જામનગર  :  ગોસાબારા RDX લેન્ડીંગ પ્રકરણમાં સલીમ કુત્તા સહિત ૧૨ને સજા

  • May 04, 2026 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર  :  ગોસાબારા RDX લેન્ડીંગ પ્રકરણમાં સલીમ કુત્તા સહિત ૧૨ને સજા

ડોન દાઉદ ઇબ્રાહીમને સંડોવતા અતિ ચકચારી કેસમાં જામનગર સ્પે. કોર્ટનો ઐતિહાસીક ચુકાદો.


૧૦ આરોપીને પાંચ-પાંચ વર્ષ અને બે આરોપીને સાત-સાત વર્ષની સખત કેદ : ૧૯૯૩માં પોરબંદરના ગોસાબારા ખાતે આરડીએક્સનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો: જામનગરના સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે દાઉદ સહિતના ૪૬ અપરાધીઓ સામે નોંધાયો હતો ગુનો: ૧૧ આરોપીઓના મૃત્યુ થઇ ચૂકયા છે


૧૯૯૩ના પોરબંદરના ગોસાબારા આરડીએક્સ લેન્ડીન્ગના અતિ ચકચારી કેસમાં જામનગરની સ્પેશ્યલ કોર્ટે ઐતિહાસીક ચુકાદો આપીને ૧૨ આરોપીને દોષીત જાહેર કર્યા છે, જેમાં ૧૦ આરોપીને પાંચ-પાંચ વર્ષ અને બે આરોપીને સાત વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ ઉપરાંત છોટા શકીલ, ટાઇગર મેમણ સહિતના ૧૫ મોટા આરોપીઓને ભાગેડું જાહેર કરવામાં આવ્યા છે, જયારે કુલ ૪૬ આરોપીઓમાંથી ૧૧ આરોપીઓ મૃત્યુ પામ્યા છે, શહેરના સીટી બી ડીવીઝન ખાતે આ ચકચારી કેસનો ગુનો નોંધાયો હતો, આ આરડીએક્સનો મુંબઇમાં સીરીયલ બ્લાસ્ટ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ કેસ પછી જ મુખ્ય અપરાધીઓ ડોન દાઉદ ઇબ્રાહીમ સહિતના બધા પાકિસ્તાન ભાગી ગયા હતાં.


જામનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.રજી. નં. ૧૫૧/૯૩, ટાડા એકટ કલમ-૩, ૪, ૫, ઈ.પી.કો. કલમ-૧૨૦ બી, ૧૨૧, ૧૨૧ (ક), ૧૨૨, ૧૫૩, ૧૫૩ (ક) (ખ) (ગ), ૩૪, તથા આર્મ્સ એકટ કલમ ૨૫ (૧-એ), ૨૫ (૧એએ), ૨૫ (૧) (ક) (ગ) (છ), તથા એકસ્પલોઝીવ એકટ કલમ ૯બી, તથા એકસપ્લોઝીવ સબસ્ટન્સીઝ એકટ કલમ-૩, ૪, ૫, ૬, મુજબનો ગુનો ગઈ તા. ૧૫/૭/૯૩ ના રોજ જે તે વખતે શ્રી સરકાર તરફે શ્રી ડી.જી.વાઘેલા પોલીસ ઇન્સ્પેકટર એલ.આઈ.બી. જામનગરનાઓએ આરોપી (૧) દાઉદ ઈબ્રાહીમ (૨) મુસ્તુફા આમદ ઉમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનુ શેઠ (૩) મંમુમીયા પંજુમીયા (૪) ઓસમાણ ઉર્ફે ઉસ્માન ઉમર કોરેજા (૫) મામદ અલીમામદ ઉર્ફે મમદુ (૬) હાઉન આમદ સંઘાર વાઘેર (૭) મહમદ કાલીયો (૮) યુનુસ ઉર્ફે જુનુસ ઉર્ફે લોટો સ/ઓફ હસન મર રાઠોડ (૯) જુનુસ ચીકના (૧૦) અનવર ખાંભાનાઓ સહીતના અન્ય તપાસમાં નીકળે તે તમામ ઇસમો વિરૂધ્ધ ઉપર મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.


