ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું -પરિમલ નથવાણી
ગુજરાતમાં સંસ્કૃતના અધ્યયન અને અધ્યાપનની સમૃદ્ધ તથા ગૌરવશાળી પરંપરા છે. આજે પડકાર પરંપરાનું સંરક્ષણ કરવાનો તો છે જ, પરંતુ પરંપરાગત વિદ્વત્તાને આધુનિક શૈક્ષણિક તકો સાથે સાંકળીને સંસ્કૃત શિક્ષણનું સક્રિય, સુલભ, સુદ્ઢ અને સમકાલીન માળખું ઊભું કરવાનો પણ છે. આ દિશામાં શ્રી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સંસ્કૃતના પરંપરાગત શિક્ષણને પ્રોત્સાહન આપવા, સંસ્કૃત પાઠશાળાઓના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા અને શાળાના વિદ્યાર્થીઓમાં સંસ્કૃતના અભ્યાસ પ્રત્યે રસ જગાડવાના ઉદ્દેશથી વર્ષ ૧૯૪૬માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. પરિષદનો ઇતિહાસ દર્શાવે છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ કેવી રીતે શૈક્ષણિક આંદોલનના વિકાસમાં મૂલ્યવાન યોગદાન આપી શકે છે.
પરિષદે સંસ્કૃતની ક્રમબદ્ધ પરીક્ષાઓની વ્યવસ્થા વિકસાવી, જેના પરિણામે વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણની સાથે સંસ્કૃતનો સુવ્યવસ્થિત અભ્યાસ કરવાની તક મળી. પરિષદનું પરીક્ષા-માળખું શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને સાંકળતું હતું. આ રીતે પરંપરાગત સંસ્કૃત શિક્ષણ અને આધુનિક શિક્ષણપ્રણાલી વચ્ચે સેતુ રચવામાં મદદ મળી. પરિષદે વ્યાખ્યાનો, પરિસંવાદો, વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાઓ, વૈદિક તથા ભગવદ્ ગીતાના પઠન, સંસ્કૃત નાટકો, વાર્તાકથન, શ્ર્લોકગાન અને અન્ય પ્રવૃત્તિઓનું પણ આયોજન કર્યું હતું. આની પાછળ સમજ સ્પષ્ટ હતી કે સંસ્કૃત માત્ર પાઠ્યપુસ્તકો કે પરીક્ષાઓ પૂરતી મર્યાદિત ભાષા ન બનવી જોઈએ; તેનો અનુભવ અભિવ્યક્તિ, સાહિત્ય, દર્શન અને સાંસ્કૃતિક સર્જનાત્મકતાની જીવંત ભાષા તરીકે થવો જોઈએ.
પરિષદનું ઐતિહાસિક મહત્ત્વ ગુજરાત સરકારનો ૧૯ ઑક્ટોબર, ૧૯૮૫નો એક ઠરાવ છે, જેમાં પરિષદ્દની કેટલીક નિર્ધારિત લાયકાતોને આધુનિક શિક્ષણની ચોક્કસ લાયકાતોની સમકક્ષ માન્યતા આપવામાં આવી હતી. તેમાં પ્રથમાને એસ.એસ.સી., મધ્યમાને એચ.એસ.સી., શાસ્ત્રીને સ્નાતક, આચાર્યને અનુસ્નાતક અને શિક્ષાશાસ્ત્રીને બી.એડ.ની સમકક્ષ ગણવાનો સમાવેશ થતો હતો. જો કે, અમુક કારણોસર આ સમકક્ષતાઓની માન્યતા પરત લેવાઇ હતી તે અલગ બાબત છે.
ટૂંકમાં, સરકાર તરફથી યોગ્ય પીઠબળ અને પ્રોત્સાહન મળે તો રાજ્યમાં સંસ્કૃત શિક્ષણને મજબૂત બનાવવામાં ચમત્કારિક પરિણામો લાવી શકાય. હાલમાં, પરિષદ્દની મુખ્ય જરૂરિયાત એ છે કે ગુજરાત સરકાર રાજ્યની શાળાઓને પરિષદ્ દ્વારા સંચાલિત પરીક્ષાઓમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓને બેસવા માટે પ્રોત્સાહિત કરવા નિર્દેશ આપે. પરિષદ્દની સ્થાપના થઈ ત્યારથી ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણ નોંધપાત્ર રીતે વિકસ્યું છે.
