દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરની સરકારી હોસ્પિટલનું એકસ-રે મશીન લાંબા સમયથી બંધ: દર્દીઓ હેરાન-પરેશાન

  • August 12, 2026 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરની સરકારી હોસ્પિટલનું એકસ-રે મશીન લાંબા સમયથી બંધ: દર્દીઓ હેરાન-પરેશાન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાના અને પછાત તાલુકા કલ્યાણપુરની સરકારી હોસ્પિટલમાં એકસ-રે મશીન લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. સરકારી હોસ્પિટલમાં જરૂરી તપાસની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગરીબ દર્દીઓને ખાનગી લેબોરેટરીનો આશરો લેવો પડી રહ્યો છે.

કલ્યાણપુર તાલુકા મથક સહિત આસપાસના ૬૦ થી વધુ ગામોના શ્રમિકો, નાના ખેડૂતો અને માલધારીઓ માટે સરકારી હોસ્પિટલ મુખ્ય આરોગ્ય આધાર છે. પરંતુ એકસ-રેની સુવિધા બંધ હોવાથી સામાન્ય તપાસ માટે પણ દર્દીઓએ ખાનગી કેન્દ્રોમાં રૂપિયા ખર્ચવા પડે છે. આ વધારાનો ખર્ચ આર્થિક રીતે નબળા પરિવારો માટે મુશ્કેલીરૂપ બની રહ્યો છે.

અંતરિયાળ ગામોમાંથી આવતા દર્દીઓ માટે સમસ્યા વધુ ગંભીર બની છે. સ્થાનિક સ્તરે એકસ-રે ની સુવિધા ન મળતા કેટલાક દર્દીઓને ખંભાળિયા કે જામનગર સુધી જવું પડતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. વાહનવ્યવહાર અને મુસાફરીનો ખર્ચ ઉઠાવવો પણ ગરીબ પરિવારો માટે પડકારરૂપ બની રહ્યો છે.

સરકારી હોસ્પિટલમાં એકસ-રે મશીન ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ ન થઈ શકતો હોય તો જવાબદારી કોની? મશીનની જરૂરી મરામત શા માટે કરવામાં આવતી નથી અને જો મરામત શક્ય ન હોય તો નવું ડિજિટલ એકસ-રે મશીન ક્યારે ફાળવવામાં આવશે, તેવા સવાલો હવે સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે.

પછાત વિસ્તારના લોકોને પ્રાથમિક આરોગ્ય સુવિધા માટે પણ અન્ય શહેરોના ધક્કા ખાવા પડે તે સ્થિતિ દૂર કરવા આરોગ્ય વિભાગ અને જિલ્લા તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોની માંગ છે કે સરકારી હોસ્પિટલમાં એકસ-રેની સુવિધા વહેલી તકે કાર્યરત કરવામાં આવે અને દર્દીઓને ખાનગી ખર્ચ તથા લાંબી મુસાફરીમાંથી રાહત આપવામાં આવે.

સ્થાનિકો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સામાજિક સંગઠનો અને ગ્રામજનોને સાથે રાખીને સરકારી તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત તથા આંદોલન કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application