આ ફરીયાદ મુજબ ફરીયાદીને બાતમીદારોથી જાણવા મળેલ ૬ ડીસેમ્બર ૧૯૯૨ ના રોજ બાબરી ધ્વંસ પછી ભારતમાં સરકાર વિરૂધ્ધ કાવત્રુ કરી કોમી રમખાણોમાં ઉપયોગ કરવા તેમજ દેશમાં આંતક મચાવવાના હેતુથી ભારતમાં ગેરકાયદેસર હથીયારો તથા સ્ફોટક પદાર્થે ઘુસાડી અને અરાજકતા તથા ભાંગફોડ કરવા માટે દુબઈ સ્થિત દાઉદ ઈબ્રાહીમ, મુસ્તુફા આમદ ઉમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનુ શેઠ વિગેરેનાઓ સાથે મળી બીજા માણસોની સાથે વિસ્ફોટક પદાર્થો તથા હેન્ડ ગ્રેનેડ બોમ્બ તથા ઘાતક હથિયારનો જથ્થો ભારતમાં ઘુસાડવા માટે જામનગરના બેડી ગામમાં રહેતા હારૂન આદમ સંઘાર તથા કચ્છના સલાયા માંડવી ખાતે રહેતા ઓસમાણ ઉમર કારેજા અને મામદ અલીમામદ ઉર્ફે મમદ્ સાથે દરિયાઈ રસ્તે આ જથ્થો ભારતમાં ઘુસાડેલ જેની તપાસ દરમ્યાન હકીકત જણાયેલ કે,
સને-૧૯૯૩ માં શરૂઆતમાં સમયમાં ઓસમાણ ઉમર કારેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારૂન આદમ સંઘાર દુબઈમાં હતા ત્યારે તેના શેઠ મુસ્તુફા આમદ ઉમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનુ શેઠએ આ લોકોને બોલાવી તેની મદદમાં બીજા ચાર માણસો "સદા અલ બહાર" નામની આરોપી મુસ્તુફા મજનુની માલીકીની લોંચ લઈ કરાંચી તરફ જવા અને કરાંચી નજીક દરીયામાં જઈ સેટેલાઈટ ટેલીફોનથી કોન્ટેક કરવા સુચના આપેલી જે મુજબ ’સદા અલ બહાર’ લોંચ લઈને ઉપરોકત ઇસમો કરાંચી નજીક પહોંચેલા જેમાં ઓસમાણ ઉમર કારેજા માલમ એટલે કે કેપ્ટન હતો. આ લોંચમાં સંદેશા વ્યવહારના આધુનીક સાધનો ફીટ કરેલા હતા અને તેઓ પાકિસ્તાનના મરીન સીકયુરીટી એજ​​​​​​​ન્સીની બોટ તેઓ પાસે આવેલી આ બોટમાં ૧૫ થી ૨૦ માણસો હતા તે બોટમાંથી સ્ફોટક પદાર્થ, કાળો પાવડર, આર.ડી.