨૦ જેટલા નિવેદનો લેવાયા : વેપારીએ રોકાણ અને કમિશનની લાલચ આપી અનેક સાથે વિશ્ર્વાસઘાત કર્યો 



જામનગર શહેરમાં વેપારી વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બનેલા કરોડોના આર્થિક ફૂલેકા મામલે આખરે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે વેપારી દ્વારા ૧.૩૩ કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. દરમ્યાનમાં પોલીસ દ્વારા આરોપી વેપારીની શોધખોળ આદરવામાં આવી છે અને ૨૦ જેટલા નિવેદનો નોંઘ્યા હતા.

જામનગરના વહેવારાીયા મદ્રેસા રોડ સોઢાવાડી ખાતે રહેતા વેપાર કરતા મુસ્તાકભાઈ ઇબ્રાહીમભાઈ સાબુવાલા (ઉ.વ.૫૮) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે હિતેષભાઈ લક્ષ્મીકાંત ગોહીલ, રહે. વાલકેશ્વરી નગરી, શાશ્વત એપાર્ટમેન્ટ, જામનગર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૫) હેઠળ ગુનો નોંધ્યો છે.

ફરિયાદ મુજબ આરોપી હિતેષભાઈ ગોહીલે પોતે કાપડના વેપાર સાથે જુદી જુદી બેંકોના ક્રેડિટ કાર્ડ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું જણાવી વેપારીઓ અને ઓળખીતાઓનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ કાપડના વેપાર તેમજ ક્રેડિટ કાર્ડના ધંધામાં રોકાણ કરવાથી ઊંચું કમિશન અને સારો નફો મળશે તેવી લાલચ આપી હતી.

આરોપીએ ફરીયાદી સહિત અનેક લોકોને વિશ્વાસમાં લઈ બેંક ચેક, ગુગલ-પે, રોકડ રકમ તેમજ ક્રેડિટ કાર્ડ મારફતે કુલ રૂ. ૧,૩૩,૪૦,૦૦૦ મેળવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જોકે બાદમાં રોકાણકારોને ન તો કમિશન અપાયું, અને  મૂળ રકમ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી પોતાના પરિવાર સાથે અચાનક ફરાર થઈ ગયો હતો. જેના કારણે વેપારીઓ અને રોકાણકારોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. આખરે ૨૫ થી વધુ પીડિત વેપારીઓ જિલ્લા પોલીસ તંત્ર સમક્ષ પહોંચ્યા બાદ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી.
​​​​​​​
આ મામલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી. બી. ડોડીયા અને તેઓની ટીમ દ્વારા અનેક વેપારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને તેના આધારે ચીટીંગના ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ વી.આર. ગામેતી ચલાવી રહ્યા છે.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application