દેવભૂમિ દ્વારકા: હર ઘર તિરંગા અભિયાન તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણીના આયોજન સંદર્ભે કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા તા.૧૨ ઓગસ્ટના રોજ પ્રાંત કચેરી, ખંભાળિયા ખાતે યોજાશે
તમામ તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષાએ પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે
તા.૧૪ ઓગસ્ટના રોજ ખંભાળિયા નગરપાલિકા ટાઉનહોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાશે
જિલ્લા નાગરિકોને સેલ્ફી વિથ તિરંગા ડિજિટલ અભિયાન જોડાવા અનુરોધ કરતા કલેકટર રાજેશ તન્ના
સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં તેમજ પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની પ્રેરક ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.
પત્રકાર પરિષદમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાનાર કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી તા.૦૯થી ૧૭ ઑગસ્ટ દરમ્યાન સમગ્ર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા તથા કોન્સર્ટ તા.૧૨/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૦૮ કલાકેથી પ્રાંત કચેરી,ખંભાળીયાથી શરૂ થઈ જી.વી.જે સરકારી હાઇસ્કુલ, નગર ગેટ, મહાપ્રભુજી બેઠક રોડ થઈ પ્રાંત કચેરી ખાતે સમાપ્ત થશે. ઉપરાંત, તમામ તાલુકા કક્ષાએ એમ તિરંગા યાત્રા યોજાશે. જેમાં ભાણવડ તાલુકા તથા નગરપાલિકા કક્ષાની સંયુકત તિરંગા યાત્રા તા.૧૩/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૦૮ કલાકે બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી યોજાશે. દ્વારકા તાલુકા તથા નગરપાલિકા સંયુકત તિરંગા યાત્રા તા.૧૨/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૦૮ કલાકે કિર્તી સ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી યોજાશે. કલ્યાણપુર તાલુકા કક્ષા તિરંગા યાત્રા તા.૧૨/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૦૮ કલાકે તાલુકા પંચાયતથી પ્રાથમિક શાળા સુધી યોજાશે. તેમજ રાવલ નગરપાલિકા કક્ષાની તિરંગા યાત્રા તા.૧૩/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૦૮ કલાકે HGL હાઇસ્કુલથી નગરપાલિકા ઓફિસ સુધી યોજાશે. ઓખા નગરપાલિકા કક્ષા તિરંગા યાત્રા તા.૧૪/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૦૮ કલાકે રેલ્વે સ્ટેશન થી બસ સ્ટેશન સુધી યોજાશે. સલાયા નગરપાલિકા કક્ષાની તિરંગા યાત્રા તા.૧૩/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૦૮ કલાકે નગરપાલિકા ઓફિસથી શોપિંગ સેન્ટર સુધી યોજાશે.
વધુમાં વિગતો ઉમેરતા કલેકટરે કહ્યું કે, જિલ્લામાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં વંદે માતરમના અધિકૃત સ્વરૂપનું સામુહિક ગાન કરવામાં આવશે. જિલ્લાના તમામ ગ્રામ્ય કક્ષા તેમજ શાળા તથા કોલેજોમાં તા.૦૯/૦૮/૨૦૨૬ થી ૧૭/૦૮/૨૦૨૬ દરમિયાન તિરંગા રેલીનું આયોજન કરવામાં આવશે. શાળા અને કોલેજોમાં વંદે માતરમ, રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્રીય એક્તા અને સ્વાતંત્ર્ય સંગ્રામ આધારીત વકતૃત્વ, ચિત્ર તથા રંગોળી સ્પર્ધાઓ યોજાશે. જિલ્લાની સરકારી કચેરીઓને લાઇટીંગથી સુશોભીત કરવામાં આવશે. જિલ્લાના નાગરીકો Selfie With Tiranga ડિજીટલ અભિયાન અંતર્ગત તિરંગા સાથે સેલ્ફિ લઇને https://harghartiranga.com/ વેબ સાઇટ પર અપલોડ કરી શકશે.
વધુમાં કલેકટરે કહ્યું કે, ભારતના વિભાજન દરમિયાન લાખો લોકોએ સહન કરેલી પીડા, હિંસા, આઘાત, સ્થળાંતર અને બલિદાનનું સ્મરણ તથા વિભાજનની કરુણ હકીકતો અંગે ખાસ કરીને યુવા પેઢી માહિતગાર થાય તેમજ વિભાજનથી અસરગ્રસ્ત પરિવારોના સંઘર્ષ, ધૈર્ય અને બલિદાનને શ્રધાંજલિ આપવા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી ભાગરૂપે તા.૧૪ ઓગસ્ટના રોજ સાંજે ૦૪ કલાકે ટાઉનહોલ ખંભાળિયા ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે તેમજ તા.૧૩ અને ૧૪ ઑગસ્ટના રોજ ભારતના વિભાજનની ઐતિહાસિક ઘટનાઓ, સ્થળાંતર અને સંઘર્ષની ગાથાઓને રજૂ કરતું પ્રદશન પ્રદર્શન યોજાશે. તેમજ તા.૧૫ સપ્ટેમ્બર સુધી જિલ્લાની શાળા તથા કોલેજોમાં ઑનલાઇન કિવઝ યોજાશે જેમાં ભાગ લેવા કલેકટરે અનુરોધ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા સહિત પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.