દ્વારકા: સૂરજકરાડીમાં દુર્લભ પેગોલિન દેખાતા કુતૂહલ: વનવિભાગે રેસ્ક્યુ કર્યું

  • August 24, 2026 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: સૂરજકરાડીમાં દુર્લભ પેગોલિન દેખાતા કુતૂહલ: વનવિભાગે રેસ્ક્યુ કર્યું

ઓખા નગરપાલિકા ના સૂરજકરાડી શહેરી વિસ્તારમાં દુર્લભ વન્યજીવ પેગોલિન જોવા મળતાં સ્થાનિકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. રસ્તા નજીક આવેલા એક મકાનના પરિસરમાં આ પ્રાણી દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી.

માહિતી મળતાં વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સાવચેતીપૂર્વક પેગોલિનનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે વનવિભાગના સંરક્ષણ કેન્દ્રમાં ખસેડ્યું હતું. પેગોલિન જોવા મળ્યાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.

પેગોલિનનું શરીર કઠોર ભીંગડાંથી ઢંકાયેલું હોય છે અને તેનો મુખ્ય ખોરાક કીડીઓ તથા ઉધઈ છે. ભયનો અહેસાસ થતાં તે પોતાના શરીરને ગોળ વાળીને બોલ જેવો આકાર ધારણ કરી લે છે. તેના મજબૂત ભીંગડાં તેને શિકારી પ્રાણીઓથી રક્ષણ આપવામાં મદદરૂપ બને છે.

વનવિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ પેગોલિન ભારતના દુર્લભ અને સંરક્ષિત વન્યજીવો પૈકીનું એક છે. આ પ્રાણી ગેરકાયદેસર શિકાર અને વેપારના કારણે વિશ્વમાં જોખમનો સામનો કરી રહ્યું છે. ભારત ઉપરાંત એશિયા અને આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.

ઇન્ડિયન પેગોલિન હિમાલયના વિસ્તારોને બાદ કરતાં દેશના અનેક ભાગોમાં જોવા મળે છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ તેમજ ગુજરાતના કેટલાક વન અને દક્ષિણ વિસ્તારોમાં તેનું અસ્તિત્વ નોંધાયું છે. શુષ્ક જંગલો, ઘાસના મેદાનો, પહાડી પ્રદેશો તેમજ જમીનની અંદર બનાવેલા દરમાં રહેવાનું તે પસંદ કરે છે.

પેગોલિનની સૌથી વિશિષ્ટ ઓળખ તેના શરીર પર રહેલા કેરાટિનથી બનેલા મજબૂત ભીંગડાં છે. આ પ્રકારના ભીંગડાં ધરાવતું તે પૃથ્વી પરનું એકમાત્ર સસ્તન પ્રાણી છે. કીડીઓ અને ઉધઈ તેનો મુખ્ય ખોરાક હોવાથી તેને ઘણી વખત એન્ટઈટર તરીકે પણ ઓળખવામાં આવે છે.

સૂરજકરાડી જેવા શહેરી વિસ્તારમાં દુર્લભ પેગોલિનનું દેખાવું વન્યજીવપ્રેમીઓ માટે પણ આશ્ર્ચર્યનું કારણ બન્યું છે. જોકે, વનવિભાગ દ્વારા સમયસર રેસ્ક્યુ કામગીરી હાથ ધરાતા આ દુર્લભ જીવને સુરક્ષિત આશ્રય મળ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application