આજે રાજ્યમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વિવિધ યુનિવર્સિટીઓમાં સંસ્કૃત વિભાગો, પરંપરાગત પાઠશાળાઓ અને ગુરુકુળો તથા શિક્ષણ અને સંશોધન સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓ કાર્યરત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી), ૨૦૨૦ પણ સંસ્કૃત સહિત ભારતીય ભાષાઓને મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ નીતિગત માળખું પૂરું પાડે છે.
આ તમામ વિકાસક્રમો શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્કૃતમાં રસ ધરાવતા અન્ય અભ્યાસુઓ માટે સંસ્કૃત શિક્ષણને વધુ સુલભ બનાવવાની તક પૂરી પાડે છે. એક સમયે ગુજરાતના સંસ્કૃત શિક્ષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદ્દને પુનજીર્વિત કરવાની અને રાજ્યના વર્તમાન શૈક્ષણિક માળખા સાથે વધુ નિકટતાથી સાંકળવાની જરૂર છે. પરિષદ્ હજુ પણ પોતાની રીતે વિદ્યાર્થીઓમાં આ ભારતીય શાસ્ત્રીય જ્ઞાનના ભંડારસમી સંસ્કૃત ભાષા પ્રત્યે રસ જગાડવાની પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. બોલચાલની સંસ્કૃત, વાર્તાકથન, નાટક, સંગીત, પઠન અને સંસ્કૃત ગરબા જેવી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને વધુ રસપ્રદ, સહભાગી અને જીવંત બનાવી શકાય છે. ડિજિટલ માધ્યમો પણ નવી તકો પૂરી પાડે છે. શૈક્ષણિક સામગ્રી, પ્રકાશનો અને ઐતિહાસિક દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરવાની સાથે ઑનલાઇન અભ્યાસક્રમો અને પરીક્ષા સુવિધાઓ વિકસાવવામાં આવે તો પરિષદ્દની પહોંચ તેના વર્તમાન નેટવર્કની બહાર પણ વિસ્તરી શકે છે.
રાજ્ય સરકાર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય પરિષદ્દને સંસ્કૃત શિક્ષણ માટેની યોગ્ય યોજનાઓનો લાભ મેળવવા માટેની તેની પાત્રતા અંગે પણ વિચારણા કરી શકે છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને અન્ય માન્યતાપ્રાપ્ત સંસ્થાઓ સાથે શૈક્ષણિક સહયોગ દ્વારા અભ્યાસક્રમના વિકાસ, શિક્ષક તાલીમ અને મૂલ્યાંકનના ધોરણોને મજબૂત બનાવી શકાય અને સાથે સાથે પરિષદ્દનું સ્વૈચ્છિક સંસ્થાનું સ્વરૂપ પણ જાળવી શકાય છે.
મૂળ પ્રશ્ન એ છે કે ગુજરાત પોતાની જ્ઞાનપરંપરાને ભવિષ્યમાં કેટલી અસરકારક રીતે આગળ લઈ જવા માગે છે. બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદ્ રાજ્યના સંસ્કૃત બોર્ડ, યુનિવર્સિટીઓ, શાળાઓ અને પરંપરાગત સંસ્થાઓ સાથે મળીને વારસા અને આધુનિક શિક્ષણ વચ્ચે ફરી એક વાર મૂલ્યવાન સેતુ બની શકે છે. ગુજરાત પાસે જરૂરી સંસ્થાઓ છે, સમૃદ્ધ બૌદ્ધિક પરંપરા છે અને અનુકૂળ નીતિગત તક પણ છે. હવે જરૂર છે એક સંકલિત પ્રયાસની, જે આ શક્તિઓને સંસ્કૃત શિક્ષણના ટકાઉ, સર્વસમાવેશક અને ભવિષ્યલક્ષી માળખામાં પરિવર્તિત કરી શકે.
(રાજ્ય સભા સાંસદ શ્રી પરિમલ નથવાણી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદ્દના કુલપતિ છે તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ડાયરેક્ટર, કોર્પોરેટ અફેર્સ છે.)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં રંગત જામી
October 17, 2026 05:39 PMજામનગરમાં દુષ્કર્મના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ
October 17, 2026 04:43 PMજામનગર: ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭માં 'સરદાર પટેલ હાઉસ' વિજેતા
October 17, 2026 03:43 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
