BREAKING NEWS

ગુજરાત યુનિ.ના ઈતિહાસમાં સૌથી મોટી કાર્યવાહી: પૂર્વ કુલપતિએ ભરતી કરેલા 10 અધિકારી-કર્મચારીઓ એકસાથે સસ્પેન્ડ

  • August 07, 2026 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી નિયમ વિરુદ્ધની નિમણૂકો અને ગેરરીતિઓ સામે યુનિવર્સિટી તંત્રે અત્યાર સુધીનું સૌથી કડક પગલું ભર્યું છે. ઈન્ચાર્જ કુલપતિ દ્વારા તપાસ કમિટી અને સિન્ડિકેટ સભ્યોની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક બાદ પૂર્વ કુલપતિ દ્વારા ખોટી રીતે નિમણૂક આપીને મનસ્વી રીતે પદ આપવા તેમજ નિયમોની વિરુદ્ધ જઈને ઊંચા પગાર ચૂકવવાના ગંભીર આક્ષેપો હેઠળ એકસાથે ૧૦ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમવાર આ પ્રકારે એકસાથે આટલી મોટી સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓને ઘરભેગા કરવામાં આવ્યા છે.

બીજી તરફ, પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના આ નિર્ણયો અને ગેરરીતિઓ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) પણ મેદાને આવ્યું છે. ABVP દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે પૂર્વ કુલપતિએ પોતાના શાસનકાળ દરમિયાન યુનિવર્સિટીના નાણાંની છૂટા હાથે લ્હાણી કરી હતી. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે વર્ષોથી ફરજ બજાવતા અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી દીધી હતી અને પોતાના માનીતા લોકોને કાયદા-નિયમો કોરાણે મૂકીને ગોઠવી દીધા હતા. આ કર્મચારીઓને નિયમોથી વિપરીત જઈને લાખો રૂપિયાના માસિક પગાર ચૂકવવામાં આવતા હતા. જેની સામે આજે ૭ ઓગસ્ટે મોટી સંખ્યામાં ABVPના કાર્યકરોએ ભેગા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કડક કાર્યવાહીની માંગ કરી હતી.

યુનિવર્સિટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારીઓ અને તેમના વિવાદિત પગારના આંકડા પણ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ ૧૦ લાખના માસિક પેકેજ પર રખાયેલા GUSEC ના CEO શ્રીનિવાસ રાઓ (રૂ. ૫ લાખ) અને જીયુસેકના જ બિશ્વજીત અધિકારી (રૂ. ૨.૫૦ લાખ), માનસિંગ રજોરા (રૂ. ૧.૨૫ લાખ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત એનિમેશન કોઓર્ડિનેટર પાવન પંડિત (રૂ. ૨.૫૦ લાખ), એસ્ટેટ ઓફિસર ચંદ્રશેખર ઝા (રૂ. ૧.૫૦ લાખ), ચીફ એકાઉન્ટ ઓફિસર દિનેશ શર્મા (રૂ. ૧.૨૫ લાખ), ફાયર ઓફિસર પરેશ સોની (રૂ. ૬૦ હજાર) અને લીગલ ઓફિસર તુષાર ત્રિવેદી (રૂ. ૪૦ હજાર)ને સસ્પેન્ડ કરાયા છે.

આ સિવાય પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ (POP) હેઠળ ભરતી કરવામાં આવેલા કોન્ટ્રાક્ટ આધારિત ઓફિસર ફેકલ્ટી પર પણ ગાજ પડી છે, જેમાં એક ફેકલ્ટી દીઠ માસિક રૂ. ૨.૨૫ લાખનો અધધ પગાર ચૂકવવામાં આવતો હતો. યુનિવર્સિટીના નાણાંનો આ રીતે કરાયેલા દુરુપયોગ સામે હવે આકરી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application