જામનગરમાં શ્રાવણી લોકમેળાના ૩૫ પ્લોટના ઓફલાઇન ૮૮ ટેન્ડર આજે ખુલશે
મશીન મનોરંજનના આઠ મોટા પ્લોટના ઓનલાઇન ટેન્ડર કાલે સવારે ઓપન થશે
પ્રદર્શન મેદાનમાં ૧૧ દીવસના મેળા માટે કયાં ધંધાર્થીના ટેન્ડર મંજૂર થશે તેના પર મીટ
જામનગરમાં શ્રાવણી લોકમેળાના ૩૫ પ્લોટના ઓફલાઇન ૮૮ ટેન્ડર આજે ખુલશેે. મશીન મનોરંજનના આઠ મોટા પ્લોટના ઓનલાઇન ટેન્ડર કાલે સવારે ઓપન થશે. પ્રદર્શન મેદાનમાં ૧૧ દીવસના મેળા માટે કયાં ધંધાર્થીઓના ટેન્ડર મંજૂર થશે તેના પર સૌની મીટ મંડાઇ છે. શ્રાવણી મેળાના ટેન્ડરમાંથી મનપાને કેટલી આવક થશે તે પણ જોવાનું રહ્યું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરમાં મહાનગરપાલીકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં ૧૧ દીવસ શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં નાના-મોટા ૪૩ પ્લોટ માટે મહાનગરપાલીકા દ્વારા ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૫ પ્લોટસ માટે ઓફલાઇન અને ૮ મોટા પ્લોટ માટે ઓનલાઇન ટેન્ડર મંગાવામાં આવ્યા હતાં. ટેન્ડર પ્રકીયા દરમ્યાન કુલ ૧૫૦ થી વધુ ફોર્મ ઉપડયા હતાં. ૩૫ પ્લોટ માટે કુલ ૮૮ ઓફલાઇન ટેન્ડર ભરાયા છે. આ ટેન્ડર આજે સવારે ખુલશે. જયારે ૮ પ્લોટ માટે ભરાયેલા ઓનલાઇન ટેન્ડર શુક્રવારે સવારે ખુલશે.
શ્રાવણી લોકમેળામાં રમકડા, ચીલ્ડ્રન રાઇડસ, પોપર્કોન, હાથચકરડી, ખાણીપીણીના જુદા-જુદા ૩૫ પ્લોટસ માટે ગત તા.૧ ઓગષ્ટથી ટેન્ડર ફોર્મનું વિતરણ કરાયું હતું. જેમાં નિયત સમયમર્યાદામાં ૧૫૦ થી વધુ ફોર્મ ધંધાર્થીઓએ ઉ૫ાડયા હતાં. આજે ૩૫ પ્લોટના ઓફલાઇન ટેન્ડર ખુલતા કયાં ધંધાર્થીઓને ટેન્ડર મંજૂર થશે તેના પર સૌની મીટ મંડાઇ છે. અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે લોકમેળામાં ટેન્ડરની રકમ પાછળથી થર્ડ પાર્ટી દ્વારા ભરવામાં આવ્યાનો આક્ષેપ વિપક્ષના સભ્યોએ આધારપુરાવા સાથે આ મુદે ભારે વિવાદ થયો હતો. આટલું જ નહીં આ મુદે મનપાના બે કર્મચારીઓને નોટીસ ફટકારી ખુલાસો પણ પુછવામાં આવ્યો હતો. ત્યારબાદ આ પ્રકરણનું શું થયું ભીનું સંકેલાયું કે કેમ તે પણ એક અણઉકેલ કોયડા સમાન હોય હજુ પણ તપાસનો વિષય છે. ત્યારે ચાલુ વર્ષે કોઇ વિવાદ ન થાય તે માટેના પ્રયાસો મનપા દ્વારા કરવામાં આવ્યા છે.