એકસ., ૧૫૦ જેટલા હથીયારો તથા હેન્ડ ગ્રેનેડ તથા બોમ્બ તેમજ રાઈફલો હતી. જે મુદામાલ આ ’સદા અલ બહાર’ લોંચમાં ચડાવવામાં આવેલ અને ત્યારબાદ સેટેલાઈટ ટેલીફોન ઉપર મુસ્તુફા મજનુ શેઠ એ મધ દરીયામાં જવાની અને બીજા આદેશની રાહ જોવાની સુચના આપતા મધ દરીયે જ ૪૮ કલાક રોકાયેલ ત્યારબાદ મુસ્તુફા મજનુ શેઠની અન્ય બે લોંચ(બોટ) એક ’બીસ્મીલાહ’ જેનો કેપ્ટન જુનુસ ચીકનો રે. કરાંચી તથા બીજી લોંચ ’મારવાન’ જેનો કેપ્ટન અનવર સાંભા રે. કરાંચીવાળા હતા. તે બન્ને લોંચ ’સદા અલ બહાર’ પાસે આવતા મુસ્તુફા મજનુ શેઠે સુચના આપેલ કે હથીયારો, દારૂગોળો, તથા સ્ફોટક પદાર્થ, અને હેન્ડ ગ્રેનેડ, નો અડધો જથ્થો ’સદા અલ બહાર’ માંથી બીસ્મીલાહ’ લોંચમાં મુકી દેવાની સુચના આપતા આ લોંચમાં ચડાવવામાં આવેલ અને આ બંને લોંચો ભારતની દક્ષિણ તરફ સંભવિત મહારાષ્ટ્ર તરફ ગયેલ અને ત્યારબાદ આરોપી મુસ્તુફા મજનુ શેઠની સુચનાથી ઓસમાણ ઉમર કારેજા આ ’સદા અલ બહાર’ લોંચમાં અડધો જથ્થો સ્ફોટક પદાર્થનો તથા હથીયારો, દારૂગોળો વિગેરેનો હોય તે લોંચ પોરબંદર વેરાવળ દરીયા કિનારા નજીક પહોચ્યા બાદ વાયરલેસ સેટ ઉપર મહમદ કાસમ લાજપોરીયા તથા જુનુન્સ ઉર્ફે લોટો સ/ઓફ હસન રાઠોડવાળાનો સંપર્ક કરી અને રસ્તો કલીયર હોવાનો સંદેશો મળતા મધદરીયેથી ’સદા અલ બહાર’ લોંચ કિનારા નજીક લંગારેલ અને ત્યાં મહમદ કાલીયો, જુનુસ લોટો તથા મંમુમીયા પંજુમીયા તથા બીજા અન્ય માણસો હોડકામાં આ લોંચ પાસે આવેલા અને ગોસાબારાના પુલ નજીક હથીયારો તથા વીસ્ફોટક પદાર્થોનું લેન્ડીંગ કરેલું. આ લોંચમાંથી હથીયારો, સ્ફોટક પદાર્થનો જથ્થો હોડકામાં લઈ દરીયા કાંઠે આવી ટ્રક મારફતે આ જથ્થો સુરત, વલસાડ, ઉતર પ્રદેશ વિગેરે તરફ લઈ જવામાં આવેલ. ’સદા અલ બહાર’ જથ્થો ખાલી કરી દુબઈ જતી રહેલ હતી. ત્યાં ગયા બાદ ઉ૫રોકત બેડી (જામનગર) તથા માંડવી (સલાયા) ના કેપ્ટન તથા ખલાસીઓને મુસ્તુફા મજનુ શેઠે છુટા કરેલ અને વતનમાં દુબઈથી મોકલી આપેલા. તેમજ વતનમાં છુપાઈ જવાની સુચના કરેલી હતી. જે આરોપીઓ પકડાઈ જતા ઉપરોકત સ્ફોટક હકીકત બહાર આવતા આવેલ.


