દેવભૂમિ​​​​​​​ દ્વારકા: શ્રાવણના પ્રારંભે નાગેશ્ર્વરધામમાં બમ બમ ભોલેના નાદ સાથે ભક્તિમય માહોલ

  • August 13, 2026 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ​​​​​​​ દ્વારકા: શ્રાવણના પ્રારંભે નાગેશ્ર્વરધામમાં બમ બમ ભોલેના નાદ સાથે ભક્તિમય માહોલ
ઓમ નમ: શિવાયના જાપ સાથે ભકતો બન્યા શિવમય

શ્રાવણ માસના પ્રારંભ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગ ધામમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો છે. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષ ગુંજી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવના દર્શન અને પૂજનનું વિશેષ મહત્ત્વ હોવાથી દેશના વિવિધ વિસ્તારોમાંથી ભાવિકો નાગેશ્વર ધામે પહોંચી રહ્યા છે.

દ્વાદશ જ્યોતિર્લિંગમાં આઠમા જ્યોતિર્લિંગ તરીકે નાગેશ્વર મહાદેવને વિશેષ ધાર્મિક સ્થાન પ્રાપ્ત છે. દ્વારકાથી આશરે ૧૬ કિમીના અંતરે આવેલા આ ધામમાં શ્રદ્ધાળુઓ જ્યોતિર્લિંગના દર્શન સાથે અભિષેક અને પૂજાવિધિ કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિરની ભવ્યતા અને શાંત આધ્યાત્મિક વાતાવરણ ભક્તોને વિશેષ આકર્ષી રહ્યું છે.

નાગેશ્વર મંદિરની સૌથી મોટી વિશેષતાઓમાંની એક તેની આશરે ૮૫ ફૂટ ઊંચી વિરાટ શિવમૂર્તિ છે. ધ્યાનસ્થ મુદ્રામાં આવેલી આ વિશાળ પ્રતિમા દૂરથી જ નજરે પડે છે અને મંદિર પરિસરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે ફોટોગ્રાફી તથા આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ સાથે દારુકાવનની પૌરાણિક કથા પણ જોડાયેલી છે. ધાર્મિક માન્યતા મુજબ શિવભક્ત સુપ્રિયની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ જ્યોતિસ્વરૂપે પ્રગટ થયા હતા. આ પૌરાણિક માન્યતાને કારણે નાગેશ્વર ધામનું ધાર્મિક મહત્ત્વ વધુ વિશેષ બન્યું છે.

મંદિરના ગર્ભગૃહમાં જ્યોતિર્લિંગ પર અભિષેક કરવાની પરંપરા છે. ભક્તો ગંગાજળથી અભિષેક કરી ભગવાન શિવની આરાધના કરે છે. ગર્ભગૃહમાં શિવ-પાર્વતીના નાગ-નાગણ સ્વરૂપની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. મંદિરની અંદર કરવામાં આવેલું ભવ્ય ક્રિસ્ટલ વર્ક અને સુવર્ણવર્ણી સજાવટ પણ ભક્તોને આકર્ષે છે.
​​​​​​​
શ્રાવણ દરમિયાન નાગેશ્વર ઉપરાંત ગોપી તળાવ, ગોપીનાથજી મંદિર, વલ્લભાચાર્યજીની બેઠક, રાધા-કૃષ્ણ મંદિર સહિત આસપાસના ધાર્મિક સ્થળોએ પણ ભાવિકોની અવરજવર વધી છે. આમ, જ્યોતિર્લિંગના દર્શન, ભવ્ય શિવમૂર્તિ અને આસપાસના ધાર્મિક સ્થળોના કારણે નાગેશ્વર ધામમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application