હાલારમાં વીજચોરીનું દૂષણ યથાવત, ૫ દી માં રૂ.૬.૨૩ કરોડની ગેરરીતિનો પર્દાફાશ

  • August 22, 2026 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારમાં વીજચોરીનું દૂષણ યથાવત, ૫ દી માં રૂ.૬.૨૩ કરોડની ગેરરીતિનો પર્દાફાશ

૭૨ ટુકડીઓએ ચેક કરેલા ૪૭૭૩માંથી ૭૮૪ વીજજોડાણમાં પાવરચોરી ખૂલી

વીજતંત્ર દ્વારા દંડનીય બીલો ફટકારાયા: કેટલા નાણાંની વસૂલાત થશે તે જોવાનું રહ્યું

હાલારમાં પાંચ દીવસમાં અધધ રૂ.૬.૨૩ કરોડની વીજ ગેરરીતિ ઝડપાતા બંને જિલ્લામાં વીજચોરીનું દુષણ હજુ પણ યથાવત હોવાનું ફલીત થયું છે. વીજતંત્રની ૭૨ ટુકડીઓએ ચેક કરેલા ૪૭૭૩માંથી ૭૮૪ વીજજોડાણમાં પાવરચોરી ખૂલતા વીજચોરી કરતા આસામીઓને દંડનીય બીલો ફટકારવામાં આવ્યા છે. પરંતુ હવે વીજકંપની દ્વારા ચોરી સબબ કરેલી આકારણી બાદ કેટલા નાણાંની વસૂલાત કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. 

જામનગર પીજીવીસીએલમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાનો સમાવેશ થાય છે. હાલારના બંને જિલ્લામાં બેફામ વીજચોરીના કારણે ટી એન્ડ ડી લોસ એટલે કે વીજલોસમાં સૌરાષ્ટ્રમાં અગ્ર ક્રમે છે. વીજકંપની દ્વારા છાશવારે ચેકીંગની મેગા ડ્રાઇવ કરી મસમોટી વીજચોરી પકડી પાડવામાં આવે છે. આમ છતાં વીજચોરીમાં ઘટાડો ન થતાં વીજતંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે તો વીજચોરીમાં આસામીઓની સાથે અન્ય કોની-કોની સંડોવણી અને કયું ચોકકસ નેટવર્ક કામ કરી રહ્યું છે તે ખરેખર તપાસનો વિષય બન્યો છે. હાલારમાં વીજચોરીના દૂષણને ડામવા વધુ એક વખત પીજીવીસીએલ દ્વારા મેગા ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તા.૧૭ થી ૨૧ ઓગષ્ટ એટલે કે પાંચ દીવસમાં વીજકંપનીની ૭૨ ટુકડીએ જામનગર, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ,ઓખામંડળ, ખંભાળિયામાં ચેકીંગ કર્યું હતું. આ દરમ્યાન કુલ ૪૭૭૩ વીજજોડાણ ચેક કરવામાં આવ્યા હતાં. જેમાંથી ૭૮૪ વીજજોડાણમાં વીજ ગેરરીતિ ઝડપાતા કુલ ૬૨૩ લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા છે. ચેકીંગ દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્તની સાથે કામગીરીનું વીડીયો રેકોર્ડીગ પણ કરવામાં આવ્યું હતું. આગામી દીવસોમાં પણ ચેકીંગની કાર્યવાહી ચાલુ રહેશેે તેમા વીજતંત્રના અધિકારીઓએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application