આ ગુનાની તપાસ સને-૧૯૯૩થી સને-૨૦૧૮ સુધી કરી આ ગુનામાં ઉતરોતર કડીઓ મળતા તપાસ દરમ્યાન અત્યાર સુધીમાં કુલ ૪૬ આરોપીઓને પકડવામાં આવેલા અને હાલ દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ, અનિશ ઈબ્રાહીમ સહિતના ૧૫ આરોપીઓ પાકિસ્તાન અને દુબઈ જેવા દેશોમાં ભાગી ગયેલ હોય પકડી ના શકાતા તેમને નાસતા ફરતા જાહેર કરેલ છે. જે તમામ આરોપીઓ વિરૂધ્ધ નામદાર કોર્ટે મારફતે ટાડા કલમ-૮(૩) (અ) હેઠળ ભાગેડુ જાહેર કરાયેલ છે.


આ ગુનાના કામે સને-૧૯૯૩ થી ૨૦૧૮ સુધી ચાલેલ તપાસ દરમ્યાન પોલીસ દ્વારા (૧) આરોપી અહેમદ ઈસ્માઈલ ઓલીયા પાસેથી હેન્ડ ગ્રેનેડ ૧૯, તથા એ.કે. સીરીઝ રાયફલના કાર્ટીઝ નંગ ૭૨૦, (૨) આરોપી અબ્દુલ હમીદ અબ્દુલ મજીદ શેખ ઉર્ફે હમીદ સોની પાસેથી એ.કે.સીરીઝ રાયફલ ૩, તથા તેના કાર્ટીઝ નં.૪૩૦, તથા મેગ્ઝીન ૧૦, (૩) આરોપી અબ્દુલ કલામ અબ્દુલ અઝીઝ અંસારીવાળા પાસેથી એ.કે. સીરીઝની રાયફલ નંગ-૨, તથા હેન્ડ ગ્રેનેડ ૨૪, તથા બોમ્બ નં.-૧, તથા કારતુસ નંગ ૧૭૭૧, તથા મેગ્ઝીન નંગ૩, (૪) આરોપી ઈફતખાર મહમદ યુનુસ અંસારી પાસેથી એ.કે. સીરીજની રાયફલ નંગ૧ તથા તેના કારતુસ નંગ-૯૦, એ.ક. ૪૭ ના ખાલી મેગ્ઝન નંગ-૩ (૫) આરીફ અબ્દુલ રહેમાન ઉર્ફે આરીફ મોટો પાસેથી મારૂતી વેન કાર નં. એમ.પી.૦૯ એચ. ૧૦૩૯ (૬) અલાબક્ષ અબ્દુલ કાદર ઉર્ફે લાલા શેખ પાસેથી ટ્રક નં. એમ.એમ.કે. ૧૦૫૧ (૭) લખમણ હરદાસ આહીર પાસેથી એમ્બેસેડર કાર નં. એમ.એમ.જી.૦૪૧૬ રાજકોટ પાસીંગની નં. જી.જે. ૩ સી ૯૭૪૩ (૮) મંમુમીયા પંજુમીયા સૈયદ પાસેથી એ.કે. સીરીજની રાયફલો, કારતુસ નંગ ૨૯૫ વિગેરે લાખો રૂપીયાનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ રીતે ૧૯૯૩ થી ૨૦૧૮ સુધી ચાલેલ તપાસમાં કેસ ચાલવા ઉપર આવતા સરકારે ખાસ હુકમ કરી સ્પેશિયલ પબ્લિક પ્રોસીકયુટર તરીકે રાજકોટના તુષાર ગોકાણીની નિમણૂંક કરેલ હતી અને કોરોનાનો સમય બાદ કરતા ૨૪ વર્ષ સુધી ચાલેલ તપાસવાળો કેસ ચાર વર્ષમાં ચલાવી પૂર્ણ કરતા આજરોજ અદાલતે ચુકાદો જાહેર કરેલ છે. 


સને-૧૯૯૪ થી સને-૨૦૧૮ સુધીમાં કુલ-૪૬ આરોપીઓ વિરૂધ્ધ અલગ-અલગ ચાર્જશીટો કરવામાં આવેલ જેમાંથી ૧૧ આરોપીઓ કેસ ચાલતા દરમ્યાન મરણગયેલ છે જયારે ૬ આરોપીઓને નામદાર સર્વોચ્ચ અદાલતના હુકમના આધારે ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે અને હાલ ૨૯ આરોપીઓ સામેનો કેસ જામનગરની સ્પેશ્યલ ડેઝીગ્નેટેડ અદાલતમાં ચાલેલ . સૌપ્રથમ સને-૧૯૯૬માં કુલ-૨૯ આરોપીઓ વિરૂધ્ધ તહોમતનામું ફરમાવવામાં આવેલ ત્યારબાદ તપાસ દરમ્યાન અન્ય આરોપીઓ પકડાતા તેના વિરૂધ્ધ પણ જે-તે સમયે ચાર્જશીટો કરવામાં આવેલ ત્યારબાદ સને-૨૦૧૯ માં કુલ૭ આરોપીઓ વિરૂધ્ધ તહોમતનામું ફરમાવવામાં આવેલ અને ત્યારબાદ કેસની ટ્રાયલ શરૂ કરેલ હતી.જે ટ્રાયલ દરમ્યાન પણ આરોપીઓ ધ્વાર વિવિધ મુદાઓ પર સર્વોચ્ચ અદાલતોમાં અરજીઓ કરી ટ્રાયલ વિલંબમાં નાંખવામાં આવેલ હતી.


બનાવ આશરે ૩૩ વર્ષ બાદ નોંધાયેલ પુરાવા દરમ્યાન જીવીત મળી આવેલ સાહેદો પૈકી પ્રોસીકયુશન ધ્વારા કુલ- ૬૩ સાહેદો તપાસવામાં આવેલ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સ્પેશ્યલ પી.પી. તથા તેમની લગીલ ટીમ દ્વારા કરવામાં આવેલ તથા પ્રયત્નો અને ચીવટપૂર્વકની મહેનતને કારણે પ્રોસીકયુશન ઘ્વારા તપાસવામાં આવેલ તમામ સાહેદોએ એક સુરમાં પ્રોસીકયુશનના કેસને સમર્થન આપેલ હતુ.


