જામનગરથી ગુમ થયેલી બે સગીરા મુંબઈથી હેમખેમ મળી આવી
મામા-ફઈની દિકરીઓને લઈને પરિવારજનોએ પોલીસ ફરિયાદ કર્યા બાદ પરત ફરતા રાહતની લાગણી
જામનગર શહેર વિસ્તારમાંથી લાપતા બનેલી બે સગીરાઓ આખરે હેમખેમ પોતાના ઘેર પરત ફરતાં પરિવારજનો તેમજ પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સમગ્ર મામલે સીટી સી ડિવિઝન પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને સીસીટીવી કેમેરાના આધારે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ શંકર ટેકરી વિસ્તારમાં રહેતી મામા અને ફઈની બે સગીર દિકરીઓ તા. ૨૪ મેના રોજ બપોરના સમયે અચાનક ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનોએ આસપાસ શોધખોળ હાથ ધરી હોવા છતાં કોઈ પત્તો ન મળતા અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની શંકા સાથે સીટી સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના સીસીટીવી કેમેરા ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને સગીરાઓ સૌપ્રથમ સાત રસ્તા વિસ્તાર પાસે પહોંચી ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસીને રાજકોટ ગઈ હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ રાજકોટ રેલવે સ્ટેશન પરથી બંનેએ ટ્રેન મારફતે મુંબઈ માટે ટિકિટ લઈ મુસાફરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈ પહોંચ્યા બાદ બંને સગીરાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા અને બાદમાં ફરી રેલવે સ્ટેશન પહોંચી રાજકોટ આવતી ટ્રેનમાં બેસી ગયા હતા. રાજકોટ પહોંચ્યા બાદ ખાનગી બસ મારફતે બંને સગીરાઓ ફરી જામનગર પરત આવી ગઈ હતી.
આ દરમિયાન પોલીસ દ્વારા રાજકોટ સુધી પહોંચી સીસીટીવી તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ રેલવે પોલીસ અને મુંબઈ પોલીસ સાથે પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો. પરિવારજનો પાસેથી બંને સગીરાઓના ફોટા મેળવી અલગ અલગ એજન્સીઓને મોકલવામાં આવ્યા હતા.
આખરે બંને સગીરાઓ હેમખેમ ઘરે પરત ફરતાં પરિવારજનો તેમજ પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન બંને સગીરાઓ માત્ર ફરવા જવાના ઇરાદાથી જામનગરથી રાજકોટ અને ત્યાંથી મુંબઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. બંને સગીરાઓ પાસે મોબાઈલ ફોન કે અન્ય કોઈ સાધન ન હોવાથી તેમને શોધવામાં પોલીસને ભારે કવાયત કરવી પડી હતી. સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા બંને સગીરાઓના નિવેદનો નોંધવાની તેમજ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.