જામનગર: ગોરખડી ગામે દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબી ત્રાટકી : બે ઝબ્બે
દેશી દારૂ અને ૫,૭૨૫ લિટર આથા સહિત ૨.૫૭ લાખનો મુદામાલ કબ્જે: એક ફરાર
જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત જામનગર એલ.સી.બી.ને મહત્વની સફળતા મળી છે.
એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા તથા સ્ટાફના માણસો શેઠવડાળા અને જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એલ.સી.બી. સ્ટાફના રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર અને હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે જામજોધપુર તાલુકાના ગોરખડી ગામની સીમમાં ફુલઝર નદીના કાંઠે આવેલી વાડી વિસ્તારમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉપરોક્ત દરોડા દરમિયાન આરોપીઓના કબ્જામાંથી ૧૭૦ લિટર દેશી દારૂ કિંમત રૂ. ૩૪,૦૦૦, ૫,૭૨૫ લિટર દારૂ બનાવવાનો કાચો આથો કિંમત રૂ. ૧,૪૩,૧૨૫, દારૂ બનાવવાના સાધનો, ત્રણ મોબાઇલ ફોન તથા એક એક્ટિવા મોટર સાયકલ મળી કુલ રૂ. ૨,૫૭,૮૨૫નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ તલાવડીયાએ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબીની ટીમે બનાવના સ્થળેથી બે આરોપીઓ જીતેન્દ્રસિંહ ઉર્ફે બકો જયેન્દ્રસિંહ જાડેજા, રહે. ધ્રાફા ગામ, ગરબી ચોક, તા. જામજોધપુર તેમજ દેવાભાઈ પાલાભાઈ બાંભવા, રહે. ગોરખડી ગામ, તા. જામજોધપુરની અટકાયત કરી લીધી છે, જ્યારે કેસમાં સંડોવાયેલા મયુર કારાભાઈ શીર, રહે. ગોરખડી ગામ, હાલ ધ્રાફા, જામજોધપુરને ફરારી જાહેર કરી તેની શોધ ખોળ ચલાવાઇ રહી છે.