તમામ સાહેદોની જુબાની નોંધાયાબાદ તથા આરોપીઓના પુરાવો નોંધાયાબાદ અને પ્રોસીકયુશન તરફે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટર  તુષાર ગોકાણી દ્વારા વિસ્તૃત દલીલો તથા નામદાર સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદઓ રજુ કરવામાં આવેલ હતા તથા આરોપીઓ તરફે વિસ્તૃત દલીલો થયાબાદ જામનગરના મે.ડેઝીગ્નેટેડ જજ આર.પી.મોગેરા દ્વારા કેસનો ચુકાદો તા.૦૪/૦૫/૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ૧૦ આરોપીને ૫-૫ વર્ષ અને ૨ આરોપીને ૭-૭ વર્ષની સજાનો સમાવેશ થાય છે. 


ટાડા કેસના કામે સરકાર વતી કેસ ચલાવવા સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણીની નીમણુક કરવામાં આવેલ હતી જેના સહયોગમાં જામનગરના જીલ્લા સરકારી વિકલ જમનભાઈ ભંડેરી તેમજ રીપન ગોકાણી, ઉઝેર કુરેશી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મૃત્યુંજય જોષી, હિરલ નિમાવત તથા જયદેવસિંહ જાડેજાએ કેસ કાર્યવાહી કરેલ હતી.


પકડાયેલા આરોપીઓ :
ઓસ્માણ ઉસ્માન ઉમર કોરેજા રે. સલાયા, મામદ અલીમામદ મમદુ રે. સલાયા, હારૂન આમદ સંધાર (વાઘેર) રે. બેડી-માધાપર, લાલજી હરજી કાલીઓ બાલી રે. પોરબંદર (મરણ ગયેલ છે.), અમીર અલી સદરૂદીન ખોજા રે. મુંબઈ, અબ્દુલ રફીક વલીમામદ રે.મુંબઈ, દાઉદ સીદીક રે. મુંબઈ (અગાઉ ડીસ્ચાર્જ કરેલ છે.), ઇબ્રાહીમ જલારખાન રે.મુંબઈ (અગાઉ ડીસ્ચાર્જ કરેલ છે.), અલી અસગર સૈફુદીન રે. મુંબઈ (અગાઉ ડીસ્ચાર્જ કરેલ છે.), યુસુફ ઇસ્માઇલ રે. પોરબંદર (મરણ ગયેલ છે.), ગુલામ ચીસ્તી સુલેમાન રે. મુંબઈ, ઇકબાલ અબ્દુલ હસન સૈયદ રે. મુંબઈ, મહમદ હનીફ ઉર્ફે રાજુ ઉર્ફે રોશન ઉર્ફે સાગર રે. મુંબઈ, અલાબક્ષ અબ્દુલ કાદર (મરણ ગયેલ છે.), એહમદ ઈસ્માઇલ ઓલીયા, મહમદ ઇકબાલ અબ્દુલગની મન્સુરી મુંબઈ, જાકુબ ઉર્ફે જાકબ બાવા પઢીયાર, સલીમ આઝમ લાલા રાંદેર, ઈસ્માઇલ સાલે બાફણ ભૂજ, સુજાતમિયા બચુમીયા સૈયદ માંગરોળ, ચુનીલાલ ઉર્ફે ચુનીયો દેવજી ખારવા પોરબંદર (મરણ ગયેલ છે.), ઉસ્માનગની ઉર્ફે મુન્ના અબ્દુલા સ/ઓ. નુરમામદ અબ્દુલા મરચન્ટ (મેમણ) (મરણ ગયેલ છે.), અબ્દુલ હમીદ અબ્દુલ મજીદ શેખ (મરણ ગયેલ છે.), આરીફ અબ્દુલ રહેમાન ઉર્ફે આરીફ લંબુ મેમણ, અબ્દુલ કલામ અબ્દુલ એજાજ અન્સારી (મરણ ગયેલ છે.), ઇફતેખાર મહમદ યુનુસ અન્સારી, ચંદ્રકાત ઉર્ફે ચંદુ ઉર્ફે સોહન ઈશ્વરલાલ આચર્ય (અગાઉ ડીસ્ચાર્જ કરેલ છે.), મહમદ અયુબ અબ્દુલ કયુમ ઉર્ફે અયુબ ટકલો, સલમાન ઇસ્માઈલખાન મન્સુરી, મહમદ આરીફ ઉર્ફે આરીફ મોટા સન ઓફ અબ્દુલ રહેમાન શેખ, મહમદ સફી, મહમદ યુસુફ સૈયદ ઉર્ફે સફી અરસી, આહેર લખમણ હરદાસ, આહેર મારખી પુજા, મહમદ સલીમ સન ઓફ મીરમહમદ ઉર્ફે મીરા મોહીદીન શેખ ઉર્ફે સલીમ કુતા, અબ્દુલ કયુમ નીઝામુદીન શેખ ઉર્ફે કયુમ સજની (મરણ ગયેલ છે.), મહમદ કાસમ લોજપરીયા ઉર્ફે ચાચા ઉર્ફે મીકેનીક ઉર્ફે કાલીયા, રામા ગીગા મેર રાતડી, પોરબંદર, ઉમરમીયા ઉર્ફે મમુમીયા પોરબંદર, ઈસ્માઈલ જુમ્મા ઢીમર (મરણ ગયેલ છે.), મુસ્તુફા મજનુ ઉર્ફે શેઠ (મરણ ગયેલ છે.), એઝાઝ ઉર્ફે જાકીર પઠાણ (મરણ ગયેલ છે.), ઈઝરૂલહક ઈઝુ શેખ (અગાઉ ડીસ્ચાર્જ કરેલ છે.), અમીર ગુલામહુશેન (અગાઉ ડીસ્ચાર્જ કરેલ છે.), ઇસ્તીયાક અહેમદ મહમદ યુનુસ અંસારી, જુસબમીયા ઉર્ફે દાદલીમીયા જ/ઘ ઈસ્માઇલમીયા ઉર્ફે પંજુમીયા સૈયદ, કદીર અહેમદ જ/ઘ અમીર અહેમદ શેખ ઉર્ફે કદર હાજી શેખ

