જામનગર જિલ્લાના સાગરકાંઠા વિસ્તારમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ

  • August 25, 2026 09:51 AM 

જામનગર જિલ્લાના સાગરકાંઠા વિસ્તારમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ

રોઝી બંદર, નવા-જૂના બેડી બંદર, માધાપર ભુંગા, જોડિયા ભુંગા સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ : માછીમારો સાથે સંવાદ કરી શંકાસ્પદ હિલચાલ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ

વેસ્ટ એશિયામાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે દેશની દરિયાઈ સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રોઝી બંદર, નવા-જૂના બેડી બંદર, માધાપર ભુંગા, જોડિયા ભુંગા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન કમાન્ડોની ટીમોએ પગપાળા પેટ્રોલિંગ કરી સઘન ચકાસણી હાથ ધરી હતી. દરિયાઈ માર્ગે ગેરકાયદેસર પ્રવૃત્તિ, ઘૂસણખોરી, હથિયારો કે નશીલા પદાર્થોની હેરાફેરી સહિતની કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને અટકાવવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્માના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા અને મરીન ટાસ્ક ફોર્સ, હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના નેતૃત્વ હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.પી. પારેખના માર્ગદર્શન હેઠળ આ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.

મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ધરમવીર આર. યાદવ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જી.એમ. બોપલિયા સહિત મરીન કમાન્ડોની ટીમોએ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠા નજીકની શંકાસ્પદ હિલચાલ, અજાણી વ્યક્તિઓ, બોટો તેમજ અન્ય પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી.

આ ઉપરાંત ફિશ લેન્ડિંગ પોઇન્ટ, માછીમારી કેન્દ્રો, જેટીઓ, ઔદ્યોગિક સ્થાપનો તથા અવાવરું અને નિર્જન વિસ્તારોમાં પણ સઘન તપાસ કરવામાં આવી હતી. મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમોને ચોક્કસ વિસ્તારોની જવાબદારી સોંપી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી હતી.

પેટ્રોલિંગ દરમિયાન વિવિધ માછીમારી વસાહતો અને ફિશિંગ સેન્ટરોની મુલાકાત લઈ માછીમારો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. દરિયામાં કે દરિયાકાંઠે કોઈ અજાણી બોટ, અજાણી વ્યક્તિ અથવા શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માછીમારોને અપીલ કરવામાં આવી હતી.

જામનગરનો દરિયાકાંઠો બંદરો, જેટીઓ, ઔદ્યોગિક એકમો તથા અન્ય વ્યૂહાત્મક મહત્વ ધરાવતાં સ્થળોને કારણે સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાય છે. આથી સુરક્ષા એજન્સીઓ દ્વારા નિયમિત પેટ્રોલિંગ ઉપરાંત આવા વિશેષ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યાં છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ અને દેખરેખ યથાવત્ રાખવામાં આવશે. સ્થાનિક માછીમારો અને લોકોના સહયોગથી દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે.

જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોના મેગા પેટ્રોલિંગથી સુરક્ષા તંત્રની સતર્કતા સ્પષ્ટ થઈ છે અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવામાં આવે તેવો સંદેશ પણ આ કાર્યવાહીથી મળ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application