જામનગરમાં ચાલુ બસમાં બાળકને ખોળામાં બેસાડી ડ્રાઇવિંગ કરનાર એસ.ટી. ડ્રાઇવર સસ્પેન્ડ

  • August 22, 2026 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ચાલુ બસમાં બાળકને ખોળામાં બેસાડી ડ્રાઇવિંગ કરનાર એસ.ટી. ડ્રાઇવર સસ્પેન્ડ

જામનગર-હર્ષદ માતાજી રૂટની ફરજ દરમિયાન ગંભીર બેદરકારી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તંત્રની કાર્યવાહી

જામનગરમાં જાહેર માર્ગ પર એસ.ટી. બસ હંકારતી વખતે બાળકને ખોળામાં બેસાડી ડ્રાઇવિંગ કરવાના ગંભીર કિસ્સામાં જામનગર એસ.ટી. ડેપોના ડ્રાઇવર સામે તંત્રએ સસ્પેન્શનની કાર્યવાહી કરી છે. ચાલુ બસમાં બાળકને ખોળામાં બેસાડી ડ્રાઇવિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

મળતી વિગતો મુજબ, જામનગર એસ.ટી. ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા રાજેશ નાગદાનભાઈ મકવાણા (બેજ નં. ૧૩૧૩૧)ની તા. ૧૮ ઓગસ્ટના રોજ બપોરે ૧:૩૦ કલાકે જામનગર-હર્ષદ માતાજી રૂટ પર ફરજ નિયત કરવામાં આવી હતી. રૂટની ફરજ પૂર્ણ કરીને જામનગર જૂના બસ સ્ટેન્ડ ખાતે બસમાં ડીઝલ ભરાવી પરત ફરતી વખતે બસના ગેટ પાસે ડ્રાઇવર દ્વારા એક બાળકને ખોળામાં બેસાડી બસ ચલાવવામાં આવી હોવાનું જણાયું હતું.
​​​​​​​
એસ.ટી. બસ જેવી જાહેર પરિવહનની બસ ચલાવતી વખતે ડ્રાઇવર પર મુસાફરો ઉપરાંત અન્ય માર્ગ વપરાશકારોની સલામતી જાળવવાની પણ ગંભીર જવાબદારી હોય છે. તેમ છતાં બાળકને ખોળામાં બેસાડી બસ ચલાવવાની બેદરકારીને કારણે અકસ્માતની સંભાવના સાથે મુસાફરો તથા અન્ય રાહદારીઓ અને વાહનચાલકોની સલામતી સામે જોખમ ઊભું થયું હોવાનું સસ્પેન્શન હુકમમાં નોંધાયું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એસ.ટી. નિગમની કામગીરી અને શિસ્ત સામે પણ પ્રશ્નો ઊભા થયા હતા. સમગ્ર મામલાને ગંભીર ગણી જામનગર એસ.ટી. ડેપોના યોગ્ય સત્તાધિકારી અને ડેપો મેનેજર એ ડી.આર. મોરી દ્વારા તા. ૨૧ ઓગસ્ટના રોજ ડ્રાઇવર રાજેશ મકવાણાને તાત્કાલિક અસરથી બીજો હુકમ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

સસ્પેન્શન સમયગાળા દરમિયાન ડ્રાઇવર મકવાણાએ જામજોધપુર એસ.ટી. ડેપો ખાતે હાજર રહેવાનું રહેશે તથા ડેપો મેનેજરની પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર છોડી શકશે નહીં. ઉપરાંત, સર્વિસ રેગ્યુલેશનની જોગવાઈ મુજબ તેમને વેતનના ૫૦ ટકા જીવનનિર્વાહ ભથ્થું ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ બનાવે એસ.ટી. બસના ડ્રાઇવરોની ફરજ દરમિયાન સલામતીના નિયમોનું પાલન કેટલું જરૂરી છે તે ફરી એક વખત ઉજાગર કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application