ખંભાળિયા: સલાયાથી વિદેશ મોકલવાની કરોડોની ગેરકાયદેસર કેપ્સ્યુલ્સ કૌભાંડમાં આરોપીઓની જામીન અરજી રદ

  • October 31, 2026 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: સલાયાથી વિદેશ મોકલવાની કરોડોની ગેરકાયદેસર કેપ્સ્યુલ્સ કૌભાંડમાં આરોપીઓની જામીન અરજી રદ

ખંભાળિયા તાલુકાના સલાયા બંદરેથી દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે યમન દેશમાં કરોડો રૂપિયાની કિંમતનો નશાકારક દવા પ્રેગાબાલિન કેપ્સ્યુલ્સનો મોટો જથ્થો સગેવગે કરવાના ગુનાહિત ષડયંત્રના બહુચર્ચિત કેસમાં કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી ૨૦૨૬ માસ માં નશાકારક અને સંવેદનશીલ એવી પ્રેગાબાલિન દવાને નિયંત્રણ હેઠળ મૂકવા બાબતે ડ્રાફ્ટ ગેઝેટ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપીઓએ ગુનાહિત ષડયંત્ર રચીને વિવિધ પ્રકારની આર.એક્સ. પ્રેગાબાલિન દવાનો જથ્થો વિવિધ કંપનીઓ પાસેથી મેળવી લીધો હતો. આ જથ્થાને ભારતના સલાયા બંદરેથી દરિયાઈ માર્ગે યમન ખાતે ગેરકાયદેસર રીતે રવાના કરવાનો કારસો ઘડાયો હતો. આ માટે ખરીદ કરનાર તરીકે ’વી પ્રોટેક્ટ’ અને શીપ ટુ (માલ મોકલનાર) તરીકે ડ્રગ લાયસન્સ ન ધરાવતા રાજદેવસિંહ ભોજુભા સોઢાના નામે ખોટા/બનાવટી બિલ બનાવવામાં આવ્યા હતા. બિલમાં દર્શાવેલ ૬,૦૦,૦૦૦ કેપ્સ્યુલના બદલે બિલ કરતાં વધુ ૪૧ બોક્સ તથા ૫ કાપડના પાર્સલમાં કુલ રૂ. ૮૦,૭૭,૮૬૧ ની કિંમતની ૯,૫૦,૪૯૦ કેપ્સ્યુલનો જથ્થો ભરીને છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. જેમાં સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી કોલકાતાના રિપોર્ટમાં પણ દવાના સેમ્પલ નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી (ગુણવત્તા વગરના/બનાવટી) જાહેર થયા હતા. જે સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકમાં બીએનએસ તેમજ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ-૧૯૪૦ કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

આ પ્રકરણમાં ખંભાળિયા પોલીસે આ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપીઓ સામે ત્વરિત લુક આઉટ સર્ક્યુલર (એલ.ઓ.સી.) જારી કરાવ્યા હતા. આ ગુનામાં પોલીસે ઇ-વે બિલ, ટ્રાન્સપોર્ટરના નિવેદનો, બેંક ખાતાઓ, વ્હોટ્સએપ ચેટ અને ઇલેક્ટ્રોનિક પુરાવા એકત્ર કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.

સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા આ ગુના સંદર્ભે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરી હતી, ત્યારબાદ તમામ દલીલો ઘ્યાને લઇ  બીજા એડિશનલ સેશન્સ જજ  એસ. જી. મનસુરીએ સરકારી વકીલ લાખાભાઈ ચાવડાની દલીલો, તપાસ અધિકારીનું સોગંદનામું અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપી વિલાસ ભારગુડેની રેગ્યુલર જામીન અરજી તેમજ વિદેશ ફરાર મુખ્ય સૂત્રધાર અબ્દુલ મોહીન અબ્દુલ રહમાન અને કંપની ડિરેક્ટર મોહમદ અઝરૂદ્દીન મોમીનની આગોતરા જામીન અરજીઓ નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application