સજા પામેલ આરોપી :
ઓસમાણ ઉર્ફે ઉસ્માન ઉમર કોરેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હા‚ન આદમ સંઘાર વાઘેર, અહેમદ ઇસ્માઇલ ઓલીયા, આરીફ અબ્દુલ રહેમાન ઉર્ફે આરીફ લંબુ લખાણી (મેમણ), ઇફતેખાર મહમદ યુનુસ અનસારી, મહમદ અયુબ અબ્દુલ કયુમ અનસારી ઉર્ફે અયુબ ટકલો, લખમણ હરદાસ આહીર વસરા, મહમદ સલીમ ઉર્ફે મહમદ ઉર્ફે સલીમ કુતા, ઉમરમિંયા ઉર્ફે મમુમિંયા ઈસ્માઈલ મિંયા ઉર્ફે પંજુમિંયા સૈયદ બુખારી, ઇસ્તીયાક અહેમદ મહમદ યુનીસ અન્સારી, કાદીર અહેમદ અમીમ અહેમદ શેખ

ભાગેડુ આરોપીઓ :
દાઉદ ઈબ્રાહીમ શેખ, મહમદ આમદ ઉમર ડોસા, યુનુસ ઉર્ફે જુનુસ ઉર્ફે લોટો ઉર્ફે ફારૂક હુસેન ઉમર રાઠોડ, ટોની કેરેલીયન, જુનુસ ચીકણા, અનવર સાંભા હાલ : કરાંચી-પાકિસ્તાન, ફિરોઝ અબ્દુલ રહેમાન મુંબઈ, અફઝલ દાઉદભાઈ મેમણ  મુંબઈ, ગફાર ઉર્ફે રાજા પુરુ નામ સરનામુ મળેલ નથી, હાજી એહમદ ઈબ્રાહીમ  મુંબઈ, ઇબ્રાહીમ અબ્દુલ રઝાક ઉર્ફે ટાઈગર મેમણ - મુંબઈ, અનીશ ઇબ્રાહીમ કાસકર - મુંબઈ, શેખ શકીલ મયુદીન ઉર્ફે છોટા શકીલ  મુંબઈ, અબ્દુલ સતાર અબ્દુલ રહીમ પંજા  મુંબઈ, અનીશ મહમદ ઉર્ફે અનીશ લંબુ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application