જામનગર જિલ્લામાં ૦૫ થી ૨૧ જૂન દરમિયાન ‘પ્રગતિ પથ યાત્રા’, ‘જન કલ્યાણ શિબિર’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાશે
વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ અને પ્રાકૃતિક ખેતી કાર્યશાળા સાથે જન કલ્યાણ શિબિરોમાં વિવિધ પ્રકારની સેવાઓનો સ્થળ પર જ મળશે લાભ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે આગામી તારીખ ૦૫ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન જામનગર જિલ્લામાં વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.આ રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે જિલ્લામાં યોજાનારા વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર દ્વારા વિવિધ આયોજનો અંગે સંબંધિત વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કલેક્ટરએ તમામ સરકારી વિભાગોને પરસ્પર મજબૂત સંકલન સાધીને આ કાર્યક્રમોને સાચા અર્થમાં સફળ, પરિણામલક્ષી અને લોકાભિમુખ બનાવવા માટે આદેશો આપ્યા હતા.
આ ઉજવણી અન્વયે જામનગર જિલ્લામાં મુખ્ય ત્રણ સ્તરે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં ‘પ્રગતિ પથ યાત્રા’ના માધ્યમથી સરકાર દ્વારા જિલ્લામાં નિર્માણ પામેલ વિવિધ ઐતિહાસિક સ્થળો, પ્રવાસન સ્થળો તેમજ પર્યટન સ્થળોની જિલ્લાના મહાનુભાવો તથા નાગરિકો મુલાકાત લેશે તેમજ તમામને આ સ્થળોથી વિગતવાર માહિતગાર કરાશે.
જ્યારે ‘જન કલ્યાણ શિબિર’ થકી મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ વોર્ડ ખાતે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લા પંચાયત સીટ વાર અંત્યોદય અને વંચિત પરિવારોને શોધીને તેમને લોકહિતની વિવિધ યોજનાઓથી સીધા લાભાન્વિત કરવામાં આવશે.આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની ૧૫ તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો ઘર આંગણે જ લાભ અપાશે.
અને ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત રાષ્ટ્રના નવનિર્માણ અને વિકાસમાં પ્રબુદ્ધ નાગરિકોના વૈચારિક યોગદાન અંગે વિવિધ ક્ષેત્રના તજજ્ઞો, નિષ્ણાતો, પ્રતિષ્ઠિત લોકો, પદ્મશ્રી એવોર્ડ વિજેતા તેમજ અન્ય સન્માનનીય લોકો સહિતના અગ્રણીઓ સાથે સકારાત્મક સંવાદ સ્થાપિત કરાશે.
આ કાર્યક્રમોના ભાગરૂપે સમગ્ર જામનગર જિલ્લાભરમાં વ્યાપક સ્તરે વૃક્ષારોપણ પ્રવૃત્તિ, સઘન સ્વચ્છતા ઝુંબેશ અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને પ્રોત્સાહિત કરતી વિશેષ કાર્યશાળાઓનું પણ આયોજન હાથ ધરાશે. વિશેષરૂપે, યોજાનારી ‘જન કલ્યાણ શિબિર’ અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની મહત્વની કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ જનતાની વહીવટી સરળતા માટે આ શિબિરો દરમિયાન જ ‘સેવાસેતુ’ કાર્યક્રમ અંતર્ગત મળવાપાત્ર પ૬ પ્રકારની વિવિધ સરકારી સેવાઓ, પ્રમાણપત્રો અને દાખલાઓનો લાભ અરજદારોને કોઈ પણ જાતની વિલંબ વગર સ્થળ પર જ પ્રદાન કરવામાં આવશે.
આ સેવા ઉત્સવને સાચા અર્થમાં જનભાગીદારીથી લોકઉત્સવ બનાવવા માટે જિલ્લાના તમામ પદાધિકારીઓ, વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત અને અગ્રણી નાગરિકો, પૂજ્ય સંતો-મહંતો, સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ, મહિલા મંડળો, યુવાઓ તથા વિશાળ સંખ્યામાં આમ જનતાને આ ભગીરથ કાર્યક્રમોમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.
આ આયોજન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર એસ.એમ.કાથડ, જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત તમામ રેખાંકિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.